લોકસભાની ત્રણ બેઠક પૈકી એક ભાજપ, એક કોંગ્રેસ અને એક શિવસેનાના હાથમાં જવાના એંધાણ
પશ્ચિમ બંગાળની 4 વિધાનસભા બેઠકમાં તૃણમુલ જોરમાં, મધ્યપ્રદેશની ત્રણેય બેઠક ભાજપ કબ્જે કરવાની તૈયારીમાં, રાજસ્થાનની બન્ને બેઠક કોંગ્રેસની જોળીમાં જવાની તૈયારીમાં
અબતક, નવી દિલ્હી : દેશમાં 3 લોકસભા અને 13 રાજ્યોની 30 વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. જેમાં સવારે 10:30 વાગ્યાની સ્થિતિએ લોકસભાની ત્રણ બેઠક પૈકી એક ભાજપ, એક કોંગ્રેસ અને એક શિવસેનાના હાથમાં જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ સાથે વિધાનસભાની બેઠકમાં ભાજપ 9 બેઠકમાં અને કોંગ્રેસ 5 બેઠકમાં આગળ ચાલી રહ્યું છે.
લોકસભાની બેઠકો જોઈએ તો મધ્યપ્રદેશની બેઠકમાં ભાજપ આગળ છે. હિમાચલ પ્રદેશની બેઠકમાં કોંગ્રેસ આગળ છે. તથા દાદરાનગર હવેલીની બેઠકમાં શિવસેના આગળ ચાલી રહ્યું છે. વિધાનસભાની બેઠકની સ્થિતિ જોઈએ તો આસામની 5 બેઠકોમાં ભાજપ 3, યુનાઇટેડ પીપલ્સ પાર્ટી 2 બેઠકમાં આગળ ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળની 4 બેઠકમાં તમામ ઉપર તૃણમૂલ કોંગ્રેસ આગળ રહ્યું છે. હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકોમાં ભાજપ એક ઉપર, કોંગ્રેસ એક ઉપર અને અપક્ષ એક ઉપર આગળ રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશની તમામ ત્રણેય બેઠકમાં ભાજપ આગળ રહ્યું છે.
મેઘાલયની ત્રણ બેઠકમાં એક બેઠક ઉપર નેશનલ પીપલ્સ પાર્ટી અને એક બેઠક ઉપર યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી આગળ રહી છે. જ્યારે અન્ય એક બેઠકની સ્થિતિ અંગે હજુ કોઈ માહિતી જાહેર થઈ નથી. બિહારની બે બેઠકોમાં એક બેઠક ઉપર જનતા દળ અને એક બેઠક ઉપર રાષ્ટ્રીય જનતા દળ આગળ રહ્યું છે. કર્ણાટકની બે બેઠકમાં એક બેઠક ઉપર ભાજપ અને એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.
રાજસ્થાનની તમામ બે બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશની એક બેઠક ઉપર યુવાજન સમિર્ન રયથુ કોંગ્રેસ પાર્ટી, હરિયાણાની એક બેઠક ઉપર ઇન્ડિયન નેશનલ લોક દળ, મહારાષ્ટ્રની એક બેઠક ઉપર કોંગ્રેસ, મિઝોરમની એક બેઠક ઉપર કોંગ્રેસ, મિઝોરમની એક બેઠક ઉપર એમએનએફ, તેલંગણાની એક બેઠક ઉપર ભાજપ આગળ રહ્યું છે. આમ શરૂઆતની સ્થિતિમાં પશ્ચિમ બંગાળની 4 વિધાનસભા બેઠકમાં તૃણમુલ, મધ્યપ્રદેશની ત્રણેય બેઠક ભાજપ અને રાજસ્થાનની બન્ને બેઠકમાં કોંગ્રેસ જોરમાં હોવાનું લાગી રહ્યું છે.
વિધાનસભાની 30 અને લોકસભાની 3 સીટ ઉપર તાજેતરમાં મતદાન થયા બાદ તમામ સીટો માટે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે ત્રણે લોકસભા ક્ષેત્રોમાં હાલના સભ્યોના નિધન પછી વોટિંગ થયું. માર્ચમાં ભાજપના રામસ્વરૂર શર્માના નિધન પછી હિમાચલ પ્રદેશની મંડી સીટ ખાલી થઈ હતી. મધ્યપ્રદેશની ખંડવા સંસદીય સીટ ભાજપના સભ્ય નંદ કુમાર સિંહ ચૌહાણના નિધન પછી ખાલી થઈ હતી. જ્યારે દાદરા અને નગર હવેલી સીટ પર અપક્ષ મોહન ડેલકરના નિધનના કારણે બીજી વખત વોટિંગ થયું છે.