પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે પંચાયત સેવા હેઠળનાં આરોગ્ય કર્મચારીઓની આજે માસ સીએલ: ૧૫મીથી અચોકકસ મુદતની હડતાલ

પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે રાજકોટ સહિત રાજયભરના પંચાયત સેવાના આરોગ્ય કર્મીઓએ લડત શરૂ કરી છે જેમાં આજે આરોગ્ય કર્મી દ્વારા માસ સીએલ પાડવામાં આવી હતી. આ સાથે અનોખી રીતે વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ૯૦૦ જેટલા આરોગ્ય કર્મીઓએ રકતદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન અને રામધૂન સહિતના કાર્યક્રમો આપીને પોતાના પ્રશ્નો ઉકેલવાની માંગ ઉઠાવી હતી.

DSC 6384

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પંચાયત સેવા હેઠળ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ને સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આ રજૂઆતોનો યોગ્ય ઉકેલ ન આવતા મહાસંઘે આંદોલનની જાહેરાત કરી હતી. આ જાહેરાતને દરેક જિલ્લાકક્ષાના મંડળોએ સ્વીકારીને ગત તા.૨૮ના રોજ પેનડાઉનનો કાર્યક્રમ આપ્યો હતો. વધુમાં આજે રાજકોટ સહિત રાજયભરના આરોગ્ય કર્મચારીઓએ માસ સીએલ મુકીને રામધૂન, સ્વચ્છતા અભિયાન રકતદાન કેમ્પ સહિતના અનોખા કાર્યક્રમો આપ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લાના ૯૦૦ જેટલા આરોગ્ય કર્મીઓએ ઉમટી પડી મોટી સંખ્યામાં રકતદાન કર્યું હતું.

DSC 6396

આ સાથે કર્મચારીઓએ રામધૂન બોલાવી હતી અને જિલ્લા પંચાયતના પટાંગણમાં સાફ-સફાઈ પણ કરી હતી. આમ રાજકોટ જિલ્લા સહિત રાજયભરમાં આરોગ્ય કર્મચારીઓએ અનોખો કાર્યક્રમ આપીને વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં રાજયભરના આરોગ્ય કર્મચારીઓ આગામી ૧૫મીથી અચોકકસ મુદતની હડતાલ પણ પાડવાના છે. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ એન.પી.ડઢાણીયા, મહામંત્રી આર.ડી.ગોહિલ, એ.બી.સેજાણી, જાવેદભાઈ પઠાણ, માનસિંહ પરમાર, કરણ હડીયા, જયદીપ મારૂ, એન.ડી.રાખશીયાભા, પી.ટી.સાવલીયા, અમિતભાઈ લખતરીયા,સુરેખાબેન, રેખાબેન દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.