- બાપાસીતારામ ચોક પાસે ખરાબામાં દુકાનના મામલે, મફતીયાપરામાં એચઆઈવી ગ્રસ્ત પરિવારને બદનામી અને વતનમાં જમીનના હલણના પ્રશ્ર્ને ચાલતી અદાવતમાં બિહારી બાખડયા
Rajkot News
રાજકોટ શહેરમાં ખાખીનો ખોફ ઓસરતા નજીવી બાબતે મારામારીના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મવડી ગામ નજીક બાપાસીતારામ ચોક પાસે ખરાબામાં કરેલી દુકાનનો ખાર રાખી પાડોશી પર યુવકે, શીતલપાર્ક ચોકડી નજીક મફતીયાપરામાં પરિવારને એચઆઈવી હોવાથી મેણા ટોણા મરી માતા પુત્રીને મારમાર્યો જયારે વતનમાં હલણના પ્રશ્ર્ને થયેલી માથાકુટનો ખાર રાખી બે બિહારી પરિવાર બાખડયા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના મવડી ગામ પાસે બાપાસીતારામ ચોક પાસે રહેતા ભરતભાઈ રવજીભાઈ ડોબરીયા નામના પ્રૌઢે પોતાના મકાનની બાજુમાં ખરાબાની જમીન હોવાથી દુકાન કરી હતી જેનો ખાર રાખી પાડોશમાં રહેતો મિલન બોરાયા અજાણ્યા શખ્સે સામે આવી દુકાનનો વપરાશ હું કરીશ તેમ કહી ધોકા વડે મારમારતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ પોલીસને થતા દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે. જયારે શીતલપાર્ક ચોકડી પાસે બાપાસીતારામ ગૌ શાળા પાસે મફતીયાપરામાં રહેતા પરિવારના દંપતિ અને પુત્રીને એચઆઈવી હોવાથી પાડોશમાં રહેતા સંબંધી નરેશભાઈના પરિવારજનો દ્વારા વારંવાર સંભળાવતા હોવાથી બંને પરિવાર વચ્ચે થયેલી માથાકુટમાં નરેશભાઈના પાર્વતીબેને માતા પુત્રી પર ઈટ વડે હુમલો કરતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ પોલીસને થતા દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુળ બિહારીનાં વતની અને હાલ શહેરના જૂના યાર્ડ નજીક ભગીરથ સોસા. શેરી 13માં રહેતા ત્રિલોક પ્રસાદ શ્રીરામ પ્રસાદ નામના પ્રોઢ અને તેના જ વતનમાં રહેતા ગોવિંદભાઈ તેમજ વિશાલભાઈના પરિવાર વચ્ચે વતનમાં ખરાબાની જમીનના મામલે ચાલતી અદાલતના કારણે બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં ત્રિલોક પ્રસાદને મારમારતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ બી.ડીવીઝન પોલીસને થતા દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે.