રજવાડા સમયની ૧૫૦માં વર્ષમાં પ્રવેશ કરતી રાજકુમાર કોલેજમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓની ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ રૂપરેખા ઉપર નૃત્ય પ્રસ્તુતિ: વાર્ષિકોત્સવમાં ટ્રોફી સહિતના સન્માન કાર્યક્રમો
ભારતની અગ્રીમ હરોળની પબ્લીક સ્કુલ પૈકીની એવી રાજકુમાર કોલેજ, રાજકોટ. તેનાં ૧૪૯માં વર્ષના વાર્મિક દિવસની ઉજવણી કરી રહી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ તા.૧૧ને ગુરુવાર તથા તા.૧૩ને શનિવારના રોજ સ્કુલનાં વિદ્યાર્થીઓ દ્વારા સૃષ્ટિચક્રનાં અંગો પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ વિષય પર તૈયાર કરવામાં આવેલ. ખાસ પ્રોજેકટસનું પ્રદર્શન એટલે પંચ મહાભૂત સાથોસાથ સંતો અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રની સ્વર્ણિમ ગાથાને નૃત્યાત્મક રીતે સ્ટેજ પર સુવર્ણ સૌરાષ્ટ્ર દ્વારા કંડારવામાં આવેલ હતી.
કોલેજનાં વાર્ષિક ઉત્સવની ઉજવણીની સાથો-સાથ વર્ષ દરમ્યાન વિવિધ શૈક્ષણિક, સંસ્કૃતિક, રમત-ગમત સ્પર્ધાઓમાં સ્કુલકક્ષાએ, રાજયકક્ષાએ તથા રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થયેલ કુલ ૧૨૫ વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો દ્વારા ટ્રોફી, શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું. જેમાં નિમંત્રિત મુખ્ય અતિથિ પ્રોફેસર અશોક ચેટર્જી, રાજકુમાર કોલેજ બોર્ડનાં પ્રમુખ દરબાર સાહેબ મહિપાલ વાલા ઓફ જેતપુર, બોર્ડ ટ્રસ્ટી, સ્થાપક રાજવી પરિવારો ઉપરાંત અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારેલ હતો.
કાર્યક્રમની શ‚આત કોલેજ ગીતથી કરવામાં આવેલ ત્યારબાદ પ્રમુખ દરબાર સાહેબ મહિપાલ વાલા ઓફ જેતપુર દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવેલ. જેમાં રાજકુમાર કોલેજની ૧૪૯ વર્ષ પૂર્વેની ઐતિહાસિક પળોને યાદ કરવામાં આવેલ. ૨૫ એપ્રીલ, ૧૮૬૮નાં અક્ષયતૃતિયાનાં શુભ દિવસે કોલેજની સ્થાપના કરવામાં આવેલ હતી. ૧૬ ડિસેમ્બર ૧૮૭૦માં બોમ્બે ગવર્નરની હાજરીમાં ભારતની સૌપ્રથમ ચાર અગ્રિમ કોલેજ પૈકી રાજકુમાર કોલેજમાં કાઠિયાવાડ, સૌરાષ્ટ્રનાં રાજવી પરિવારનાં કુમારોને અભ્યાસાર્થે પ્રવેશ આપવામાં આવેલ હતો. ૧૮૭૧-૭૨માં ૧૬ કુમારોથી શ‚ થયેલી આ સંસ્થા આજે ૨૩૦૦ વિદ્યાર્થીઓ સાથે વટવૃક્ષ બની છે.
કોલેજનાં પ્રિન્સીપાલ શંકરસિંહ અધિકારીએ વર્ષ દરમ્યાન કોલેજ દ્વારા સરકારમાં આવેલ સિદ્ધિઓથી અવગત કરાવેલ હતા. તદઉપરાંત મુખ્ય અતિથી વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું શાબ્દિક સન્માન કરી તેની વિશાળ કારકિર્દીનાં અનુભવોમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું. કોલેજના અંદાજે ૭૫૦ વિદ્યાર્થીઓ દ્વારા પંચ મહાભુત વિષય પર તૈયાર કરેલાં વિવિધ જીવંત પ્રોજેકટ, માહિતીઓનાં રસથાળ અને વિદ્યાર્થીઓનાં સંશોધનાત્મક કૌશલ્યનું નિદર્શન કરેલ હતું અને શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનાં આ સંશોધનાત્મક કૌશલ્યથી પ્રભાવિત થયેલ હતા.
અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓએ અથાગ મહેનત દ્વારા શ્રદ્ધા રૂપાવટેની સુવર્ણ સૌરાષ્ટ્ર પર તૈયાર કરવામાં આવેલ સ્ક્રિપ્ટ પર નૃત્ય દ્વારા પ્રસ્તુત કરેલ. જેનું સંપૂર્ણ દિગ્દર્શન મુંબઈથી ખાસ ઉપસ્થિત સુમિત નાગદેવ અને તેની ટીમ સાશા નાગદેવ, નિરજ લોહની અને રેશ્મા શર્મા દ્વારા કરવામાં આવેલ હતું. સંપૂર્ણ કાર્યક્રમની રજુઆતને અદ્યતન સાઉન્ડ, લાઈટીંગ, સ્ટેજ એલ.ઈ.ડી. બ્રેક ગ્રાઉન્ડ, ફલોટસ દ્વારા ભવ્યાતિભવ્ય બનાવવામાં આવેલ હતો. કોલેજના પ્રિન્સીપાલ શંકરસિંહ અધિકારી, બર્સર થોમસ ચાકોનાં ઝીણવટપૂર્વકના માર્ગદર્શન હેઠળ કોલેજનો સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ તકે રાજકુમાર કોલેજના શિક્ષક સુભેષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ વર્ષે ૧૪૯મો વાર્ષિક દિવસ તેમજ પ્રાઈઝ ગીવીંગ સેરેમનીનું શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૬૫ જેટલા વિદ્યાર્થીઓને અલગ-અલગ ફેકલ્ટી જેવી કે રમત-ગમત, એજયુકેશન, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલકુદમાં જે લોકોએ મેડલ મેળવેલા છે. તેમને મુખ્ય અતિથી અશોક ચેટર્જી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. બાળકોએ પંચમહાભૂત પર અલગ-અલગ પ્રોજેકટો બનાવેલા છે તેમનું પણ ઉદઘાટન થયું છે.
આ તકે રાજકુમાર કોલેજના જુનિયર લોજના હાઉસ માસ્ટર સંદિપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે, આજનું જે ફંકશન છે તે એન્યુઅલ ફંકશન છે. જે વર્ષમાં એકવાર થાય છે. અહીં એકેડેમીક, સ્પોર્ટસ અને ઘણી બધી ઈવેન્ટના ઈનામો અહીં આપવામાં આવે છે. આજના આ કાર્યક્રમમાં સ્પેશિયલ બોર્ડિંગ પેરેન્ટસ માટે ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો છે.
આ તકે સિનિયર હાઉસ માસ્ટર મીનુ પાલાએ જણાવ્યું હતું કે, આજના સેરેમનીનું આયોજન ખુબ જ ખાસ છે. જેમાં દરેક વિદ્યાર્થીની સાથે તેમના માતા-પિતા પણ જોડાય છે અને પારિવારિક માહોલ ઉભો થાય છે જેની અમને ખુશી છે. આ ઉપરાંત વિવિધ કેટેગરીમાં વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવે છે. જેથી તેમનો ઉત્સાહ પણ જળવાય છે.
આ તકે રાજકુમાર કોલેજની વિદ્યાર્થીની હરિનાએ જણાવ્યું હતું કે, હું ધો.૧૨ માંથી હજુ પાસ થઈ છું અને આજે હું મારી શાળાના પ્રાઈઝ સેરેમનીમાં આવી છું. મને ભલે પરીક્ષા આપ્યાને ૧૦ દિવસ જ થયા હોય પણ સ્કુલે મને ઘણુ બધુ આપ્યું છે અને તે દરેક દિવસોને હું આજે યાદ કરુ છું. આ તકે મને પણ સ્પોર્ટસમાં એવોર્ડ મળ્યો છે. જેથી હું ખુબ જ ખુશ છું.
આ તકે રાજકુમાર કોલેજના વિદ્યાર્થી ધ્રુવરાજ ખાચરે જણાવ્યું હતું કે, અમારું એન્યુઅલ ફંકશન હર વર્ષે વર્ષના અંતમાં થાય છે. જેમાં પ્રાઈઝ ગીવીંગ ડિસ્ટ્રીબ્યુશન હોય છે. અમારે ત્યાં ઝાલાવાડ, ગોહિલવાડ, સોરઠ અને હાલાર એમ ચાર કેટેગરી છે. જેમાં આ ચાર હાઉસ અંતર્ગત દરેક વિદ્યાર્થીને તેમના વાર્મિક પર્ફોમન્સ પર ઈનામો આપવામાં આવે છે. આ ઉપરાંત ધો.૧૦ અને ૧૨માં જેમણે બોર્ડમાં ટોપ કર્યું હોય તેમને પણ ઈનામ આપવામાં આવે છે.