ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવંત પૂ.ડુંગર સિંહજી મ.સા.ની 197 મી પૂણ્ય તિથીના પાવન એવમ્ પવિત્ર દિવસે તા.29/4/18 ના રોજ રાજકોટ ઋષભદેવ સંઘને આંગણે એક મુમુક્ષુ આત્મા મોક્ષાર્થી બન્યાં.
ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.આદિ ઠાણા 5 એવમ્ સાધ્વી રત્ના પૂ.પુષ્પાબાઈ મ.સ.આદિ ઠાણા 13 ના પાવન સાનિધ્યમાં ઋષભદેવ સંઘ રાજકોટ ખાતે ” શાશ્ર્વત ” એપાટૅમેન્ટના પરીસરમાં વિશાળ પ્રમાણમાં શ્રાવક – શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં આદશૅ વૈરાગી રેખાબેન મહેતા ( ઉંમર વષૅ 66 )નો સંયમ મહોત્સવ સાદાઈ છતાં ગરીમાપૂણૅ ભવ્ય અને વૈરાગ્યમય માહોલમાં ઉજવાય ગયો.
પાખીના પવિત્ર દિવસે બરોબર 1:00 વાગ્યે શાશ્ચત એપાટૅમેન્ટ ખાતે સૌ સંયમ પ્રેમીઓ સામાયિક લઈને બેસી ગયેલ. ચિંતનભાઈ દોશીએ એક અલગ અંદાજમા અનોખી પ્રસ્તુતિ કરેલ અને સૌને ભૂતકાળમાં આ જીવે પણ સંયમ ધમૅ અંગીકાર કરેલો હતો તેવી સ્મૃતિ કરાવેલ અને આ ભવમાં વહેલા – વહેલા સંયમ ઉદયમાં આવે તેવા શુભ ભાવ કરાવેલ.
આદશૅ વૈરાગી રેખાબેન વેશ પરીવતૅન કરીને આવતા ” કમ કમ દીક્ષાર્થી…વેલકમ વેલકમ દીક્ષાર્થીના નાદ ગૂંજી ઊઠેલ.
કેન્દ્રીય સાનિધ્યમાં બીરાજમાન પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સાહેબે કહ્યું કે જેવી રીતે કોઈ ખેતરમાં બીજનું વાવેતર કરતાં પહેલાં કાંટા – કાંકરા વગેરે નિરથૅક વસ્તુઓ દૂર કરવામાં આવે છે તેવી રીતે સંયમરૂપી બીજના વાવેતરમાં પણ ક્રોધ,માન,માયા,લોભાદિને દૂર કરવા માટે ક્ષેત્ર વિશુધ્ધિ કરવી પડે છે.પૂ.ભવ્ય મુનિજી,પૂ.હષૅ મુનિજી,પૂ.રત્નેશ મુનિજી તથા પૂ.તત્વજ્ઞ મુનિજી મ.સાહેબે દીક્ષાર્થીને ક્ષેત્ર વિશુધ્ધિ કરાવેલ.* દીક્ષાર્થીનો સમપૅણ પત્ર તથા પરીવારની સમ્મતિ બાદ બરાબર બપોરે 1:59 કલાકે પૂ.ગુરુ ભગવંત રાજેશ મુનિ મ.સાહેબે મુમુક્ષુ રેખાબેનને ” કરેમિ ભંતે ” નો પાઠ ભણાવતાં જ દીક્ષા લેને વાલે કો ધન્યવાદ… ધન્યવાદના જયનાદ થયેલ.આ સમયે મુમુક્ષુ રેખાબેનની ચિત્ત પ્રસન્નતા અલૌકિક અને અદભૂત હતી.ઉપસ્થિત વિશાળ પૂજ્ય સતિવૃંદે સમૂહમાં ગીત સંભળાવી નૂતન દીક્ષિત આત્માને સહષૅ આવકારેલ.ગીતના શબ્દો હતાં…
“સંયમ ઘૂંટ્યો અંતરમાં, સંસાર છૂટ્યો પલ ભરમાં,
સ્વાગત છે તમારૂ જિનના શાસનમાં.”
ગોંડલ સંપ્રદાય સિધ્ધાંત સંરક્ષક સમિતિના અગ્રણી જામનગરના પંકજભાઈ શાહે નૂતન દીક્ષિત પૂ.ઋજ્જુતાજી મ.સા.નામ ઘોષિત કરતા જ ભાવિકોએ નૂતન દીક્ષિત આત્માનો જય જયકાર બોલાવેલ.
આ અવસરે પૂ.રાજેશ મુનિ મ.સાહેબે ફરમાવ્યુ કે દેવોને પણ દૂલૅભ સંયમ ધમૅ તમોને મળી ગયેલ છે.પંચ પરમેષ્ઠિમાં સ્થાન પામીને હવેથી અરિહંતની આજ્ઞા મુજબ જીવન જીવવાનું, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં આત્મ રમણતા કરવાની એટલે ક્ષણે ક્ષણે કરોડો કર્મોની નિજૅરા થશે. મુનિપણાની મસ્તી માણવી હોય તો ગુરુજ્ઞા અને જિનાજ્ઞામય જીવન વીતાવજો.
નૂતન દીક્ષિત આત્માની વડી દીક્ષા માટે આનંદ નગર સંઘના દીપકભાઈ મોદી, ઋષભદેવ સંઘવતી બિપીનભાઈ પટેલ, ગુરુકુળ જામનગર રોડ વતી અશોકભાઈ કોઠારી, જુનાગઢ સંઘવતી હિતેશભાઈ સંઘવી, જામનગર સંઘ વગેરે સંઘોએ વિનંતી કરેલ. આગામી રવિવારે સવારના 8:45 કલાકે નૂતન દીક્ષિત પૂ.ઋજ્જુતાજી મ.સ.ની વડી દીક્ષા ઋષભદેવ સંઘમાં શાશ્ર્વત એપાટૅમેન્ટ રાજકોટ ખાતે યોજાશે તેમ પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.ઉદ્ ઘોષણા કરેલ.બરોબર 2:49 મિનિટે નૂતન દીક્ષિત પૂ.ઋજ્જુતાજી મહાસતિજીએ ભાવિકોને ધાર્યા પ્રમાણે પચ્ચખાણ કરાવેલ અને માંગલિક ફરમાવેલ.
આ પાવન પ્રસંગે રાજકોટના એડિશનલ કલેક્ટર હષૅદભાઈ વોરા,આર.ટી.ઓ. ના અધિકારી જે.વી.શાહ, મુંબઈના જયકાંતભાઈ, રાજકોટના વિરેન્દ્રભાઈ દસાડીયા, જયંતિભાઈ મોદી, પ્રદીપભાઈ મોટાણી, કનુભાઈ બાવીસી, પ્રતાપભાઈ મહેતા, એડવોકેટ જિગ્નેશભાઈ શાહ, જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા, તપસ્વી સ્કુલના અમિષભાઈ દેસાઈ, મનોજભાઈ શાહ, જયંતિભાઈ નિકાવાવાળા, જીવદયા પ્રેમી રાજુભાઈ શાહ, યોગેશભાઈ શાહ ઉપરાંત મુંબઈ, જામનગર, જૂનાગઢ, કાલાવડ, ગઢડા સહિતના અનેક ગામોના શ્રાવક – શ્રાવિકાઓ વિશાળ પ્રમાણમાં ઉપસ્થિત રહી સંયમ માગૅની અનુમોદના કરેલ. દીક્ષા મહોત્સવ માણવા આવેલ સૌના મુખ ઉપર મુહપત્તિ ધારણ કરેલું દ્રશ્ય અદભૂત લાગતું હતું. નહીં માઈક, નહીં મુવી એકદમ સાદાઈથી આરંભ – સમારંભ વગર વૈરાગ્ય મય માહોલમાં દીક્ષા મહોત્સવ સંપન્ન થયેલ. ઋષભદેવ સંઘના દીપકભાઈ મોદી, પરેશભાઈ પટેલ, બિપીનભાઈ પટેલ, ભાવિનભાઈ દોશી, ભાવેશભાઈ દોશી, ચિંતનભાઈ દોશી, પ્રતિકભાઈ કામદાર વગેરે શાસન પ્રેમીઓની સેવા અનુમોદનીય હતી.
” કરેમિ ભંતે ના પાઠનો ભાવાથૅ ”
હે ભગવંત ! હું સામયિક કરૂ છું.
આજથી હું પાપની પ્રવૃત્તિ – સાવદ્ય યોગનો ત્યાગ કરૂ છું.યાવત્ જીવન સુધી મન – વચન અને કાયાથી હું પોતે પાપ કરીશ નહીં, અન્ય પાસે પાપ કરાવીશ નહીં અને પાપ કરતાં હોય તેનું અનુમોદન પણ કરીશ નહીં. ભૂતકાળમાં મારા આત્મા વડે જે કાંઈ પાપો થઈ ગયેલ હોય તેનું પ્રતિક્રમણ કરી પાપથી પાછો હટી જાવ છું. પાપથી નિવૃત થઈ, પાપની નિંદા કરૂ છું. હે ગુરુ ભગવંત ! મોહ અને અજ્ઞાનતાને કારણે ભૂતકાળમાં મારાથી જે પાપો થઈ ગયા છે તેને આપની સમક્ષ પ્રગટ કરૂ છું અને આજથી નવ કોટીએ દરેક પાપોનો ત્યાગ કરૂ છું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com