‘સર્વ જન હિતાય સર્વ જન સુખાય’ મંત્રને ચરિતાર્થ કરતા બજેટ માટે સમગ્ર ભાજપ કાર્યકર્તા વતી રાજ્ય સરકારને અભિનંદન આપતા જીતુ વાઘાણી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વિધાનસભાના બજેટ સત્રમાં પોતાના પ્રતિભાવો આપ્યા હતા તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી તેને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું હતું. વાઘાણીએ જણાવ્યું હતું કે ૧૩ વર્ષ સુધી આ ગૃહના સન્માનનીય નેતા તરીકે રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૦૧૪માં પૂર્ણ બહુમતી સાથે દેશનું સુકાન સોંપ્યું હતું. વિપક્ષોના અનેક કિન્તુ પરંતુ વચ્ચે, કેટલાયે ગપગોળા, જ્ઞાતિ-જાતી વચ્ચે ઝગડાઓ કરવવા, વર્ગવિગ્રહ ફેલાવવાના અનેક પ્રયાસો વચ્ચે ૨૦૧૯માં ફરી એક વખત ઐતિહાસિક બહુમતી આપી દેશની જનતાએ ફરી એક વખત ગુજરાતના પોતાના પુત્ર નરેન્દ્રભાઈ મોદીને દેશનું સુકાન સોંપ્યું છે. માત્ર બે બેઠકોમાંથી ૩૦૩ બેઠકો સાથેનો વિજય એ જનતાનો વિજય છે. સત્યનો વિજય છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નીતીનભાઈની સરકારના પ્રજાલક્ષી વિકાસકાર્યોને લીધે ૨૦૧૭ની ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ સતત છઠી વખત ભાજપાને સતા સોંપી છે અને સતત બીજી વખત ૨૬ બેઠકો પર ગુજરાતમાં ભાજપાનો વિજય થયો છે. ગુજરાત અને દેશની જનતાને હું આ ફ્લોર પરથી શતશત વંદન કરું છું.

વાઘાણીએ જણાવ્યું હતું કે સરસ મજાનું સમગ્ર દેશમાં વાતાવરણ છે ત્યારે વગર ચોમાસે પણ ટાઢક થાય તે પ્રકારનું બજેટ મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી શ્રી નીતિનભાઈ લાવ્યા છે.૧૯૯૫માં માત્ર ૧૦,૦૦૦ કરોડનું બજેટ હતું ત્યારબાદ ભાજપની સરકારોમાં બજેટનું કાળ સતત વધતું ગયું પ્રજાલક્ષી વિકાસકાર્યો થતાં ગયા અને ૨૦૧૯-૨૦માં નીતિનભાઈ ૨,૦૪,૮૧૫ કરોડ રૂપિયાનું  બજેટ લાવ્યા છે.જનતાની સુખાકારી માટેના આ બજેટને હું આવકારું છું, વધાવું છું અને વિપક્ષને પણ કહું છું કે તમે પણ પ્રજાલક્ષી આ બજેટને વધાવજો.૧૯૯૫ થી ભાજપની સરકારોમાં લોકોએ બદલાવની અનુભૂતિ કરી છે. દરેકના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. વિપક્ષના સભ્યો ભલે જાહેરમાં ન સ્વીકારે પણ મારે તેમને કહેવું છે આપણાં ઘર શેરી, મહોલ્લાથી લઇ શહેરો-મહાનગરમાં જઈએ તો સ્વીકારવું જ પડે કે ૨૨ વર્ષ પહેલાં શું સ્થિતિ હતી ને આજે શું સ્થિતિ છે, આજે શું વ્યવસ્થાઓ છે,કેવા રસ્તાઓ છે, પીવાના પાણીની કેવી વ્યવસ્થાઓ છે.કોંગ્રેસના મિત્રો નરેન્દ્રભાઈ મોદીની ‘નલ સે જલ’ની વાતો કરે છે ત્યારે મારે તેમને કહેવું છે કે ૫૫-૫૫ વર્ષના તમારા શાશનમાં તમે આપી ન શક્યા એટલે અમારે પૂરું કરવું પડે છે.હું રાજ્યની જનતાને ભરોસો આપવા માંગું છું કે અમારી સરકાર કમીટમેન્ટ સાથે માત્ર ને માત્ર જનતાની સુખાકારી માટે પ્રમાણીકતાથી કામ કરી રહી છે અને કરતી રહેશે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઉંચાઇઓ ઉપર લઇ જવાની કટિબધ્ધતા ધરાવતા આ બજેટમાં કૃષિ વિકાસ, ખેડૂતકલ્યાણ, યુવા રોજગાર, બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક તથા સામાજિક સુખાકારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એક પણ વખત ઓવરડ્રાફ્ટ લેવો ન પડ્યો હોય તેવું નાણાકીય શિસ્ત ધરાવતું સર્વ સમાવેશક “સર્વ જન હિતાય સર્વ જન સુખાય” મંત્રને ચરિતાર્થ કરતું આ બજેટ માટે સમગ્ર ભાજપા અને કાર્યકર્તાઓ વતી રાજ્ય સરકારને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.