વૈશ્વિક મંચ પર ડિજિટલ મીડિયા પ્લેટફોર્મમાં વોટ્સએપે સ્થાપિત કર્યું તેનું પ્રભુત્વ
વોટ્સએપની ‘અતિ’ની ‘ગતિ’
સમગ્ર વિશ્વમાં હાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા નજરે પડે છે પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી જે રીતે વોટસએપ પર આંગળી ઉઠી રહી છે તે જોતા જે પ્રકારના સુરક્ષાને લઈ જે પગલાઓ લેવામાં આવવા જોઈએ તે લેવાયા નથી ત્યારે વોટસએપ પર લોકોનો જે ભરોસો જોવા મળી રહ્યો છે તેમાં અનેકઅંશે ઘટાડો થયો હોવાનું પણ સામે આવ્યું છે. જો આગામી સમયમાં વોટસએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સુરક્ષિત નહીં કરાય તો તેની માઠી અસર આવનારા સમયમાં ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળશે પરંતુ હાલની સ્થિતિ મુજબ ૨૧મી સદીમાં વોટસએપના વપરાશકર્તા ઓની સંખ્યા ૨૦૦ કરોડથી પણ વધુની થઈ છે.
૨૧મી સદીના યુગમાં સોશિયલ મીડિયા કનેકટીવીટીથી ફેસબુક અને વોટસએપે સમગ્ર વિશ્વ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું હોય તેવું લાગે છે. કારણકે આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા બે અબજ એટલે કે ૨૦૦ કરોડથી પણ વધુની છે. વૈશ્વિક મંચ ઉપર વોટસએપે પોતાના પ્રભુત્વ અને સ્પર્ધાત્મક યુગ વચ્ચે સોશિયલ મીડિયાને આધુનિક જીવનશૈલી અને વિશ્વ સાથે કદમ મિલાવવા માટે જરૂરી હોય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે પરંતુ વોટસએપ પોતાના વપરાશકર્તાઓના ડેટા સુરક્ષા અને સલામતી માટે કોઈ બાંધછોડ કરતું ન હોવાનો દાવો કરી વિશ્ર્વમાં તેના વપરાશકર્તાઓનો આંકડો ૨ અબજ થયો હોવાનું પણ જણાવ્યું છે.
વોટસએપ ભારતમાં વિશ્વ ક્ષેત્રનાં વપરાશકારોની સ્થિતિ અંગેની કોઈ જ પ્રકારની જાહેરાત કરતું નથી. વિશ્ર્વભરમાં ગમે ત્યાં ત્વરીત રૂબરૂ સંવાદ માટે વોટસએપનું માધ્યમ અત્યંત આદર્શ બની ગયું છે. ચેટ અને વિડીયો કોલીંગ માટે કોઈ અંતર ન હોવાથી આંગળીના વેઢે પાર કરવાની સુવિધાન સાથે અનેકવિધ ફિચરોના કારણે વોટસએપ લોકોમાં યાદગાર બની ગયું છે. કંપનીના સંપર્ક સુત્રોનાં જણાવ્યા મુજબ વોટસએપ વધુને વધુ લોકોને જોડે છે અને સુરક્ષા પ્રદાન કરે છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર વોટસએપ મારફતે કરવામાં આવતા સંવાદો અન્ય સોશિયલ મીડિયા કરતા સુરક્ષિત અને તેને ગુપ્ત રાખવા માટે કંપની દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર અનેકવિધ પ્રયાસો પણ હાલ વોટસએપ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ જે રીતે વોટસએપનો અતિરેક જોવા મળી રહ્યો છે તેનાથી ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા હોવાનું સામે આવતા લોકોને અનેકગણી તકલીફોનો સામનો વોટસએપ મારફતે કરવો પડયો છે. વોટસએપ કંપનીનું માનવું છે કે વોટસએપ તેના વપરાશકારો માટે વિશ્ર્વાસ અને સુરક્ષા કવચ માટે અભેદ અને કોઈપણ તોડી ન શકે તેવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. વપરાશકર્તાઓની માહિતીની આપ-લેની સુરક્ષાથી ગ્રાહકોને હેકર્સ અને ગુનાહિત પ્રવૃતિ કરનારાની સામે સુરક્ષા પણ આપવામાં આવી રહી છે. વોટ્સએપને સુરક્ષા કવચ આપવા માટે નવતર ટેકનોલોજીનો થઈ રહ્યો છે ઉપયોગ
હાલ જે રીતે વિશ્ર્વભરમાં વોટસએપની સુરક્ષાને લઈ પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે ત્યારે વોટસએપે લોકોને અને તેના વપરાશકર્તાઓને આશ્ર્વાસન આપતા જણાવ્યું છે કે, વોટસએપને સુરક્ષા કવચ આપવા માટે નવતર ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે જેથી વોટસએપ યુઝર્સોને પૂર્ણત: સુરક્ષા કવચ આપી શકાય. બીજુ કારણ એ પણ માનવામાં આવે છે કે જયારે વોટસએપના વપરાશકર્તાઓની સંખ્યા ૨૦૦ અબજને પાર પહોંચી છે ત્યારે કંપનીની નૈતિક જવાબદારી છે કે વોટસએપ યુઝર્સોને પુરતી સુરક્ષા મળી રહે. વોટસએપ દ્વારા નવી ટેકનોલોજીના આવિસ્કાર સાથે કંપનીએ તેના ટોચના સિકયોરીટી એકસપર્ટને કંપનીમાં સામેલ કરી વોટસએપનો દુરઉપયોગ ન થાય તેને અટકાવવા માટેનો તખ્તો તૈયાર કરી દીધેલ છે. અંતમાં કંપનીના સુત્રો દ્વારા એ વાતની પણ માહિતી મળી રહી છે કે હાલ વોટસએપ તેના યુઝર્સોની ડેટા સિકયોરીટી માટે અત્યંત ચિંતિત છે અને તેમની વિગતોનો ગેરલાભ કોઈ ન ઉઠાવે તે માટે પણ હાલ કંપની પ્રયત્નશીલ છે.