દગાબાજોએ ગરીબોને રૂ બે લાખની લાલચ આપી રૂ ૫૦ માં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમના બોગસ ફોર્મ વેચ્યા: સૌથી વધુ અરજીઓ યુપીમાંથી મળી
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સરકાર અનેક કાર્યક્રમો ચલાવી રહીછે. જેમાં દરેક દિકરીને ભણવાની સમાન તક મળે અને સશકત બની દેશને ઉજજવળ કરે તે માટે કવાયત હાથ ધરી છે. પરંતુ હાલ મહીલા અને બાળક વિકાસ મંત્રાલય બોગસ ફોર્મની સમસ્યાની સામે જજુમી રહ્યું છે. જેમાં બેટી બચાવો, બેઠી પઢાવો યોજનાના નામ પર સરકારને અધધધધ ૩૦ લાખ બોગસ અરજીઓ મળી છે.
લાખો લોકોએ કેન્દ્ર સરકારની યોજના બેટી બચાવો બેટી પઢાવોની એપ્લીકેશન ફોર્મ વેચી દીધા છે. આવા ધોખા ઘડી કરનારા લોકોએ ગરીબોને એવા વાયદા કરીને ફોર્મ વેચ્યા છે કે તેઓ આ એપ્લીકેશન ફોર્મ લેશે તો તેમને બે લાખ રૂપિયા મળશે.
જો કે સરકારે આ યોજના અંતર્ગત આ પ્રકારના પ્રોત્સાહનની કોઇ વાત જ કરેલી નથી. આ પ્રકારની ૩૦ લાખ બોગસ અરજીઓ સરકારને મળી છે. જેમાંથી મોટાભાગની અરજીઓ ઉત્તર પ્રદેશમાંથી મળી હોવાનું જાણવા મળ્યું છે.
જયારે ઓકટોબર-નવેમ્બર માસમાં હિમાચલ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં આ પ્રકારની બોગસ અરજીઓ મળી હતી. જણાવી દઇએ કે પંજાબમાંથી પણ બોગસ અરજીઓ મળી છે. મહીલા અને બાળક વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેતરપીડી કરનારા આ લોકોએ ગરીબોને રૂ ૪૦ થી પ૦ માં આ ફોર્મ વેચ્યા છે. અને આ ફોર્મ માટે તેઓએ ફોટા, બેંક અને આધાર કાર્ડ જેવી ખાનગી જાણકારીઓ પણ મેળવી છે.
આ બાબત પડકારરુપ ગણી શકાય. આ સમસ્યાના નિરાકરણ અર્થે તાજેતરમાં મહીલા અને બાળક વિકાસ મંત્રાલયે બંને ગૃહ તેમજ સુચના અને પ્રસારણ મંત્રાલય સાથે બેઠક કરી હતી. મહીલા અને બાળક વિકાસ મંત્રાલયે તમામ બોગસ અરજીઓને નોટીસ દીધા વગર નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
તો આ સાથે લોકોમાં જાગૃકતા આવે અને ગેરમાર્ગે ન દોરાય તે માટે પણ નિર્ણય કર્યો છે. જેથી કરીને લાભાર્થીઓને જાણ થાય કે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કોઇપણને વ્યકિત લાભ મળશે નહી અને કોઇના ખાતામાં સીધા નાણા જમા થશે નહી. મંત્રાલયે આ મામલાની તપાસ સીબીઆઇને સોંપી છે. મોટાભાગના ફોર્મ સ્પીડ પોસ્ટના માઘ્યમથી આવ્યા છે તેથી આ સમસ્યાની જાણકારી તમામ રાજયોના પોસ્ટ માસ્ટરોને અપાઇ છે. તેમજ આ મામલે વધુ તપાસ સીબીઆઇ કરશે.