અમેરિકન સૈન્યની ગેરહાજરીમાં તાલીબાનો માથુ ઉંચકે તે પહેલા જ સેનાએ મોરચો સંભાળી લીધો
ભારતના નિકટવર્તી પડોશી અને મોટાભાગે આંતરીક યુદ્ધની પરિસ્થિતિમાં રહેતા અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટોના દળો પાછા ખેંચી લેવાના નિર્ણય બાદ પરોક્ષ રીતે તાલીબાનોને છુટ્ટાદૌર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા જ અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ તાલીબાનોના આશ્રય સ્થાન અને પ્રભાવી વિસ્તારોને ટાર્ગેટ બનાવવાનું શરૂ કરી દીધું છે. તાલીબાનીઓ પર અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ ગઈકાલથી શરૂ થયેલી કાર્યવાહીમાં તાલીબાન આતંકીઓની મોટાપાયે ખાત્મો થયાના અહેવાલો જારી થયા છે.
અફઘાનની સમાચાર સંસ્થાએ જારી કરેલા અહેવાલમાં 24 કલાકમાં તાલીબાન આતંકીઓ પર અફઘાન સુરક્ષા દળોએ કરેલી અલગ અલગ જગ્યાએ સૈન્ય કાર્યવાહીમાં 100થી વધુ તાલીબાનો હણાયાનો દાવો થઈ રહ્યો છે.
અફઘાનિસ્તાનના સુરક્ષા દળો તાલિબાન આતંકવાદીઓ પર કાળ બની તૂટી પડ્યા છે. અફઘાન સુરક્ષા દળોએ આતંકવાદ પર એવી રીતે હુમલો કર્યો કે 24 કલાકમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર અફઘાન સરકારી દળો અને તાલિબાન વચ્ચે થયેલી અથડામણમાં 100 ઓનો ખાતમો થયો છે. જુદા જુદા સ્થળોએ ઓપરેશન દરમિયાન 50 આતંકવાદીઓને ઈજાઓ પહોંચી હતી, ઘણા શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે તો મોટી સંખ્યામાં જ્વલંત જથ્થો નાશ કરાયો છે.
આતંકવાદ વિરુદ્ધ આ મોટા ઓપરેશન લગમન, કર્નર, નાંગરહાર, ગઝની, પખિયાદા, મેદાન વરદક, ખોસ્ત, જબુલ, બડગી, હેરાત, ફરયાબ, હેલમંદ અને બગલાન પ્રાંતમાં ચલાવવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર આતંકીઓએ દેશના જુદા જુદા ભાગોમાં 35 પ્રકારની ખાઈ ખોદી હતી, જેને સુરક્ષા દળો દ્વારા નિષ્ક્રિય કરાઇ છે.