“દારૂડીયા સરપંચ પતિએ દારૂના નશામાં ધૃત થઈ ગ્રામ પંચાયતના પટ્ટાવાળાને માર માર્યો અને તલાટી–મંત્રીને ગાળો ભાંડી !
સરપંચ પતિ-૧
સવારના નવેક વાગ્યે તળાજા ફોજદાર જયદેવ ચેમ્બરમાં બેઠો હતો તે સમયે કોન્સ્ટેબલ ગજકેસરીએ આવીને કહ્યુ “સાહેબ દીહોર ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી તેમના પટ્ટાવાળાને સાથે લઈને આવ્યા છે અને તમને જ મળવું છે તેમ કહે છે ” જયદેવે કહ્યુ ” શું કામ છે ? ગજકેસરીએ જણાવ્યુ કે મેં તેમને પુછયુ પણ મને કાંઈ કહ્યુ નહિ તમને મળવાની વાત કરી પરંતુ તલાટી ખુબ મુંઝાયેલા અને મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. ” જયદેવે ગજકેસરીને પુછયુ તમે તલાટીને ઓળખો છો ? કેવી વ્યકિત છે ? ગજકેસરી એ કહ્યુ ” હા સાહેબ લાંબા સમયથી ઓળખું છું તેઓ પુરા સજજન અને ઓછુ બોલવાવાળા પણ સાચુ બોલવા વાળા છે તેમનામાં કોઈ ખટપટ કે લુચ્ચાઈ નથી, નક્કિ કાંઈક મોટી મુશ્કેલી હશે તો જ આવ્યા હોય બાકી નાની સુની વાત ને તો તેઓ ધ્યાન પણ આપે તેવા નથી. તેમનામાં સહનશકિત ઘણી છે. જયદેવે કહ્યુ ભલે બંને જણાને અંદર મોકલો. આથી તલાટી અને પટ્ટાવાળો બંને ચેમ્બરમાં આવ્યા.તલાટીમંત્રી અંદર આવી નમ્રતાથી નમસ્તે બોલીને ઉભા રહ્યા.
જયદેવે તલાટીને ખુરશી ઉપર બેસવા કહેતા આનાકાની કરતા જયદેવે આગ્રહ કરી ખુરશી ઉપર બેસાડી પુછયુ ” બોલો આપને શું કહેવાનું છે ? તલાટીમંત્રી તદ્ન યુવાન ગેજયુએટ અને સંસ્કારી તથા વિનમ્ર જણાયા પરંતુ તેમનો ચહેરો એકદમ પડી ગયેલો અને આંખો નિસ્તેજ તથા ઉંડી ઉતરી ગયેલી જણાતી હતી. તેમના કપડા અને માથાના વાળ પણ અસ્તવ્યસ્ત હતા. તલાટીઓ બોલવા પ્રયત્ન કર્યો પણ અવાજ નિકળતો ન હોય તેમ લાગ્યુ. તેણે પટ્ટાવાળા તરફ ઈશારો કરી ચેમ્બર બહાર જવાનું કહ્યુ અને જયદેવને પુછયુ સાહેબ વાંધો ન હોય તો ચેમ્બરના દરવાજા બંધ કરી દઉ ? આથી જયદેવ ને થયુ નકિક કાંઈક મોટી ઉપાધી લાગે છે. જયદેવે કહ્યુ ચોકકસ દરવાજો બંધ કરો અને તમારે જે કાંઈ કહેવાનું હોય તે બેધડક રીતે કહો. જે કાર્યવાહી થશે. તે તટસ્થ પણે અને કાયદેસર રીતે જ થશે. આથી તલાટીએ કહ્યુ “સાહેબ મારે કાંઈ ફરીયાદ કરવી નથી કાર્યવાહી કરવી નથી પણ એમ થયુ કે મરતા પહેલા તમને એ વાત કાને નાખતો જાઉ ! આમ વાત કરતા કરતા તેની આંખમાં પાણી આવી ગયા અને ગળામાં ડુમો ભરાઈ ગયો. જયદેવે કોલબેલ મારી પાણી મંગાવ્યુ અને એક ઘુંટડો પાણી પીને ગ્લાસ પાછો મુકી દીધો. જયદેવે ચા નું કહેવરાવતા તલાટીએ કહ્યુ સાહેબ ચા-રહેવા દયો ત્રણ દિવસથી ગળે કોળીયો પણ ઉતર્યો નથી. હવે ખાઈ પીને શુ કામ છે ? પરંતુ મનમાં થયુ કે છેલ્લે છેલ્લે તમારા જેવા નિડર અને મકકમ અધિકારીને કાને વાત નાખતો જાઉ કે હવે જીંદગી જીવવા જેવી રહી નથી. છતા જયદેવે ચા મંગાવી જ.
જયદેવે તલાટીને કહ્યુ “તમે મને મોટોભાઈ સમજીને કાંઈ મનમાં હોય તે વાત કરો જો તમે કોઈ ગંભીર ગુન્હો કર્યો હશે તો પણ તમને ઓછામાં ઓછુ નુકશાન થાય તે રીતે મદદ કરીશ, તમે મુંઝાવ નહિ જે કાંઈ હોય તે કહો, પરંતુ પુરી સાચી વાત કરજો જો મને પાછળથી બીજી વાત મળશે તો હું બહુ કડક માણસ છુ આથી તલાટીએ કહ્યુ ના સાહેબ જે કાંઈ બન્યુ છે તેનો સાક્ષી પટ્ટાવાળો છે અને તેને સાથે જ લઈને આવ્યો છુ. આથી જયદેવે કહ્યુ તો કાંઈ હોય તે મને નિર્ભય રીતે જણાવો.
તલાટીએ કહ્યુ “સાહેબ મારૂ વતન સાયલા તાલુકાનું વડોદ ગામ છે. હુ મારા વતનમાં ખુબ માન-પાન થી ઉછર્યો છુ. સમગ્ર સાયલા તાલુકામાં અમારા કુંટુબનું માન પાન અને લાગણી છે. તલાટીમંત્રી તરીકે ભાવનગર જિલ્લામાં પસંદગી થતા તાલીમ પુર્ણ કરીને છેલ્લા બે એક વર્ષથી મારી નિમણુંક આ તળાજા તાલુકાના દીહોર ગ્રામ પંચાયતમોં સમગ્ર દીહોર ગામના લોકોને મારા પ્રત્યે પ્રેમ અને લાગણી છે તથા મને માન પાન આપે છે. પરંતુ આજથી ત્રણ દિવસ પહેલા ગ્રામ પંચાયતમાં એક એવો બનાવ બની ગયો કે હવે મારૂ જીવવું આકરૂ થઈ ગયુ છે. કોઈ વજુદ વગરના કારણે આ પટ્ટાવાળાની હાજરીમાં સરપંચ પતિએ તેમની ગેરકાયદેસરની કાર્યવાહી કરવાની મેં ના પાડતા મને બિભત્સ શબ્દો બોલી હવે હું જોઈ લઈશ તેમ ધમકી આપેલ છે મેં મારી જીંદગી આ રીતે ગાળ તો શું પણ કોઈ નો તુંકારો પણ સાંભળ્યો નથી, પણ આ એક અભણ ગંવાર, લબાડ અને દારૂડીયો સરપંચ પતિ મને વગર કારણે ગાળો બોલી ગયો. હવે મારે જીવવા જેવુ રહ્યુ નથી કહીને તલાટી રડવા માંડયા. જયદેવે તેમને આશ્વાસન આપ્યુ અને તલાટીનો ઉત્સાહ વધારવા કહ્યુ “તલાટી કુતરાઓ તો રાજાને પણ ભસે અને સામાન્ય માણસને પણ ભસે પણ તેમાં આટલો બધો આધાત લગાડવા નો ન હોય આતો ઠીક છે તમને ગાળો બોલી ગયો બાકી ત્યાંના જમાદાર નબળા હોય તો આવા કુતરા જમાદારને પણ ગાળો ભસી જાય આથી તલાટીએ કહ્યુ એવુ જ છે સાહેબ બીજા સરકારી કર્મચારીઓ તો ઠીક પણ દીહોર આઉટ પોસ્ટના જમાદાર ઉપર પણ આ સરપંચપતિ હુકમવારીઓ કરે છે તે તમે તપાસ કરાવી જો જો. “જયદેવે કહ્યુ બરાબર તે તો હું જોઈ લઈશ પણ તમારે શુ બબાલ થઈ તે મને જણાવો.
તે સમયે રાજય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં મહિલાઓ માટે અમુક વર્ષ ફરજીયાત અનામતની નવી નવી જાહેરાત કરી અમલવારી શરૂ કરાવી હતી તે મુજબ દીહોર ગ્રામ-પંચાયતમાં તે વખતે અમુક બહુમતી ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓનું શિક્ષણ ઓછુ અને મહિલાઓને ગૃહકાર્ય , ખેતીકામ અને અન્ય સામાજીક વ્યવહારીક કામો વધારે રહેતા અને રાજકીય રીતે જે તે મહિલાને તેના પતિના રાજકીય યોગદાનને હિસાબે નિમણુંક તો મળી જતી પરંતુ તેમના પતિ દેવો મહિલાઓને નામનો જ હોદો અપાવતા બાકી સરપંચ તરીકેનો તમામ વહિવટ તો પોતે જ કરતા. કેટલીક જગ્યાએ તો આ સરપંચ પતિ દેવો સરપંચને બદલે સહીઓ પણ કરી નાખતા. વળી આવા સરપંચ પતિ દેવો સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોય તો કેટલીક વખત ધારાસભ્ય કે મીનીસ્ટર સાથે પણ ઘરોબો હોય તો તેમની દાદાગીરી પણ એન ચાલતી.
તલાટીએ આગળ વાત કરતા જણાવ્યુ “સાહેબ આ સરપંચ પતિ મને એક ખોટો દાખલો કાઢી આપવાનું છેલ્લા કેટ લાક દિવસોથી કહેતા હતા તેથી મેં તેમને કહેલ કે દસ્તાવેજ વિરૂધ્ધનું અને કાયદા બહારનું કોઈ દસ્તાવેજી કામ કરવુ તે ખુબ ગંભીર ગુન્હો બને છે તેમાં ઉચ્ચ અદાલતો પણ જામીન આપતી નથી. વળી તે ગુન્હો સાબીત થયા પહેલા જ લાંબો સમય જેલમાં સબડવુ પડે છે. આજ થી ત્રણેક દિવસ પહેલા હું ગ્રામ પંચાયત કચેરીમાં કામ કરી રહ્યો હતો અને પટ્ટાવાળો કચેરી ની સાફ સફાઈ કરી રહ્યો હતો. ત્યારે નવેક વાગ્યે આ દીહોરના સરપંચ પતિ સવાર સવારમાં જ કયાંકથી દારૂની કોથળી ઢીંચી ને કચેરીમાં આવી ચડયો અને પટ્ટાવાળાને ભુંડી ગાળ બોલીને કહ્યું તને અને તારા તલાટી સાહેબને સત્તાનો નશો બરાબર ચડયો છે. આટલા દિ’ થી કહ્યુ છુ છતા પણ મારા કહ્યા પ્રમાણે નો દાખલો કેમ કાઢી આપતા નથી ? આથી મેં સરપંચ પતિને અસભ્ય વાણી વિલાસ નહિ કરવા કહેતા તેણે મને પણ બીભત્સ શબ્દો બોલતા પટ્ટાવાળાએ વચ્ચે પડીને કહ્યુ શું જામી પડયા છો જરા વ્યકિતને તો ઓળખો ? અને મર્યાદામાં રહો તો સારૂ આ સાંભળી સરપંચ પતિ એકદમ ઉશ્કેરાઈ જઈ પટ્ટાવાળા ઉપર તુટી પડયો અને ચાર-પાંચ ફડાકા ખેંચી લીધા. પટ્ટાવાળો તેને પહોંચી વળે તમે હતો પરંતુ મેં તેને વળતો હુમલો કરવાની ના પાડી. તે દરમ્યાન સરપંચપતિ લથડીયા ખાતો બક બક કરતો ત્યાંથી ચાલ્યો ગયો.મારા માટે બોલેલા શબ્દો તે તો મારા માટે અસહ્ય હતા કેમ કે મારી જીંદગીમાં મેં આવી ગાળો સાંભળેલ નહિ. મને તે વખતે જ ખુબ ગુસ્સો આવેલો પણ મને થયુ કે કુતરૂ આપણને કરડે તો આપણે તેને બટકુ ભરવા થોડુ દોડાય છે ? પરંતુ મને માનસીક રીતે ખુબ અપમાન અને આધાત લાગેલો. પટ્ટાવાળા એ મને કહ્યુ સાહેબ મને ખોટો રોકયો નહિ તો હુ તેને અહિં બરાબર પાઠ ભણાવી દેત કેમ કે આમેય અહિ કયાં બીજુ કોઈ જોનાર છે અને વળી તે પીધેલો હતો.
પણ હું જાણતો હતો કે આ સરપંચપતિને અહિના સ્થાનીક મોટા રાજકરણી સાથે પાકકો ધરોબો છે તો જો પટ્ટાવાળાએ તેને જો ટાપલી પણ અડાડી હોત તો ગાંધીનગરથી જબ્બરદસ્ત દબાણ પોલીસ ખાતા ઉપર આવી અમારા વિરૂધ્ધ સરપંચપતિની ઉપર ખુની હુમલાની ફરીયાદ દાખલ થઈ ગઈ હોત ! અમે ફરીયાદ કરી હોત તો સત્તાધારી પક્ષના દબાણમાં પોલીસ સરપંચપતિનું તો કોઈ ઉખેડી નહિ લે તેમ માનીને અમે અપમાન ગાળો ખાઈ ને પણ વસવસીને રહી ગયા હતા.
મને અતિ આઘાત લાગતા મને ખાવાપીવાનું ગળે ઉતરતુ ન હતુ મારી આ હાલત જોઈને પટ્ટાવાલાએ દિહોરના એક તટસ્થ સજજન આગેવાનને મારી પાસે મોકલી મને અપમાન જનક આઘાત અને દુ:ખ માંથી બહાર આવવા સમજાવવા પ્રયત્ન કર્યો. તે સજજન નાગરીકે મને સમજાવીને કહ્યુ આ લોકશાહીનો અતિરેક છે પણ તળાજાના ફોજદાર જયદેવનો ભુતકાળ નિડર અને તટસ્થ કાર્યવાહિનો છે તેણે ગમે તેવા માથાભારે ગુનેગારો તો ઠીક પણ મોટા ગજાના રાજકારણીઓપણ ગુન્હામાં સામેલ હોય તો તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલી છે પછી ભલે તેની બદલી થાય ! આ વાત સાંભળીને મને પોલીસ ખાતામાં થોડો વિશ્વાસ બેસતા હું આપની પાસે વ્યથા ઠાલવવા આવ્યો છુ જો કે મારે કોઈ ફરીયાદ કરવી નથી.
તલાટીમંત્રીની વાત સાંભળીને જયદેવને પણ મનમાં થયુ કે ખરેખર લોકશાહિ દેશના તમામ લોકોના હિત અને પ્રગતિ માટે છે તે માટે બંધારણ અને કાયદા છે અને તેના અમલ સરકારી કર્મચારીઓ કરતા હોય છે. પરંતુ રાજકારણના અજ્ઞાન અને જુથ વાળા ઠેકેદારો લોકશાહિની વાણી સ્વાતંત્ર્યતા અને સતા નો અંગત સ્વાર્થ માટે કેવો દુરૂપયોગ આ કર્મચારીઓ ઉપર કરે છે ? એવુ નથી કે આવા લોકોનો ભોગ ચીઠ્ઠીના ચાકર સરકારી કર્મચારીઓ જ બને છે તે ઉપરાંત એવી આમ જનતા કે જેઓ રાજકિય પીઠબળ વગરના અને ઓછુ ભણેલા હોય અને જેનું કોઈ જુ્થ ન હોય કે તેનો અવાજ ન હોય તેવી જનતા પણ આવા દુષ્ટ રાજકીય ઠેકેદારોની દાદાગીરી અને અન્યાય ના ભોગ બને છે રાજકીય પક્ષો મતની લાલચમાં અમુક જ્ઞાતિના અમુક જ આગેવાનને આવા હોદ્દાઓની લહાણી કરે છે મતની લાલચમાં એનથી જોતા કે આ નેતા (કહેવાતા) સમાજનું સર્વ જનહિતાય-સર્વજન સુખાય ની કામ કરવાના છે કે પોતાનું અંગત કામ કે પક્ષપાત રાખીને પોતાની જ્ઞાતિનું જ હિત કરવાના છે. આવી વ્યકિતમાં બીજી કોઈ લાયકાત તો ઠીક પરંતુ ઓછામાં ઓછુ એ જોવુ જોઈ એક તેનામાં માનવતા, ન્યાયપ્રિયતા સમતા છે કે કેમ ? પરંતુ મતની ગણતરી અને લાલચામાં તો ગાંધીજીની આદર્શ લોકશાહી નો ખરેખર ખ્યાલ રહે કે ન રહે તેની કોઈ ને પડી નથી અને તંત્ર એ ન્યાયે ચાલ્યુ જાય છે કે “જો જીતા વો સિકંદર
આવા સંજોગોમાં જયદેવે મનમાં ગણીત ગણ્યુ કે તલાટીના આ કિસ્સામાં ફરીયાદ લઈને જો કાયદેસરની કાર્યવાહી કરી સરપંચપતિ વિરૂધ્ધ ગુન્હો દાખલ થાય તો તેના શું પ્રત્યાધાત પડે ? પ્રથમ તો સ્થાનીક રાજકારણ ગરમાઈ જાય અને ઠેકેદારો ગાંધીનગર સુધી કાંઉ કાંઉ કરી નેતાજીને પણ મને કમને કાંઉ કાંઉ કરવા ઉશ્કેરે. પરંતુ ભાવનગર જિલ્લા પોલીસવડા એવા નિષ્ઠાવાન અને તટસ્થ હતા કે તેમને કદાચ ગૃહ પ્રધાન ભલામણ કરે તો પણ જયદેવને ખોટી બાંધ છોડ કરવાનું કહે તમે ન હતા. પણ માનો કે સ્થાનીક વિધાયક મિનિસ્ટર જ જયદેવનો સિધ્ધો સંપર્ક કરી સરપંચપતિની આરતી ઉતારવાનું કહે તો તે બનવાનું ન હતુ અને એક જબરો પડકાર તળાજા પોલીસ સામે ઉભો થવાનો હતો.
વધુમાં તલાટીની આ માનસીક સ્થિતી અને પટ્ટાવાળાની હાજરીમાં થયલે અપમાન તથા તેની આત્મહત્યા કરવાની મનોદશા જોતા આ સજજન નિર્દોેષ અને કાયદેસરની કાર્યવાહી કરનાર સરકારના પ્રતિનીધીને તો સાચો ન્યાય મળવો જ જોઈએ અને જનતામંા પણ એવો સંદેશ જવો જોઈએ કે ભવિષ્યે સરકારી કર્મચારીઓ ન્યાયીક અને તટસ્થ કાર્યવાહી કરતા હોચકીચાટ કે ભય ન પામે અને તો જ જયદેવની ફોજદારીનો વટ કહેવાય અને જો તેવી કાર્યવાહી ન કરે તો તે ફોજદારી તો તરગારા ફોજદારી કહેવાય. કેમ કે જયદેવનું એવું માનવું હતુ કે આ વ્હાઈટ કોલર ગુંડાગીરી ગરીબ જનતાને ખુંદતા ખુંદતા હવે સરકારી કર્મચારીઓ ઉપર આવ્યા છે જો હવે તેને બ્રેક નહિ લાગે તો તેઓ હવે પોલીસ ઉપર પણ હાવી થઈ જાય તો સમાજમાં કાયદાના શાસન જેવુ કાંઈ રહેશે નહિ અને મારે તેની તલવાર જેવુ થશે. કેમ કે જો તપાસ કરનાર એજન્સી(પોલીસ) જ આ રીતે પાંગળી થઈ જાય તો તેની તપાસો માં શું ભલીવાર હોય અને તે પક્ષપાતી તપાસો ઉપર અદલતો કેટલોક ન્યાય કરશે ? આ સિલસિલો અટકવો જ જોઈએ come what may તેમ નકિક કરી કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરી સમગ્ર સમાજમાં તેની નોંધ લેવાય કે સરકારી ફરજમાં રૂકાવટ કરવી તે કેટલી વિસે સો થાય તે ખબર પડે. સરકારી કર્મચારી ભલે પટ્ટાવાળા જેવો નાનો કર્મચારી હોય તો પણ તેના ઉપર હુમલો કરી ને માર મરાય નહિ. પછી ભલે આવો હુમલો કરનાર વ્યકિત સતાધારી રાજકારણનો ગમે તેવો ટેકેદાર હોય પણ તે સરકારનો જ ગુનેગાર છે અને કાયદો તમામ માટે સમાન છે તે સાબીત કરવાનું જયદેવે નકિક કર્યુ એક બદલી વધારે બીજુ શું ?
જયદેવે તલાટીને કહ્યુ ” જો પટ્ટાવાળાને માર મારી તમને ગાળો આપનાર સરપંચપતિને યોગ્ય શિક્ષા કરવી હોય તો તમારે ફરીયાદ તો કરવી જ પડે પોલીસ પોતાની રીતે કાંઈ કરી શકે નહિ. તલાટીએ કહ્યું ફરીયાદ કરવા થી શું વળશે સરપંચપતિ તો બે દિવસથી ગાંધીનગર ખાતે બંગલે જ બેઠો છે અનો માનો કે અમે ફરીયાદ કરીએ તો સરકાર વળતી કાર્યવાહીરૂપે અમારા વિરૂધ્ધ વધુમાં વધુ શું કરે ? જયદેવે કહ્યું યોગી ભર્ગહરી એ નિતી શતકમાં જણાવ્યુ છે કે નિતીપુર્ણ લોકો લાભ કે હાની, નિંદા કે સ્તુતી તેમજ મૃત્યુ આજે જ આવે કે યુગાન્તરે આવે તો પણ ધીરજવાન મનુષ્યો ન્યાયના માર્ગથી એક ડગલુ પણ ચલિત થતા નથી. આમ તો તમારૂ કાંઈ ન થાય જે થાય તે હવે જયદેવ નું થશે ! છતા વધુમાં વધુ તમારી અહિથી બદલી થાય. આ વાત સાંભળી તલાટી ઉત્સાહમાં આવી ગયા અને અવાજમાં તેજી આવી ગઈ અને ફરીયાદ કરવા તૈયાર થયા. જયદેવને થયુ કે જો ફકત આ રીતે આશ્વાસન રૂપી વાત કરવાથી જ ભોગ બનનારને આટલો સંતોષ થતો તો જો પોલીસ ન્યાયીક કડક કાર્યવાહી કરે તો આમ જનતા અને સજજન નાગરીકો કેટલા ખુશ થાય?