ઈન્ડિયન પ્રિમીયર લીગની શરૂઆત આડે ગણતરીના દિવસો બાકી: રૂ.૨૦૦૦ કરોડના જાહેરાતના લક્ષ્ય સામે હજુ ૮૦૦ કરોડ રૂપિયા જ એકઠા થયા: આઈપીએલમાં દસ સેક્ધડના એક સ્લોટ માટે દસ લાખ રૂપિયા વસુલાય છે: એડ રેટ વધુ હોવાથી જાહેરાત લીસ્ટમાંથી ખસી કંપનીઓ
ઈન્ડિયન પ્રિમીયર લીગ-આઈપીએલની ૧૧માં એડીશનની શરૂઆત આડે એક મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે પરંતુ જાહેરાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં ‘સ્ટાર’ ફાંફા મારી રહ્યા છે. જાહેરાત થકી રૂ.૨૦૦૦ કરોડની આવકના ટાર્ગેટને હાંસલ કરવા ભારતીય સ્ટાર વધુને વધુ એડવર્ટાઈઝ સાઈન કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં બે હજાર કરોડની સામે માત્ર ૮૦૦ કરોડ રૂપિયાની જ જાહેરાતો મળી છે અને આઈપીએલ આડે માત્ર એક મહિના જેટલો સમય રહ્યો છે. આટલા ટુંકાગાળામાં ૧૨૦૦ કરોડ રૂપિયાની જાહેરાતો મેળવી ૨૦૦૦ કરોડનો લક્ષ્ય પૂર્ણ કરવાનું સ્ટાર ઈન્ડિયાને કપરું નિવડશે.
તેમ છતાં સ્ટાર ઈન્ડિયા દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે તેઓ આ લક્ષ્યાંક નિશ્ર્ચિતપણે પૂર્ણ કરશે. સ્ટાર સ્પોર્ટસના એડ સેલ્સના હેડ અનીલ જયરાજે આ વિશે માહિતી આપતા કહ્યું કે, કુલ ૩૪ કલાઈન્ટ સાથે જાહેરાત કરારો થયા છે જેમાંથી વીવો, કોકાકોલા, એશિયન પેઈન્ટ્સ, કીટ ટાયર્સ અને એક ચેક માય ટ્રીપ સાથે મોટી ડીલ થઈ છે. જયારે આ વખતે આઈપીએલમાં નવી કંપનીઓ સાથે પણ જાહેરાત ડીલ થઈ છે. જેમાં રીલાયન્સ જીઓ, ડોમીનોઝ, ફોર્ડ, હેઈસ, વોલ્ટાસ, લ્યુમીનીઅસ, કીટ ટાયર્સ, એમ્ફો, એસીયન્ટ પેઈન્ટ્સ, ડોલર બ્લુ સ્ટાર, સ્લીપ વેલ અને વિમલ પાન મસાલાનો સમાવેશ છે.
જોકે, આઈપીએલમાં જાહેરાત માટેના દર ખુબ જ વધુ હોવાથી એડલીસ્ટમાંથી ઘણા નામો ખસી ગયા છે. દસ સેક્ધડના એક સ્લોટ માટે લગભગ ૧૦ લાખ રૂપિયા વસુલાય છે. જે ખુબ જ હાઈ હોવાથી જાહેરાત માટે ‘સ્ટાર’એ ફાંફા મારવા પડે છે. આમ છતાં આગામી થોડા દિવસોમાં રૂ.૧૨૦૦ કરોડની જાહેરાત મેળવવા સ્ટાર ઈન્ડિયા મથામણ કરી રહી છે અને આ ટાર્ગેટ પુરો કરવા એક દિવસમાં ૪૦ કરોડની જાહેરાત એકઠી કરવી પડશે.