વંથલી મોનીટરીંગ કમિટીની આઈજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ: સિંહ રક્ષણ મામલે તકેદારી રાખવાની સુચનાઓ અપાઈ
ગઈકાલે જુનાગઢ મનોરંજન સર્કિટ હાઉસ ખાતે સિંહ અને વન્ય જીવોના સંરક્ષણ માટે મન્થલી મોનીટરીંગ કમિટીની બેઠક જુનાગઢ રેન્જ આઈજીની અધ્યક્ષતામાં મળી હતી. આ મીટીંગમાં વન વિભાગ પોલીસ પીજીવીસીએલ અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભા ગૃહમાં તાજેતરમાં ગાજેલા સિંહના મોતનો મુદ્દો આ મીટીંગ પાછળ કારણભુત હોય તેવું પ્રાથમિક તબકકે લાગી રહ્યું હતું. આ એકવીસમી બેઠક અગાઉ મળેલી વીસ બેઠકોની વિસ્તૃત ચર્ચા કે જાણકારી મીટીંગ દરમિયાન ચર્ચામાં ન હતી. સિંહ રક્ષણ અને સંવર્ધનની અગાઉ મળેલી છાનાખૂણે વીસ બેઠકો દરમિયાન પણ સિંહો અને વન્ય જીવોને મોત સહિત ગેરકાયદેસર લાયન્સો અને શિકાર સહિતની અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે નકકર કામગીરી જોવા મળી નથી. હાલ સિંહોનું જીવન વિસ્તૃત થયુ છે. ગીર સોમનાથ જીલ્લો બન્યા પહેલા ફકત જુનાગઢ જીલ્લામાં જ દેખાયા સિંહો હાલ પાંચ જિલ્લાને સ્પર્શે છે. જે વિસ્તાર દસ હજાર સ્કવેર મીટરનો છે. આ પાંચ જીલ્લાની સાથે પંદરસો જેટલા રેવન્યુ વિસ્તાર અને ગામોનો પણ આમા સમાવેશ થાય છે. ઉભડક બોલાવેલી આ મીટીંગમાં ફકત અધિકારીઓ જ ઉપસ્થિત હતા. ખુલ્લા કુવાઓ તેમજ ખેડુતો પાક બચાવવા માટે ખેતરને ફરતી વાડમાં મુકતા વીજ કરંટો આ મીટીંગમાં મુખ્ય ચર્ચાના વિષયો રહ્યા હતા.
આ અંગે વધુ વિગતો અનુસાર વિધાનસભામાં સિંહના મૃત્યુના મુદ્દે ભારે ચર્ચા જાગી હતી. બે વર્ષમાં ૧૮૪ સિંહના મૃત્યુના અહેવાલ પ્રસિઘ્ધ થતા એસી ચેમ્બરમાં બેસી સિંહ સંવર્ધન અને સંરક્ષણની વાતો કરતા અધિકારીઓની ખરેખર ઉંઘ ઉડી ગઈ હતી ત્યારે આજે દક્ષિણ સૌરાષ્ટ્ર જીલ્લાના વન વિભાગ, પોલીસ, પીજીવીસીએલ તેમજ રેલવે વિભાગના અધિકારીઓની મીટીંગ જુનાગઢ રેન્જ આઈજી ડો.રાજકુમાર પાન્ડિયનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટનાઓ અટકાવવા સઘન જોઈન્ટ પેટ્રોલીંગ કરવાનો નિર્ણય લેવાયો હતો. જુનાગઢ પ્રાણી વર્તુળના સી.સી.એફ ડો.એ.પી.સિંઘે કહ્યું હતું કે, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના વન અને પોલીસ અધિકારીઓ પાસેથી રિવ્યુ જાણ્યા બાદ ગેરકાયદેસર સિંહ દર્શનના કિસ્સાઓ જોવા મળતા હોય તે અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં સિંહ અને વન્ય પ્રાણીઓ અંગેના ૭૧ ગુનાઓ બન્યા છે. જેમાં ૧૨૩ લોકોની અટક કરવામાં આવી છે અને હાલ ૨૪૯ જેટલા વન્ય પ્રાણી અંગેના કેસ પડતર છે.
આ ઉપરાંત સિંહ મુમેન્ટવાળા વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા ખુલ્લા વાયર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. પીપાવાવ ભાવનગર ફરતે રેલવે લાઈન પર સિંહના મૃત્યુની ઘટનાઓ બને છે ત્યારે પ્રબંધિત વિસ્તારમાં નિયમ અનુસાર ટ્રેનની ઝડપ ઓછી રહે તે માટે મોનીટરીંગ કરી રેલવે ટ્રેક પર કેમેરા મુકવા અને ટ્રેકરને તાલીમ આપવા ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રેલવેમાં દરખાસ્ત કરાશે. તેમજ પરપ્રાંતિય મજુરોની શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રખાશે. વર્ષ ૨૦૦૭થી કુવાઓને સુરક્ષિત કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૯૦૦૦ કુવાઓ પર પારાપેટ કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,