રાજ્યભરમાં રખડતા ઢોર અને શ્વાનના આતંકથી વધી રહ્યા છે મોતના બનાવ
રાજ્યભરમાં રખડતા ઢોરના હુમલાના બનાવો વાંરવાર બની રહ્યા છે. ત્યારે વડોદરામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રખડતા ઢોરે વૃદ્ધાને ઢીકે લેતા વૃદ્ધાનું મોત નીપજ્યું છે. હાઉસિંગના મકાનોમાં રહેતા ગંગાબેન પરમાર નામના વૃદ્ઘા પંચરત્ન સોસાયટીમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીના મકાન પાસે જ ગેરકાયદે બનેલા ઢોરવાડા પાસેથી પસાર થતાં જ એક ગાયે ગંગાબેન પર હુમલો કર્યો હતો. ગાયે વૃદ્ઘાને ગોથે ચડાવતા તેઓ જમીન પર પટકાઇ ગયા હતા અને ગાય વારંવાર તેમના પર હુમલો કરી રહી હતી. પરંતુ વૃદ્ઘાને કોઇ બચાવી ન શક્યું અને બચાવો બચાવોની બૂમો પાડતા ગંગાબેનનું કરુણ મોત થયું. ત્યારે હવે રખડતા પશુના હુમલાથી મોત નિપજતા પશુના માલિક વિરુદ્ધ હત્યાની કલમો તેમજ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સમગ્ર ઘટના નજરે જોનાર પંચરત્ન સોસાયટીમાં રહેતા સંતોષબેને સૈનીએ જણાવ્યું હતું કે, આજે બપોરે જમીને અમે ઘરમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન કોઇ મહિલાની બચાવો બચાવોની બૂમો સાંભળી અમે જોવા માટે બહાર આવ્યા તો ગાય વૃદ્ઘા પર હુમલો કરી રહી હતી. તેમજ મહિલાને બચકાં પણ ભરી રહી હતી. સોસાયટીના લોકોએ ગાયને દૂર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો. ગાયને પથ્થર મારી ભગાડવા ગયા તો ગાય લોકો પર હુમલો કરવા દોડી. જેથી લોકો પાછા હટી ગયા. આ દરમિયાન એક યુવક બાઇક લઇને આવ્યો અને ગાય ત્યાંથી હટી ગઇ. તે યુવક વૃદ્ઘા પાસે બાઇક મુકીને જતો રહ્યો.
વધુમાં જણાવ્યું હતું કે, એક યુવાન બાઈક લઈને આવ્યો અને ત્યાં વૃદ્ધા નજીક મૂકી દીધી હતી. જોકે, તે પહેલાં જ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. મારી હાલત એવી હતી કે, થરથર ધ્રૂજવા લાગી હતી. આ તો આજે આવી ઘટના બની એટલે બધા આવે છે. નહીં તો પોલીસવાળા પણ અહીં આવતા નથી. આ ગાયો કોઈ પશુપાલકની છે જેને અહીં બાંધી રાખે છે.
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જો કે જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં ગંગાબેનનું મોત થઇ ચુક્યું હતું. જેથી પોલીસ પણ આવી ગઇ હતી અને મહિલાના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
ગાય દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ આવી પહોંચી હતી. આ ટીમે ગેરકાયદે ઢોરવાડામાંથી ૩૪ જેટલા ગાય અને વાછરડા ઢોર ડબ્બે પુર્યા હતા. તેમજ આ ઢોરવાડાને તોડી પાડવામાં આવ્યો હતો.
વૃદ્ઘા પર હુમલો કર્યો તે ગાયે એ જ દિવસે વાછરડાને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી ગાય પોતાના વાછરડાની આસપાસ કોઇ પણ આવી જાય તો ઉગ્ર બનતી હતી. જેથી જ્યારે વૃદ્ઘા પણ ગેરકાયદે બનેલા ઢોરવાડા પાસેથી પસાર થયા ત્યારે ગાયે તેમના પર હુમલો કરી દીધો હતો.
મનુષ્ય વધની કલમો અને પાસા હેઠળ કાર્યવાહી કરવા ધારાસભ્યની માંગ
સયાજીગુંજના ધારાસભ્ય કેયુર રોકડીયાએ સમગ્ર મામલે કહ્યું છે કે, પશુના માલિકની ઓળખ કરી લેવામાં આવી છે. અમે સમગ્ર મામલે વડોદરા પોલીસ સાથે વાતચીત કરી છે અને પશુના માલિક વિરુદ્ધ મનુષ્ય વધ તેમજ પાસા હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે. જે રીતે હવે ધારાસભ્યે રજુઆત કરી છે તે મુજબ અમલવારી શરૂ કરવામાં આવે તો હવે પશુના લીધે કોઈ મનુષ્યનું મોત નીપજે તો પશુના માલિક વિરુદ્ધ સંભવિત રીતે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.