આંગડીયા પેઢીના કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું પરંતુ સીસીટીવી ફૂટેજે ભાંડો ફોડયો
પેઢીમાં મોટી રકમ જમા થતા કર્મચારીની દાનત બગડી મિત્ર સાથે લૂંટનું તરકટ રચ્યાની કબુલાત
ડીવાય.એસ.પી. એચ.પી.દોશી અને એલસીબી દ્વારા કરાયેલી કુન્હે પૂર્વકની પૂછપરછમાં ભેદ ઉકેલાયો
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
વઢવાણ માકેર્ટીંગ યાર્ડ પાસે આવેલી પી.એમ.આંગડીયા પેઢીના કર્મચારીને રિવોલ્વર જેવું હથિયાર બતાવી અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કરી રૂ.72 લાખની લૂંટ ચલાવ્યાની ઘટનાનો ડીવાય.એસ.પી. એચ.પી.દોશી અને એલસીબી સ્ટાફે ગણતરીની કલાકમાં જ ભેદ ઉકેલી ઘરના જ ઘાતકી હોવાનો ઘટ્ટસ્ફોટ કર્યો હતો. આંગડીયા પેઢીના કર્મચારીએ રાતોરાત લખપતિ બનાવ ત્રણ મિત્ર સાથે લૂંટનું તરકટ રચ્યું હોવાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી રૂા.11 લાખ અને એક્ટિવા કબ્જે કરી તેના ત્રણ મિત્રોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રતનપરના ઢોળા વિસ્તારમાં રહેતા અને વઢવાણ માકેર્ટીંગ યાર્ડ પાસે આવેલી પી.એમ.આંગડીયા પેઢીમાં વર્ષોથી કામ કરતા યશપાલસિંહ ઉર્ફે ભાણુંએ ગઇકાલે સાંજે પોતાની આંગડીયા પેઢીની ઓફિસે હતો ત્યારે ચાર અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા. રિવોલ્વર જેવું હથિયાર બતાવી છરીથી હુમલો કરી રૂા.72 લાખ રોકડા અને સીસીટીવીનું ડીવીઆરની લૂંટ ચલાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ડીવાય.એસ.પી.એચ.પી. દોશી અને એલ.સી.બી. સ્ટાફ દ્વારા આંગડીયા પેઢીની બાજુની ઓફિસ અને દુકાનના સીસીટીવી ફુટેજ તપાસ કરતા યશપાલસિંહ ઉર્ફે ભાણુએ લૂંટના જણાવેલા સમય દરમિયાન કોઇ શખ્સ તેની ઓફિસમાં આવ્યો ન હોય તેવું જણાતા યશપાલસિંહ ઉફેઈ ભાણું લૂંટની ખોટી એલઇબી ઉભી કરી હોવાની શંકા સાથે પૂછપરછ કરતા તેના શરીર પર થયેલા ઇજાના નિશાન સામાન્ય હોવાનું તેમજ તેના શર્ટમાં છરીના કારણે ફાટયો હોય તેવું જણાતું ન હોવાથી યશપાલસિહ ઉર્ફે ભાણુંને કરેલી વિશેષ પૂછપરછમાં રાતોરાત લખપતિ બનાવ માટે પોતે જ પોતાના મિત્ર સાથે લૂંટનું તરકટ રચ્યુ હોવાની કબુલાત આપી હતી.
આંગડીયા પેઢીમાં મોટી રકમ આવે ત્યારે લૂંટનું તરકટનો પ્લાન બનાવ્યાની તેમજ પોતાના મિત્રોની મદદથી રૂ.72 લાખ સગેવગે કર્યાની કબુલાત આપી હતી. યશપાલસિંહ ઉર્ફે ભાણુએ રૂ.72 લાખ રોકડા પોતાની એક્ટિવાની ડેકીમાં મુકી પોતાના મિત્રોને બોલાવતા ત્રણ શખ્સો કાર લઇને આવ્યા બાદ તેઓને રૂ.72 લાખની રોકડ અને પોતાની ઓફિસના સીસીટીવીનું ડીવીઆર સોપી દેતા તે ભાગી ગયા હતા. પોલીસે યશપાલસિંહ ઉર્ફે ભાણું પાસેથી એક્ટિવા અને રૂા.11 લાકની રોકડ કબ્જે કરી તેના ત્રણ મિત્રની શોધખોળ હાથધરી છે.