શિલાયાત્રશ દરમ્યાન ગોધરામાં લાંબો સમય રાત્રી કફર્યુ રહ્યો પરંતુ રેલવેની હદમાં કોઈ ગુન્હો બન્યો નહીં !
ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફોજદાર જયદેવ પંદર દિવસના હંગામી હુકમ ઉપર થોડા દિવસ માટે જ આવ્યો હતો. પરંતુ રેલવે પોલીસ વડાએ જયદેવની કાયમી નિમણુંક કયાંય કરી જ નહિ લાંબા સમય સુધી કોઈ હુકમ નતો ગોધરા રેલવે નો કે નહિ બીજી કોઈ જગ્યાનો જયદેવ એમ જ રાહ જોઈને દિવસો ટુંકા કરતો હતો. પરંતુ તે જેટલો સમય અહી હતો ત્યાં સુધી તેણે પંચમહાલ જીલ્લાનાં તથા રેલવે કર્મચારીઓના જનજીવનનું તથા રેલવે પોલીસની કામગીરી અને કાર્યવાહીનું નિરીક્ષણ કરતો હતો. ગોધરા શહેર તથા રેલવે પોલીસના કર્મચારીઓ ગોધરાના રેલવે સ્ટેશનના ગુનેગારો અંગે ચર્ચા કરતા અને માહિતી આપતા પરંતુ અન્ય જનતા કે અન્ય ખાતાના કર્મચારીઓ એક શબ્દ પણ ગુનેગારો વિશે બોલતા નહિ કે ચર્ચા પણ કરતા નહિ.
જયદેવ તેના નિયમ મુજબ સવારે નવ વાગ્યે પોલીસ સ્ટેશને પ્લેટફોર્મ નંબર એક ઉપર આવી જતો. તે સમયે દર રવિવારે ‘મહાભારત’ની ટીવી સીરીયલ પણ નવ સાડા નવ વાગ્યે આવતી. એક રવિવારના જયદેવ નવ વાગ્યે પ્લેટ ફોર્મ ઉપર આવતા ત્યાં ગોધરા રેલવે સ્ટેશન માસ્તર માર્તંડ જયદેવને મળી ગયા આથી તેમણે પુછયું કે તમે ‘મહાભારત’ નથી જોતા? જયદેવે તેમને કહ્યું કે આ પોલીસની નોકરી જ તમને મહાભારત અને કુરૂક્ષેત્રના કાવાદાવા જેવી નથી લાગતી? આથી તેઓ હસી પડયા અને કહ્યું કે મારૂ ઘર આ પોલીસ સ્ટેશન પછી રોડ અને પાર્કિંગની પેલે પાર જ આવેલું છે ચાલો ને તે બહાને ચા-પાણી પણ થઈ જાય. જયદેવ તેમની સાથે તેમના ઘેર ગયો, ટીવી ઉપર મહાભારત સીરીયલ પુરી થઈ એટલે માર્તંડને જયદેવ એકલો જ હોય રંગ ચડયો અને વાત ચાલુ કરી. તેમણે કહ્યું કે તમે સ્ટેશન ઉપર બરાબર ધોકો ચલાવ્યો છે. આ ગુનેગારો વાતો કરે છે કે આ ફોજદાર, કાઠીયાવાડી છે અને ધોકા સિવાય બીજી કોઈ ભાષા જ જાણતો નથી. તમામ બે નંબરીયા મફતીયા અને ગુનેગારો તમારાથી ત્રાસી ગયા છે. આ લોકો જેમ ધોકાથી ડરે છે તેમ કાયદા અને કલમથી પણ ખૂબ ડરે છે. જયારે ગોધરા શહેરમાં કોમી તોફાનો થાય ત્યારે વગર લેવા દેવા એ રેલવે પોલીસની ઉંધ હરામ થાય છે. અને ખોટી રીતે ધંધે લાગે છે. જયારે કોમી તોફાનો થાય ત્યારે આ ગુનેગારોએ જે તે વિસ્તારમાં જેટલા ખૂન કર્યા હોય તેની લાશો ઉપાડીને રેલવે ટ્રેક ઉપર અથવા રેલવેની હદમાં ફેંકી દે છે. આથી તેઓ ગોધરા શહેર પોલીસથી બચી જાય છે. અને બીચારી રેલવે પોલીસ કાંતો ટ્રેક ઉપર કપાયેલ માની અકસ્માતની કે વણશોધ્યા ખૂનની તપાસ કર્યા કરે કેમકે રેલવે પોલીસને તો કોઈ પૂરાવો કે સહકાર મળવાનો નહિ. જેથી તમે જે કડકાઈ રાખી છે તેતો ચાલુ જ રાખજો પરંતુ કયારેક કાયદાથી પણ બોધપાઠ ભણાવજો જોતો પછી આ લોકો રેલવેની હદમાં ભવિષ્યે કોઈ ખોટો ચાળો નહિ કરે જયારે શહેર પોલીસ તો પોતાનો જ બચાવ કરશે તે તમને કાંઈ મદદ નહિ કરે. જયારે ગોધરા શહેરમાં કોમી તોફાનો શરૂ થાય એટલે શહેર પોલીસની જ પોલીસ ચોકી નંબર પાંચ કે જે રેલવે સ્ટેશનની બાજુમાં પણ પોલનબજારના ખૂણે છે તેનો પોલીસ સ્ટાફ ચોકી બંધ કરીને રેલવે પોલીસ સ્ટેશન ઉપર આવી જાય છે. સ્ટેશન માસ્ટર માર્તેડે આ સિવાય પણ આ લોકોની બીજી પ્રવૃત્તિ અને અન્ય ધણી વાતો કરી જયદેવે પોતાને એટલે કે કાયદો અને વ્યવસ્થાને ઉપયોગી થાય તેવી વાતોની નોંધ મનમાં રાખતો ગયો અને જરૂર પડયે રજીસ્ટરોમાં પણ કરી જેથી ભવિષ્યમાં ઉપયોગી થાય.
એક દિવસ સ્ટેશન માસ્તર મારફતે દહેરાદુન એક્ષપ્રેસ ટ્રેનના ડ્રાઈવરનો મેમો આવ્યો જેમાં જણાવેલ હતુ કે ચાંપાનેર જંકશન અને ગોધરા સ્ટેશન વચ્ચે અમુક ચોકકસ નંબર વાળા પોલ વચ્ચે સવારના સમયે રેલવે ટ્રેકની દસ ચાવીઓ કોઈએ કાઢી નાખેલ છે તે સમયે ટ્રેન ડીરેઈલ (ઉથલી પડવા)ના સંજોગો હતા. પરંતુ આ બાબત ડ્રાઈવરના ધ્યાન ઉપર અગાઉથી આવી જતા પ્રથમ ટ્રેન થોભાવી પછી ટ્રેક (પાટા) તપાસી તેની સ્થિતિ જોઈ ટ્રેકને કોઈ નુકશાન નહતુ ફકત ચાવીઓ (પાટાને સ્લીપર સાથે જકડી રાખનાર ગોળ આંકડા જેવા હુક)જ કાઢી લીધેલ હોય ધીરેધીરે ટ્રેન પસાર કરેલી તેથી કાયદેસર કરવા જણાવેલ હતુ. એક નકલ સ્ટેશન માસ્તરને પણ આ ટ્રેક ઉપર બીજી ટ્રેન પસાર કરવા કોશન ઓર્ડર (ચેતવણી હુકમ) અને રીપેરીંગ કરાવવા માટે જાણ કરવા આપેલ હતી.
આ મેસેજ જયદેવને મળતા જ તેના ભવા ઉંચા થઈ ગયા. તેણે વિચાર્યું કે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ? અને તે પણ પેસેન્જર ટ્રેન દહેરાદૂન એક્ષપ્રેસ કે જે મુસાફરોથી ભરચક હોય છે. ગુન્હો ઘણો ગંભીર જાણી અને તે રેલવે સબોટેજ એટલેકે ભાંગફોડ કરી ટ્રેન ઉથલાવવા અંગેનો હોય અને ઈન્ડીયન રેલવે એકટની કલમ ૧૫૨ની જોગવાઈ મુજબ ટ્રેનના રોલીંગ સ્ટ્રોકને જાણતા કે અજાણતા પણ નુકશાન પહોચાડી આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુન્હો બનેલ હોય જેની એફઆઈઆર નોંધવા જયદેવે કાર્યવાહી ચાલુ કરી. પરંતુ રેલવે પોલીસના જવાનોએ જયદેવને સૂચન કર્યું કે ‘સાહેબ અહિંતો દરરોજ આવા કેટલાય મેમા આવતા હોય છે. તે અંગે સાદી ચોરીનો ગુન્હો નોંધી તેની તપાસ કરી નીકાલ કરવામાં આવે છે. તમે જ શા માટે ‘પેટ ચોળીને શૂળ ઉભુ કરી આવો ગંભીર ગુન્હો નોંધો છો જેવો ગુન્હો નોંધાશે એટલે ઉપરી અધિકારીઓ લોહી પી જાશે અને સાચા ખોટા ડીટેકશન માટે ભીંસ કરવા લાગશે.’ જયદેવને આ વાત સાંભળી ને આશ્ર્ચર્ય થયું કે આવા ગંભીર ગુન્હામાં ચોરીની ફરિયાદો નોંધાય અને તે ચાલ્યું પણ જાય? પરંતુ જયદેવ તો પેલા ઈગ્લીશ સુત્ર ‘ઙયિદયક્ષશિંજ્ઞક્ષ શત બયિિંંયિ વિંફક્ષ ભીયિ’ને બરાબર માનતો હતો તે જેણે આ કાંકરી ચાળો કરેલ છે. તેને એવો બોધ પાઠ આપવા માંગતો હતો કે જેથી ભવિષ્યે આવો ભડકો થાય તેવું કામ કરતા અનેક વખત વિચારે તેથી તે આ બહાને ગુનેગારોને બરાબર ડામ દેવા માગતો હતો. આથી રેલવેના જૂના જમાદારોની સલાહ છતા જયદેવે આઈઆર એકટ કલમ ૧૫૨ મુજબ અજાણ્યા માણસો વિરૂધ્ધ રેલવે ટ્રેક નિરીક્ષક ને રરૂબરૂ બોલાવી વિગતવારની ફરિયાદ નોંધી ગુન્હો દાખલ કરાવ્યો.
જયદેવે હૈદરાબાદ ખાતે ડીટેકટીવ ટ્રેનીંગમાં આ રેલવે ભાંગફોડ કે સબોટેજ નો અભ્યાસ કરેલો અને તેનું પ્રાયોગીક નિર્દેશન પણ નિહાળેલ. આથી જયદેવે ગુન્હાવાળી જગ્યાએ ફોરેન્સીક સાયન્સની મોબાઈલ ટીમને તથા ગંધ પારખુ કુતરાથી ટ્રેકીંગ કરાવવા ડોગસ્કોડને પણ મોકલવા માટે હેડ ઓફીસમાં વાયરલેસ સંદેશો મોકલ્યો.
જયદેવ તુરત જ ગુન્હાવાળી જગ્યાએ આવ્યો જગ્યા જોતા ત્યાં રેલવેના કર્મચારીઓ ‘યુધ્ધના ધોરણે’ ટ્રેક ઉપર નવી ચાવીઓ ચડાવી રહ્યા હતા તેમની જરૂરીયાત અને દ્રષ્ટીએ તે જરૂરી હશે પરંતુ હવે તે જગ્યા પૂરાવો મેળવવા માટે ફોરેન્સીક નિષ્ણાંતો માટે નકામી થઈ ગઈ હતી. જયદેવે જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ શરૂ કર્યું ત્યાં જ તેની નજરે ગંભીર અને ખતરનાક બાબત ધ્યાન ઉપર આવી કે ટ્રેક ઉપર જયાંથી ચાવીઓ કાઢેલી હતી તે પછી દસ વીસ જ ફૂટ દૂર એક મોટી નદીનો બ્રીજ હતો આથી આનો અર્થ જયદેવની દ્રષ્ટીએ એ થયો કે ટ્રેન ૯૦ થી ૧૦૦કીમીની ઝડપે તો આવતી જ હોય અને તે આ જગ્યાએથી ઉથલી પડે તો ટ્રેન સીધી જ બ્રીજથી નીચે પચાસ ફૂટ પટકાય તો શું બાકી રહે? માનવ લાશોના ઢગલા થાય અને હાહાકાર મચી જાય!
ફોરેન્સીક નિષ્ણાંતો આવ્યા પણ જગ્યા ઉપર માણસોની અવર જવર થઈ ખલેલ પડી ગયેલ હોય કોઈ ફીંગર પ્રિન્ટ કે ફ્રુટ પ્રિન્ટ કે પાટા ઉપર બીજા હથીયારો ના નિશાન અંગેના પૂરાવા મળ્યા નહિ. પંચમહાલ પોલીસ દળનો ડોગ ‘રોકી’ આવ્યો તે પણ એજ કારણે ટ્રેક કરી શકયો નહિ જગ્યાની આસપાસ જંગલ અને અફાટ સરકારી જમીન જ હતી. તે દિવસે આ પ્રમાણે તપાસ ચાલી. જયદેવે ડી સ્ટાફને ખાસ સૂચના કરી કે રેલવે માલગાડીઓમાં ચોરીઓ કરવા વાળી ગોધરાની કઈ કઈ ગેંગોની આ તરફ હાલ પ્રવૃત્તિ છે. અને અવર જવર છે તેમના નામ ઠામની માહિતી મેળવવા જણાવ્યું. પરંતુ રેલવે પોલીસે તેની વિદ્વતા જયદેવને દર્શાવી કે સાહેબ ‘ચોરીઓ કરવા વાળાતો આવી ભાંગફોડ કરવા વાળાને રોકે છે અને વારે છે કેમકે આવો ગંભીર ગુન્હો બને તો તેમના ચોરીના ધંધા બંધ થઈ જાય.’ જયદેવે તેમને કહ્યું તમે અમે કેમ નથી વિચારતા કે તેમની નકકી કરેલી કિંમતી માલ ભરેલી માલગાડી જો ઉધી પડી હોત તો પછી ચોરીઓ કરવાની તેમને કેવી મજા આવેત?’ જયદેવને થયું કે આ ચીલાચાલુ પધ્ધ્તિએ તપાસમાં કાંઈ નહિ વળે અને વળી ‘આપ મુઆ સિવાય સ્વર્ગે પણ ન જવાય’ તે રીતે જો આ રેલવે પોલીસના ભરોસે અને રીતે તપાસ થશે તો કોઈ આરોપી નહિ પકડાય અને ગુન્હાનું વર્ગ અ ફાઈનલ જ ભરવું પડશે. જો કે રેલવે પોલીસમાં તે સમયે આમેય ૭૦ થી ૮૦ ટકા ગુન્હાના ફાઈનલ જ ભરાતા હતા.
જયદેવ બીજા દિવસે ફરીથી જીપ લઈ ગોધરાથી કાલોલ પોલીસ મથકના ગામડાઓમાં થઈ ગુન્હાવાળી જગ્યાએ આવ્યો જગ્યાએ સુમસામ શાંતિ હતી ફરતે જંગલ ઝાડી હતી ટ્રેક ઉપર વારંવાર ટ્રેન કે માલગાડી પસાર થતી હતી જયદેવે ગુન્હા વાળી જગ્યાની આગળના બ્રીજ નીચે નદીના પટમાં આંટો માર્યો ખાસ કાંઈ મળ્યું નહિ જેથી પાટાથી પશ્ર્ચિમ દિશામાં થોડે દૂર જંગલમાં ચાલ્યો. ત્યાં તેણે એક જગ્યાએ લોખંડના ટુકડા, ભંગારની ઢગલી જોઈ તેથી જયદેવ સચેત થઈ ગયો. જંગલમાં થોડે દૂર જતા એક નાનુ ઝુપડૂ આવેલુ હતુ જયદેવ અને રેલવે પોલીસ આ ઝુપડા ઉપર આવ્યા ત્યાં એક માણસ હાજર હતો તેની પુછપરછ કરતા તેણે કહ્યું કે હું તો મજુરી કામ કરૂ છું પરંતુ જયદેવને પેલી લોખંડના ભંગારની ઢગલીએજે સંકેત આપેલા તે મુજબ જયદેવે ઝુંપડાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને પછી પધ્ધતિસર ઝુપડાની ઝડતી તપાસ ચાલુ કરી અને ઝુપડામાંથી પુષ્કળ રેલવેના લોખંડનો ભંગાર મળ્યો પણ પાટાને સ્લીપર સાથે જકડી રાખતી ચાવીઓ હતી નહિ. જયદેવે છેલ્લે ઝુપડાના ઘાંસના છાપરામાં ઝડતી કરતા આશ્ર્ચર્ય સાથે સંતાડેલી ચાવીઓ મળી આવી જેથી વિગતે ઝડતી તપાસ કરી પંચનામુ કરી ચાવીઓ તથા કોદાળી અને કોશ પણ ચાવીઓ કાઢવાના સાધન તરીકે કબ્જે કર્યા. લોખંડનો અન્ય રેલવે ખાતાનો ભંગાર પણ શક પડતી વસ્તુ તરીકે કબ્જે કર્યો.
જયદેવે આ મજૂરને રેલવે ટ્રેક ઉપરથી બ્રીજના છેડેથી આગલા દિવસે કોણે ચાવીઓ કાઢેલી તે અંગે પૂછતા તેણે પોતે કાંઈ નહિ જાણતો હોવાનું કહ્યું. ડીસ્ટાફ કહ્યું સાહેબ આ કાંઈ નહિ બોલે ગોધરાના ભંગારી તેના રીસીવર છે.તેનાથી આ ડરે છે. વળી માલગાડીઓમાં જે ગેંગો ચોરીઓ કરે છે તેઓ આ લોકોનો જ સાધન તરીકે ઉપયોગ કરે છે. આ લોકોને પોલીસ કરતા ગોધરાની ગેંગોનો ભય વધારે હોય છે. તેથી તે કાંઈ નહિ બોલે. છતા જયદેવે તેને વિશ્ર્વાસમાં લઈ ભંગાર કોને કોને આપે છે.તથા બે દિવસ પહેલા આ બાજુ કોણ કોણ આપેલુ તેની પૂછપરછ કરી નામ મેળવ્યા અને ગોધરામાંથી તેમને પકડયા. ભંગાર વાળાથી આ ગુન્હાવાળી જગ્યા કઈ ચોરી ગેંગની છે તેના પણ નામ મેળવ્યા. નવાઈની વાત તો એ હતી કે ગુન્હેગાર ગેંગોએ પણ રેલવે ટ્રેક ઉપર વિસ્તારોની ચોરીઓ માટે વહેંચણી કરેલી હતી જેમકે ગોધરા રેલવે સ્ટેશન વિસ્તાર તેમાં પણ બે નંબરી ફેરીયા ગેંગ, પીકપાકેટર ગેંગ વિગેરે તથા એક કેબીનથી ડીસ્ટ્રીકટ સીગ્નલ સુધીની જગ્યા, તથા ત્યાંથી ખડસલીયા સ્ટેશન સુધીનો વિસ્તાર મોટી ગેંગો જેઓ ટ્રક ટ્રાન્સપોર્ટ પણ ધરાવતા હતા તેમનો હતો. આમ ગુનેગારો ગેંગો એ વિસ્તારો પણ વહેંચેલા હતા આથી નામ મળતા જયદેવે કુલ પાંચેક ઈસમો ને ઈન્ડીયન રેલવે એકટ ક ૧૫૨ મુજબ પકડી મજૂર સહિત તમામના વિગતે નિવેદનો નોંધ્યા ગેંગો વાળા તો પરોક્ષ રીતે એકબીજા ઉપર દોષારોપણ કરતા હતા અને કહેતા હતા કે પેસેન્જર ટ્રેનતો ઓચિંતી નિકળી હશે બાકી નિશાન તો માલગાડી જ હોય તેવું ગોળ ગોળ કહેતા હતા. જયદેવે આ વાત પેલા મજૂરને પોઝીટીવલી (હકારાત્મક રીતે) કહી તે એકદમ ગળગળો થઈ ગયો અને કહ્યુંં કે સાહેબ શું કરીએ આ સિવાય અમારો કોઈ આધાર નથી. જયદેવે તે પ્રમાણે હકારાત્મક નિવેદનો નોંધી લીધા અને આર.પી.એફ.ને ચાવીઓ કોદાળી અને કોશ સિવાયનો શક પડતો રેલવેનો ભંગાર કબ્જે કરેલો તે મુદામાલ સોંપતા તેમણે અનલોકુલ પઝેશન ઓફ રેલવે પ્રોપર્ટીઝ એકટ મુજબ ગુન્હો નોંધી તેમણે પણ તપાસ શરૂ કરી આર.પી.એફ.ને ફકત આ એક જ કાયદા નીચે તપાસ કરવાની સતા છે. આર.પી.એફ.ના અધિકારી સમક્ષનું આરોપીનું નિવેદન ક્રીમીનલ પ્રોસીજર કોડની જોગવાઈ મુજબ પુરાવાકીય રીતે કોર્ટમાં ગ્રાહ્ય હોય, જયદેવે પોતે લીધેલા નિવેદનો મુજબ જ આર.પી.એફ.ના અધિકારીને તેમના રૂબરૂ આરોપીઓનાં નિવેદનો લખી લેવા કહેતા આર.પી.એફ.ના તપાસ અધિકારીએ તે પ્રમાણે નિવેદનો નોંધી લીધા પછી જયદેવે તેમની પાસેથી આ નોંધેલ નિવેદનોની પ્રમાણીક નકલો મેળવી લઈ સબોટેજ ગુન્હાના કામે સામેલ રાખ્યા જેથી આ સબોટેજ નો રેલવે એકટ મુજબનો ગુન્હો કાયદાકીય રીતે અને પુરાવાકિય રીતે પાકો અને સજજડ થઈ ગયો આરોપીઓનાં બે ત્રણ દિવસના રીમાન્ડ લીધા અને જયદેવે આ ગુન્હામાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૨૦ બ કાવતરાની કલમનો પણ ઉમેરો કર્યો.
આરોપીઓ જેલમાં ગયા ત્યાં સુધી તો તેમને એવી જ ધારણા હતી કે ચોરીના ગુન્હાની જેમ જામીન ઉપર છૂટી જઈશું વળી ગુનેગારો એ સમજતા પણ ખરા કે ધંધો એવો છે એટલે આવી રજા કજા (નફો નુકશાની મુશ્કેલી)તો આવ્યા કરે ! ગોધરા રેલવે કોર્ટમાં આરોપીઓની જામીન અરજી નામંજૂર થઈ પણ તેમણે માન્યું હતુ કે જયુડીશીયલ કોર્ટમાં તો આ કલમ મુજબ આજીવન કેદની સજાની જોગવાઈ હોય જામીન નહિ મળે. પરંતુ ગોધરા સેશન્સ કોર્ટે પણ આ આરોપીઓની જામીન અરજી રદ કરી આથી ગોધરા રેલવે વિસ્તારનાં ગુનેગારોમાં દેકારો બોલી ગયો અને ગુનેગારોમાં ભયમિશ્રીત કુતુહલ પણ થયું અને ચર્ચા થવા લાગી કે લાખો રૂપીયાની કિંમતની આખી ને આખી માલગાડીઓનો માલ ચોરીને ખાઈ ગયેલા અને પકડાયેલા ત્યારે પણ કોર્ટમાં જામીન મળી ગયેલા પણ આ આઠ દસ ચાવીઓ એ તો ભારે કરી !
આ ગુનેગારોએ ગોધરા ટાઉનના અમુક ફોજદારો તથા રેલવેમાં અપડાઉન કરતા પોલીસ ખાતાના અધિકારીનો સંપર્ક કરી જયદેવના ભૂતકાળ વિશે પૂછપરછ તો આ અધિકારીઓએ તો ‘મીઠુ મરચુ ભભરાવીને’ વાત કરી કે આ ફોજદાર કાઠીયાવાડમાં મોટા મોટા ડાકુઓને સીધા દોર કરી દીધેલ છે. અને રાજકારણીઓતો તેમના પોલીસ સ્ટેશનનો ઉંમરો પણ ચડતા નથી. સંસદસભ્યને પણ દારૂના કેસમાં પુરી દીધેલ છે. આ ફોજદાર ને તમને બધાને સીધા કરવા જ અહિં મૂકયા છે. હવે આની બદલી થાય ત્યાં સુધી જંપી જાવ. તેને આમેય અહી ગોધરામાં રહેવું નથી. તે તો બદલી કરાવવા જ માગે છે. તે કાયદો અને કાગળોનો પણ પાકો છે. જો ઉંચા નીચા થયા અને તેને ખબર પડી તો તમારી ખેર નથી.
આરોપીઓએ અમદાવાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરી જયારે ગોધરા સેશન્સ કોર્ટમાં આરોપીઓએ જામીન અરજી કરેલી ત્યારે જયદેવે કોર્ટમાં એફીડેવીટ રજૂ કરેલ કે આ અતિ જધન્ય કૃત્ય છે. આજીવન કેદની સજા ને પાત્ર તો છે. પરંતુ જાહેરહીતને લગતી પણ આ બાબત છે અને બનાવવાળી જગ્યાનું બીહામણુ દ્રશ્ય શબ્દચિત્ર રૂપે રજૂ કરેલ અને આતો ‘ડોશી મરે તેનો વાંધો નહિ પણ જમ ખોરડા ભાળી જાય’ તેવો તાલ હોય તેવું જણાવેલ હતુ.
આશ્ર્ચર્ય સાથે હાઈકોર્ટે પણ આરોપીઓની જામીન અરજી રદ કરી આથી આ મુદો હવે ગોધરા રેલવે સ્ટેશન પૂરતો મર્યાદિત નહિ રહેતા આખા ગોધરા શહેરમાં “Tallk Of Town” બન્યો. ગોધરા શહેરના અધિકારીઓ પણ નવાઈથી અને જાણવાની ઈન્તેજારીથી જયદેવને મળતા કે આ લોકો ની ‘દવા કરી’ તેણ કઈ રીતે કરી. જયદેવને પણ આશ્ર્ચર્ય હતુ કે અગાઉ તો ઘણા સેશન્સ ટ્રાયલ કેસો કે જેમાં તમામ પ્રકારનાં સજજડ પૂરાવા હતા છતા પણ આરોપીઓ જામીન ઉપર છૂટી જતા હતા.
આ કિસ્સાની ચર્ચા ગોધરા રેલવે પોલીસ પેટ્રોલીંગમાં અમદાવાદ નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જતી ત્યાં તમામ સ્થળોએ કરી અને ગુનેગારોને બરાબર પાઠ ભણાવ્યો છે તેમ વાતો કરતા ગુજરાતના રેલવેના મુખ્ય સ્ટેશનોએ જયદેવનો સીકકો પડી ગયો.
આખરે આ કેસનું ચાર્જશીટ થયા બાદ સાત આઠ મહિના પછી આરોપીઓએ ફરીથી હાઈકોર્ટમાં જામીન અરજી કરી અને મહામહેનતે મોટી રકમના જામીન સાથે આકરી શરતો મૂકી જેમાં એક હતી કે દર અઠવાડીયે ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં તપાસ કરનારા અધિકારી પાસે હાજરી પૂરાવવાની શરતોએ જામીન હુકમ કર્યો તમામ આરોપીઓ છૂટીને બીજે જ દિવસે જયદેવના દર્શનાર્થે પ્લેટફોર્મ નંબર એક ઉપર રેલવે પોલીસ સ્ટેશને આવ્યા કે સાહેબ હાજરી પૂરી લેજો.
આ બનાવનો દાખલો તમામ ગુનેગારો અને તેમના આકાઓએ રાખ્યો કે ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં કાનુની રીતે હડફેટે ચડાય નહિ જો ચડયા તો મુશ્કેલીજ મુશ્કેલી આમ જયદેવ ની જે છાપ ધોકા માસ્ટરની હતી તેમાં હવે કાયદા અને કલમનો પણ ઉમેરો થયો.
પરંતુ આગુન્હો અને તેમાં જામીન નહિ મળવાનો દાખલો અને ઉદાહરણ ગોધરા રેલવે પોલીસને અને જયદેવને પણ આગળ ઉપર જે સમગ્ર ભારત દેશમાં અયોધ્યા માટે શીલા યાત્રા નીકળેલી તે સમયે ઉપયોગી થનાર હતી. આતો ફકત ચમત્કાર જ થયો હતો પરિણામ તો પાછળથી મળવાનું હતું!