પાંચ દિવસ પહેલાં મુંઢ મારી મોતને ઘાટ ઉતારી મિરા ઉદ્યોગ પાસે નાલા નીચે લાશ ફેંકી દીધાની પ્રેમી યુગલની કબુલાત
આજી વસાહતમાં મિરા ઉદ્યોગ નજીક નાલા નીચેથી પરપ્રાંતિય યુવાનની હત્યા કરી ફેંકી દીધેલી લાશ મળી આવતા થોરાળા પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા દિયર અને ભાભીને ઝડપી લીધા છે. દિયર અને ભાભીના આડા સંબંધમાં આડખીલી બનેલા ભાઇને પત્ની અને ભાઇએ મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત આપતા બનેની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી વિગત મુજબ આજી વસાહત નજીક મિરા ઉદ્યોગ પાસેના મહાદેવ મંદિર નજીક નાલા નીચે યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ પડી હોવાની પોલીસને જાણ થતા થોરાળા પોલીસ મથકના પી.આઇ. એસ.એન.ગડુ સહિતનો પોલીસ સ્ટાફ મહાદેવ મંદિર નજીક નાલા નીચે પહોચી તપાસ હાથધરી હતી.નાલા નીચેથી આશરે ૨૫ વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી તેના શરીરે મુંઢ ઇજાના નિશાન જણાતા તેની હત્યા કરી ફેંકી દીધાની શંકા સાથે તપાસ કરતા થોરાળા પોલીસમાં ચારેક દિવસ પહેલાં સુનિલકુમાર રાજકુમાર નામનો પરપ્રાંતિય યુવાન લાપતા હોવાની ગુમ નોંધ પોલીસના ધ્યાને આવતા પોલીસે ગુમ નોંધ લખાવનાર સુનિલકુમારના પિતા રાજકુમારને ઘટના સ્થળે બોલાવી મૃતદેહ બતાવતા તેઓએ કપડાના આધારે પોતાનો પુત્ર સુનિલકુમારની લાશ હોવાનું ઓળખી બતાવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન સુનિલકુમારની પત્ની મમતા અને ઓરમાન માતાના પુત્ર અજય બે દિવસથી લાપતા હોવાનું જાણવા મળતા પોલીસે બનેની શોધખોળ કરી અટકાયત કરી હતી.
મમતા અને અજયની પૂછપરછ દરમિયાન બંને વચ્ચે આડો સંબંધ હોવાનું અને બંનેના સંબંધમાં સુનિલકુમાર આડખીલી બનતો હોવાથી તેની હત્યાનો પ્લાન બનાવી મુંઢમાર મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ લાશને નાલા નીચે ફેંકી દીધાની કબૂલાત આપી છે.સુનિલકુમાર માતાનું મોત થયા બાદ પિતા રાજુકુમારે મનુદેવી નામની મહિલા સાથે પુન: લગ્ન કર્યા હતા મનુદેવીને પ્રથમ પતિના પુત્ર અજયને આંગળીએ સાથે લાવી હતી. સુનિલકુમારની પત્ની મમતાને દિયર અજય સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ બંનેએ સુનિલકુમારનો કાટો કાઢી નાખવા હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.