જન્માષ્ટમી લોકમેળાને ‘ગોરસ’ નામ અપાયું: લોકમેળાને ૪ કરોડનું વિમાકવચ-પ્રિમીયમ ભરાયું
આગામી ૧લી સપ્ટેમ્બરે યોજાનારા ‘ગોરસ’ જન્માષ્ટમી લોકમેળામાં ટનાટન સ્ટોલ બુકિંગના પગલે લોકમેળા સમિતિ પાસે અત્યારથી જ ૩ કરોડથી વધુની રકમ જમા થઈ ગઈ છે. જોકે આગામી તા.૮,૯,૧૦ના રોજ ડ્રો અને હરાજી બાદ આ પૈકીની રકમમાંથી રીફંડના પણ ચુકવણા કરવામાં આવશે. દરમિયાન આજે લોકમેળાનું નામકરણ કરવા મળેલી બેઠકમાં લોકોએ મોકલેલા નામો પૈકી ગોરસ નામને પસંદ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા જન્માષ્ટમી લોકમેળાને આજે આખરે ‘ગોરસ’ નામ અપાયું છે ત્યારે સ્ટોલ બુકિંગના કારણે લોકમેળા સમિતિના ખાતામાં ૩ કરોડથી વધુની રકમ જમા થઈ ગઈ છે. જોકે આગામી તા.૮,૯ અને ૧૦ના રોજ ડ્રો અને હરાજીની પ્રક્રિયા હાથ ધરાયા બાદ લોકમેળાની સ્ટોલ બુકિંગની આવકનો સાચો આંકડો બહાર આવશે.
દરમિયાન ૧લી સપ્ટેમ્બરથી યોજાનારા જન્માષ્ટમી લોકમેળા માટે લોકમેળા સમિતિ દ્વારા યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીને રૂ.૧૪૦૦૦ જેટલું વિમા પ્રિમીયમ ચુકવી પાંચ દિવસ ચાલનારા લોકમેળામાં કુદરતી કે અન્ય આફતો સામે રૂ.૪ કરોડ જેટલું વિમા કવચ પણ મેળવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.