એનિમલ હોસ્ટેલ અને ઢોર ડબ્બા તત્કાલ પાણીની વ્યવસ્થા કરવા ગાંધીનગરથી છુટયા આદેશો: સ્થિતિ નહીં સુધરે તો કોર્પોરેશન કચેરીમાં ઢોર પુરવાની માલધારીઓની ચિમકી
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલી એનીમલ હોસ્ટેલમાં પશુઓ માટે પાણીની અને માલધારીઓ માટે રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે ભારે હાડમારી વેઠવી પડે છે. આજે માલધારીઓ દ્વારા કણકોટ રોડ પર આવેલી એનીમલ હોસ્ટેલમાં અવેડામાં બેસી ધરણા કરવામાં આવ્યા હતા અને મહાપાલિકા વિરોધ ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. તમામ એનીમલ હોસ્ટેલ અને ઢોર ડબ્બા ખાતે પાણીની વ્યવસ્થા કરવા છેક ગાંધીનગરથી આદેશો છુટયા હતા.
કોર્પોરેશનની ચારેય એનીમલ હોસ્ટેલ અને ઢોર ડબ્બા ખાતે પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે ૨૦૦૦ થી વધુ પશુઓ કાળઝાળ ગરમીમાં પાણી માટે ભાંભરડા નાખી રહ્યાં છે. આજે માલધારી સમાજના અગ્રણી રણજીતભાઈ મુંધવા, રાજુભાઈ ઝુંઝા, કરણભાઈ ગમારા અને ભિખાભાઈ પરસરીયા સહિતના આગેવાનો કણકોટ રોડ પર આવેલી માલધારી હોસ્ટેલ ખાતે ઘૂસી ગયા હતા. જયાં તેઓએ ખાલી અવેડામાં બેસી ધરણા કર્યા હતા. અહીં વસવાટ કરતા પશુઓ માટે હાલ ઉનાળામાં પણ પિવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. ત્રણ દિવસે એકવાર અવેડા ભરવામાં આવે છે. અવેડા પણ નિયમીત સાફ કરવામાં આવતા ન હોવાના કારણે પારાવાર ગંદકીથી ખદબદી રહ્યાં છે.
આજે ધરણા અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવતા મહાપાલિકા તંત્ર દ્વારા તાબડતોબ સાફ સફાઈ કરી અવેડા ભરવામાં આવ્યા હતા. તમામ એનીમલ હોસ્ટેલમાં પશુઓ માટે પાણી સહિતની વ્યવસ્થા અને માલધારઓ માટે રોડ-રસ્તી સહિતની સુવિધા ઉભી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોર્પોરેશન કચેરીએ ઢોર પુરી દેવાની ચિમકી માલધારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. એનીમલ હોસ્ટેલમાં રાખવામાં આવતા પશુ દીઠ રૂ.૫૦૦ વસુલવામાં આવે છે છતાં મહાપાલિકા તંત્ર દ્વારા અહીં કોઈ જ સુવિધા રાખવામાં આવતી નથી.