• બપોરના સમયે પણ મતદાન મથકો પર મતદાતાઓની નોંધપાત્ર હાજરી

રંગીલા રાજકોટના લોકો વિશે એવું કહેવામાં આવે છે કે સાતેય કામ પડતા મૂકી રાજકોટવાસીઓ બપોરના સમયે બે કલાક ઘસઘસાટ ઊંઘી જવાનું ચુકતા નથી. આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે શહેરીજનોની જાણે બપોરની ઊંઘ ત્યાગી દીધી હોય તેમ મતદાન મથકો બપોરે પણ ધમધમતા રહ્યા હતા.

આજે સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સવારથી જ બૂથ પર મતદાતાઓની કટારો જોવા મળી હતી. કાળઝાળ ગરમીમાં બપોરના ધમધોગતા તાપમાં મતદાન કરવા જવું ન પડે તે માટે શહેરીજનો સવારના ટાઢાપોરે મતદાન કરવા માટે ઉમટ્યા હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ આ ધારણા થોડી ખોટી સાબિત થઇ હતી. કારણ કે લોકશાહીના રખોપા માટે રાજકોટવાસીઓએ બપોરની ઊંઘનો ત્યાગ કરી દીધો હતો. મોટાભાગના મતદાન મથકો પર લોકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. બપોરના સમયે ઘરે ભોજન લેવા આવેલા શહેરીજનોએ ભોજન લીધા બાદ વામકુક્ષી કર્યા પહેલા પવિત્ર મતદાનની ફરજ અદા કરી હતી. આ લોકશાહી માટે ખૂબ જ સારી નિશાની છે.

સામાન્ય રીતે જ્યારે મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો આયાતી હોય ત્યારે સ્થાનિક મતદારોને મતદાનમાં વધુ રસ હોતો નથી. પરંતુ આજે રાજકોટમાં અલગ જ સિનારીયો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર પરષોત્તભાઇ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી બંને અમરેલી જિલ્લાના વતની છે. છતાં રાજકોટવાસીઓએ મતદાનમાં આડશ રાખ્યા વિના હોંશભેર લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી. ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખતે રાજકોટમાં મતદાનની ટકાવારી ઉંચી રહે તેવા સુખદ એંધાણો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.