આજી ડેમમાં માત્ર દોઢ માસ ચાલે તેટલું અને ન્યારીમાં ૬ માસ ચાલે તેટલો જળ જથ્થો સંગ્રહિત: નર્મદાના પુરતા નીર નહીં મળે તો ઉનાળામાં પાણીકાપ નિશ્ચીત
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ગત વર્ષની સરખામણીએ માત્ર ૫૦ ટકા જેટલો જ વરસાદ વરસતા રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા એક પણ જળાશયમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી. આવામાં ઉનાળાના આરંભે જ શહેરમાં જળકટોકટી સર્જાય તેવી દહેશત ઉભી થવા પામી છે જો રાજકોટને જરૂરીયાત મુજબ નર્મદાના નીર નહીં મળે તો ઉનાળામાં રાજકોટવાસીઓ પર પાણીકાપનો કોરડો વિંઝાય તેવી પ્રબળ સંભાવના હાલ જણાઈ રહી છે.
ગત વર્ષે જ સપ્ટેમ્બર માસ સુધીમાં રાજકોટમાં ૪૫ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેની સરખામણીએ આ વર્ષે આજ સુધીમાં માત્ર ૨૪ ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. શહેરની જળજરીયાત સંતોષતા મુખ્ય જળાશયો પૈકી એકમાત્ર ભાદર ડેમ સિવાય એક પણ જળાશયમાં રાજકોટને એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી સંગ્રહિત નથી. ૨૯ ફુટની ઉંડાઈ ધરાવતા આજીડેમ હાલ ૧૪.૭૦ ફુટ સુધી ભરેલો છે અને ડેમમાં માત્ર ૨૦૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે જે કુલ સંગ્રહશકિતના માત્ર ૨૦ ટકા જેટલું જ થાય છે.
દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ આજીડેમમાં માત્ર દોઢ માસ ચાલે તેટલું પાણી હાલ ઉપલબ્ધ છે. જયારે ૨૫.૧૦ ફુટે ઓવરફલો થતા ન્યારી-૧ ડેમની જળસપાટી હાલ ૧૭.૪૦ ફુટ છે. ડેમમાં ૬૦૦ એમસીએફટી જળજથ્થો સંગ્રહિત છે જે કુલ સંગ્રહશકિતના ૫૦ ટકા જેટલો થવા પામે છે. ન્યારીમાં ફેબ્રુઆરી માસ સુધી ચાલે તેટલું પાણી છે.
જયારે ૩૪ ફુટે છલકાતા ભાદર-૧ ડેમની સપાટી હાલ ૨૫.૫૦ ફુટ છે અને ડેમ કુલ સંગ્રહશકિતના ૫૦ ટકા જેટલો ભરેલો છે જોકે ભાદરમાંથી રાજકોટને દૈનિક ૪૫ એમએલડી પાણી જ મળે છે. ભાદરમાં શહેરને એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત થઈ ગયું છે. ન્યારી-૨ ડેમનું પાણી પ્રદુષિત હોવાના કારણે તેને વિતરણ માટે ઉપાડવામાં આવતું નથી. જયારે લાલપરી-રાંદરડા તળાવનું પાણી પ્રદ્યુમન પાર્ક માટે અનામત રાખવામાં આવે છે.
આમ શહેરની જળજરૂરીયાત સંતોષતા જળાશયોમાં માત્ર ૬ માસ સુધી ચાલે તેટલું પાણી સંગ્રહિત હોય જો રાજય સરકાર સૌની યોજના અંતર્ગત આગામી દિવસોમાં નર્મદાના નીરથી આજીડેમને નહીં ભરે અને રાજકોટને જરૂરીયાત મુજબ નર્મદાના નીર આપવામાં નહીં આવે તો ઉનાળાના આરંભે શહેરમાં જળકટોકટીની દહેશત સર્જાય તેવી ભીતિ છે.