- આજથી 40-50 વર્ષ પહેલા હાથથી ચિતરેલા વિશાળકાય ફિલ્મી પોસ્ટર જોવા, સિનેમા હોલ બહાર ગુરૂવારની રાત્રે જ ચાહકોની ભીડ જોવા મળતી હતી
- ફિલ્મના ગમતા ગીતો અને ડાયલોગમાં લોકો પૈસા ઉડાડતા હતા : હીરો- વિલનની ફાઈટિંગ વખતે સીટીઓ થી ટોકીઝ ગુંજી ઉઠતું
- ડિજિટલ ફોટોગ્રાફી આવ્યા બાદ ફિલ્મી પોસ્ટરો ભૂતકાળ બની ગયા હતા : ફિલ્મના પોસ્ટર એટલા આકર્ષક હતા કે, પોસ્ટર જોઈને લોકો ફિલ્મ જોવા જતા હતા : ટીઝર કે ટ્રેઇલરનો જમાનો ન હતો, પોસ્ટર જ પિક્ચરની પહેચાન બનતા
સિનેમા, ટોકીઝ, છબીઘર કે સીનેમેકસ-રજતપટ આ બધા શબ્દોનો અર્થ મનોરંજન સાથે છે, રંગ સાથે ફિલ્મના ટાઈટલ મૂકવામાં આવતા, જેમાં બ્લેક એન્ડ વ્હાઈટ, ટકેનીકલર, ઈસ્ટમેનકલર-ગોવાકલર, ફયુઝીકલર જેવા નામ આજની પેઢીને ખબર પણ ન હોય, તેજ રીતે 35 એમ.એમ. ફિલ્મ બાદમાં સિનેમાસ્કોપ પછી 70 એમ.એમ. ફિલ્મો આવતી, દર ગૂરૂવારે રાત્રે સિનેમા ઘરોમાં પોસ્ટરો બદલતા એ જમાનામાં ફિલ્મના પોસ્ટર-બેનર જોવાનો જબ્બર ક્રેઝ જોવા મળતો, મોટાભાગે પરિવાર સાથે ફિલ્મ જોવા જતા, રાજશ્રી સિનેમાના નીચે પાર્કિંગમાં પૌરાણિક નાગદેવતાનું મંદિર તથા રાફડો છે, હાલ પણ તેની પૂજા થાય છે. લોકો નવી ફિલ્મનાં પોસ્ટર જોવા આવતા. કલાકારોનાં મોટા કટ આઉટ સિનેમાની શાનમાં વધારો કરતા હતા.
ગેલેકસી ટોકિઝની પ્રથમ ફિલ્મ આંખે વખતે ધર્મેન્દ્ર- રામાનંદ સાગર વિગેરે કલાકારો રાજકોટ આવેલા હતા. રાજકોટમાં આજે કોસ્મોપ્લેકસ, આઈનોક્ષ જેવી સિનેમા છે, ત્યારે વર્ષો પહેલા કૃષ્ણ-પ્રહલાદ, હરિશ્ચંદ્ર , ગેસ્ફોર્ડ, રાજશ્રી જેવા સિનેમા હતા, બાદમાં ક્રમિક સિનેમાઘરો નિર્માણ થયા હતા, જેમાં એનેક્સી , રાજ, ગીરનાર, ઉષા (ધરમ), ગેલેકસી, ડીલક્ષ, નીલકંઠ બાદમાં ડ્રાઈવઈન સિનેમા બની હતી. રાજકોટના સિનેમાઘરોનો ઈતિહાસ રસપ્રદ છે. નવા સિનેમાઘરો લાગતી પ્રથમ ફિલ્મ વખતે તમામ કલાકારો પણ રાજકોટ આવ્યા હતા.
આજની જેમ ફલેકસ બેનરનો યુગ ન હતો. ફિલ્મના પોસ્ટર, બેનર પેઈન્ટર હાથે તૈયાર કરતા 20 બાય 10 કે 12 બાય 8ની સાઈઝનાં બેનરોમાં કલાકારોના કટ આઉટ મૂકીને આકર્ષક શણગાર ટોકીઝનાં ફ્રન્ટમાં મૂકતા, એ સમયે એ જોવા પણ હજારો લોકો આવતા. પેઈન્ટરો બે ત્રણ દિવસે ફિલ્મનું પોસ્ટર આબેહુબ બનાવી દેતા જે જોવા કલાકારો પણ આવતાં હતા.રાજકોટમાં એચ.એસ. પેઈન્ટર કુમારભાઈનું એ જમનામાં નામ હતુ, સાથે તેમના પુત્ર નિલેષભાઈ, પેઈન્ટર ગજજર,, આઝાદ પેઈન્ટર, મનસુખ આડતીયા જેવા આર્ટીસ્ટો આબેહુબ કલાકારોના પોસ્ટરો બનાવતા હતા. રાજકોટના ખ્યાતનામ આર્ટીસ્ટ શરદ રાઠોડે પણ ઈલોરા આર્ટસના બેનર તળે મુંબઈમાં દિલ અપના ઔર પ્રીત પરાઈ, દિલ જેવા વિવિધ ફિલ્મોનાં પોસ્ટર બનાવેલ હતા. આજે શરદ રાઠોડ દેશના સારા આર્ટીસ્ટ તરીકે રાજકોટનું નામ રોશન કરેલ છે.
1998માં ફલેકસ બેનરો મશીનમાં પ્રીન્ટ થવા લાગ્યા એ પહેલા છેલ્લા 100 વર્ષથી પેઢી દર પેઢી ફિલ્મ બેનરમાં કાર્યરત સોલંકી ફેમીલીના કુમારભાઈ કે જે એચ એસ. પેઈન્ટરથી જાણીતા હતા, તે તથા તેમની ટીમ ત્રણ દિવસની મહેનતે પોસ્ટર બનાવતા.
બનાવવાની રીતમાં ચલીના કાપડના ત્રણ ભાગ જોડીને 20 બાય 10 સાઈઝ કેનવાસને વ્હાઈટીંગ કરીને ફેવીકોલથી કોટીંગ કરતા, બાદમાં બેલતેલથી કોટીંગ કરીને પેન્સીલથી સ્કેચ તૈયાર કરતા પ્રથમ બ્રેક ગ્રાઉન્ડ કલર કરીને હિરો-હિરોઈનના ફોટા તૈયાર કરતા, સીંગલ ટચ આપીને ફાઈનલ પેચવર્ક ટચીંગ કરીને છેલ્લે ફિલ્મનું નામ લખતા હતા.
કૂમારભાઈ પોસ્ટર જોવા એ જમાનામાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલત્તા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, મંજૂરી દેસાઈ, સંગીતકાર બાબલા, બંકીમ પાઠક, કમલેશ અવસ્થી, ધીરૂભાઈ દુધવાળા, પી.ખરસાણી કે.જે. પોતે પણ સારા આર્ટીસ્ટ હતા, તે સહિતના કલાકારો પોતાના ફિલ્મ શો ના પોસ્ટર જોવા પોસ્ટર રૂમમાં આવતા.પ્રોજેકટર રૂમમાં ફિલ્મની પેટીમાંથી પટ્ટીનો રોલ ચડાવીને વારા ફરતી પ્રોજેકટર ચલાવતા, ધણીવાર એક જ પ્રીન્ટમાં બે ટોકિઝમાં ફિલ્મ લાગતા, શો નો સમય એક કલાક મોડો પણ રાખતા હતા. છેલ્લે 1995 માં નાઈટ ઈન લંડન ફિલ્મ સમયે અને 1999માં છેલ્લે રાજકપૂરની સિરીઝ વખતે મેરાનામ જોકર, રામ તેરી ગંગા મૈલી ફિલ્મના હાથેથી બનાવેલા પોસ્ટર જોવા મળેલા, બાદમાં ફલેકસ બેનર યુગ આવી ગયો હતો. નિલેષ સોલંકીએ જીતેન્દ્રની સીરિઝમાં મકસદ, તૌફા, હિંમતવાલા, મેરી આવાજ સુનો જેવા પોસ્ટર બનાવેલા હતા. 1955 થી 1995 લગભગ ચાર દાયકાથી વધારે હાથે બનાવેલા ફિલ્મોનાં પોસ્ટર બેનરનો યુગ હતો. કલાકારના જમ્બો સાઈઝનાં પ્લાઈવુડના કટઆઉટ સિનેમા બહાર લગાવતા હતા. એ સમયે લોકો હોરર ફિલ્મના પોસ્ટર જોવા ખાસ ટોકિઝે જતા હતા.
રાજકોટનાં નૂતન સિનેમામાં બંધન ફિલ્મ લાગેલું, બાદમાં ટોકીઝમાં આગ લાગતા બંધ થઈને બરેલી સિનેમા તરીકે જાણીતા થયા બાદ, નવ નિર્માણ કરીને રાજશ્રી સિનેમા નામ સાથે પ્રથમ જીને કી રાહ ફિલ્મથી ફરી શરૂઆત થઈ હતી. નીલકંઠ સિનેમામાં પ્રથમ ફિલ્મ વિક્ટોરિયા નંબર 203 હતી, મોર્નીંગ શો, મેટીની શોમાં જૂના ફિલ્મો આવતા ફકત 60 પૈસામાં થર્ડની ટીકીટમાં લોકો મનોરંજન માણતા હતા. 1960 થી 70ના દાયકામાં દારાસિંહની ફિલ્મો નસીહત, કિંગકોંગ, હમ સબ ઉત્સાદ હૈ, ધ કિલર્સ, લુટેરા, ઠાકુર જનરલસિંગ, રૂસ્તમે હિંદ જેવી ફિલ્મો હાઉસ ફુલના પાટીયા ઝુલાવતી, સિનેમાઘરોમાં સીટીઓ ગુંજી ઉઠતી હતી. ટીકીટના ભાવ 40 પૈસાથી શરૂ કરીને 2, 3 રૂા. જેટલો હતો. થર્ડ ટીકીટનો જમાનો હતો. બાલ્કનીમાં તો એ વખતે શ્રીમંતો જ ફિલ્મો જોવા આવતા, અમુક ટોકીઝમાં થર્ડમાં સીટ ને બદલે બાંકડા રખાયા હતા, તો પણ હાઉસફૂલના પાટીયા ઝુલતા.
ગેલેકસી ટોકિઝની પ્રથમ ફિલ્મ આંખે વખતે ધર્મેન્દ્ર- રામાનંદ સાગર વિગેરે કલાકારો રાજકોટ આવેલા હતા. હરિશ્ચંદ્ર, પ્રહલાદ, કૃષ્ણ, ગેસ્ફોર્ડ જેવી જૂની ટોકિઝથી જરા હટકે રેસકોર્ષ સામે ગેલેકસી ટોકિઝ બનીને પ્રથમ ફિલ્મ આંખે આવી ત્યારે ઉદઘાટન શો વખતે ધર્મેન્દ્ર, રામાનંદ સાગર જેવા કલાકારો આવ્યા હતા. જયારે ઉષા ટોકિઝમાં ગીત ફિલ્મનાં શુભારંભ શોમાં રાજેન્દ્ર કુમાર, માલાસિંહા, સુજીત કુમાર, કુમકુમ જેવા કલાકારોએ હાજરી આપી હતી. ડિલકસ ટોકિઝની પ્રથમ ફિલ્મ બલરામ શ્રીકૃષ્ણ હતી, આ સિવાય રાજ સિનેમામાં હરેરામ હરે કૃષ્ણ તો રાજશ્રીમાં જીનેકી રાહ પ્રથમ ફિલ્મ હતી. એનેકસી સિનેમામાં ભુવન-શોમ ફિલ્મ પ્રથમ આવી હતી. ઘોડાગાડીમાં બેનરો લગાવીને ફિલ્મનો પ્રચાર રાજકોટમાં થતો હતો. રેડિયો ઉપર પણ ફિલ્મની ઝલક આવતી. હરિશચંદ્રમાં દારાસિંહના ફિલ્મો બહુજ આવતા. બાંગ્લાદેશ રીલીફ ફંડનાં દશ પૈસા સિનેમા ટીકીટમાં એડ કરીને ટેકસ લેતા. ગીત-ફાઈટ વખતે લોકો પરચુરણ ઉડાડતા કારણ કે ત્યારે નોટ કરતા પૈસાનું મુલ્ય વધારે હતુ, તેથી લોકો ખુશ થઈને પૈસા ઉડાડતા. આજે પણ લોકો જુના ગીતોનાં ચાહક છે.