માળિયા મિંયાણા પંથકમાં જળ હોનારતથી ભારે તારાજી સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરતા પાણીના ધસમસતા પ્રવાહથી થયેલા નુકસાન નજરે પડે છે. અનેક લોકો બેઘર બન્યા છે. પરિણામે તેમને માલગાડીના ડબ્બામાં પનાહ લેવાની ફરજ પડી છે. પશુઓ અને મરઘા દુર-દુરથી તણાઈ આવ્યા છે. જેની લાશમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી છે જેથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે
- હજ્જારો મરઘા પ્રવાહમાં તણાઇ આવ્યા
- ધસમસતા પ્રવાહમાં રોડ-રસ્તા, ટ્રેનના પાટા ધોવાયા
-
લોકો માલગાડીના ડબ્બામાં પનાહ લેવા મજબૂર
માળિયા મિંયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં રાહત કામગીરી કરવામાં તંત્ર ઉંઘતું ઝડપાયું છે. લોકોના આરોગ્ય પર ખતરો હોવાની વાતથી તંત્ર અજાણ હોય તેમ હજુ સુધી મૃતદેહોના નિકાલની તસ્દી લેવાતી નથી. કચ્છના નાના રણમાં ૫૦૦થી વધુ અગરોમાંથી મીઠાનું ધોવાણ થતા અગર માલિકોને કરોડોનું નુકશાન થયું છે. માળિયા શહેર, ગ્રામ્ય અને સામખીયાળીમાં ભારે નુકશાનના પગલે સ્વૈચ્છીક સંસ્થાઓ સેવા કાર્યમાં જોડાઈ ગઈ છે. રેલવેના પાટાની સાથો સાથ રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે. વરસાદ બાદની સ્થિતિને જોતા મોરબી, માળિયા અને માળિયા મોરબી ડેમુ ટ્રેન અચોકકસ મુદત માટે રદ્દ કરવામાં આવી છે.