હજારો લીટર પાણી વહી ગયું: તંત્રની નબળી કામગીરીનાં કારણે ખેડુતોમાં રોષ
લીંબડી તાલુકાના શિયાણી ગામ નજીક આવેલી જાંબુ માઈનોર કેનાલ માં ઓવર ટોપીંગને કારણે ગાબડું પડતાં લાખો લીટર પાણી વેડફાયુ હતું. બળતા પાકને બચાવવાની કોશિશ કરતા ખેડૂતોને પડ્યા પર પાટુ મારવા જેવો ઘાટ સર્જાયો હતો.લીંબડી તાલુકાના શિયાણી ગામના ખેડૂતો દ્વારા સૂકાઇ રહેલા પાકને બચાવવા માટે નર્મદા વિભાગના અધિકારી, મામલતદાર, નાયબ કલેકટર અને કલેકટર સુધી અનેક રજૂઆતો કરી હતી. ત્યારે સિયની માઈનોર કેનાલ માં પાણી છોડાવવા માટે પ્રયત્નો અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. ખેડૂતોના હિતમાં બળી રહેલા પાકને બચાવવા માટે વારા પ્રમાણે પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરતું શિયાણી ગામ પાસેથી પસાર થતી માઈનોર કેનાલ માં પાણી છોડાતા ઓવર ટોપીંગને કારણે ગાબડું પડતાં લાખો લીટર પાણી વેડફાયુ હતું. નર્મદા વિભાગ દ્વારા જ સિયાનિ માઈનોર કેનાલમાં ગાબડું પડ્યાના સમાચાર મળતા પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. બળી રહેલા પાકને બચાવવા માટે જીજાની કોશિશ કરતા શિયાણી ગામના ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ પડયું જેવી થઈ ગઈ છે.