જય રણછોડ… માખણચોરના ગગનભેદી નાદ સાથે અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગરમાં વિશાળ શોભાયાત્રા: મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન; ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળાઆરતી: ૧૬ હાથી, ૧૦૧ ટ્રક, ૫ બેન્ડવાજા, ૩૦ અખાડા, ધૂન મંડળીની રમઝટમાં ભકતજનો લીન: જગન્નાથ દર્શનાર્થે ઉમટયું માનવ મહેરામણ
જય રણછોડ… જય માખણચોર….ના જયઘોષ સાથે આજે અષાઢીબીજે ભગવાન જગન્નાથજીની દરેક જગ્યાએ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી છે રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત સહિતના મોટા શહેરોમાં ભગવાનની રથયાત્રા નીકળનાર છે. પુરીમા સાંજે ૪ વાગ્યે ભગવાન નગરચર્યા કરવા નીકળશે. તો અમદાવાદમાં સવારથી જ ભગવાન જગન્નાથથી રથયાત્રા આનંદ ઉમંગ ભેર પ્રસ્થાન થઈ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ ત્રીજી વખત પહિંદવિધિ કરી હતી અને મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રીએ રથયાત્રાનું મંગલ પ્રસ્થાન કરાવ્યું છે. વહેલી પરોઢે મંગળા આરતી ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરી હતી.
અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મામા ઘરેથી પરત ફરતા નગરમાંથી નીકળતા સૌ કોઈ નગરયાત્રીઓ ભગવાનના દર્શન કરે છે ભગવાન નીજમંદિરમાં પરત ફરતી વેળાએ લોકો પૂજન-દર્શનનો લ્હાવો લે છે.
અષાઢીબીજના મંગલદિને સવારથીજ ભાવિકોમાં ઉત્સાહ છવાયો છે. અમદાવાદમાં ભગવાનની રથયાત્રામાં જોડાઈ અનેરી ભકિતનો લ્હાવો લેવા લોકો ઉમટી પડયા છે. સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ જગ્યાએ નીકળનારી શોભાયાત્રાનો વિધિ મહાઆરતી સાથે પ્રારંભ થશે. ૧૪૨મી રથયાત્રા ૧૮ કિલોમીટરના રૂટમાં ફરી શહેરને ધાર્મિકમય બનાવશે ગજરાજની આગેવાનીમાં શોભાયાત્રાનો આનંદ ઉમંગભેર પ્રારંભ થયો છે.
રથયાત્રામાં ૧૬ હાથી, ૧૦૧ ટ્રક, ૫ બેન્ડવાજા અને ૩૦ અખાડાના દાવપેચ સાથે ધૂન મંડળી રાસની રમઝટ બોલાવશે. ઠેર ઠેર શોભાયાત્રાનું પૂજન સ્વાગત તેમજ ભાવિકો માટે ઠંડા પીણાની સેવાકીય સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજમાર્ગો પર વાહન ચાલકો પરેશાન ન થાય તેમજ ટ્રાફીક સમસ્યા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
વડાપ્રધાને ટવીટ કરી પાઠવી શુભકામના
અષાઢીબીજના મંગલદિનની વડાપ્રધાન નરેન્દ્રભઈ મોદીએ સર્વે દેશવાસીઓને ટવીટ કરી શુભકામના પાઠવી છે. દરેક ભાવિક ભકતો આનંદ ઉમંગભેર ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાઈ ધાર્મિક વાતાવરણ બનાવે દરેક નાગરીકો ઉપર ભગવાનની અવિરત કૃપા બની રહે તેવી શુભકામના પાઠવી છે.
મુખ્યમંત્રીને સતત ત્રીજી વાર પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
રાજ્યમાં શાંતિ-સલામતી અને વિકાસની તેજ ગતિ જળવાય તેવા ભગવાનના આશિર્વાદ મળતા રહે: મુખ્યમંત્રી
નૂતન વર્ષ અવસરેએ કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથ ની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પણ આ વિધિમાં ભક્તિ ભાવ પૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રી વિજય ભાઈ એ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાન ના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દીર પરત આવશે. તેમણે જગન્નાથજી ની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતમાં અનેક શહેરો નગરો માં ભક્તિ ભાવ પૂર્વક રથ યાત્રા નીકળે છે અને આજના દિવસે લોકો જગન્નાથ મય બની આનંદ ઉલ્લાસથી આ યાત્રામાં જોડાય છે. અષાઢી બીજ કચ્છીઓ નૂતન વર્ષ છે એ અવસરે મુખ્યમંત્રીશ્રી એ કચ્છી સમાજ ના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા આજે લોકોત્સવ બની છે ત્યારે ભગવાન જગન્નાથ સૌને શાંતિ-સલામતી અને સુરક્ષા આપે ગુજરાત ની પ્રગતિ વિકાસ અને લોકો ની સુખ સમૃદ્ધિ સતત આગળ ધપતા રહે તેવી અભ્યર્થના છે. ભગવાન જગન્નાથ આપણી આ ઈચ્છાઓને પુર્ણ કરશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા રાજ્ય મંત્રી વિભાવરી બહેન દવે મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અન્ય આગેવાનો-શ્રધ્ધાળુઓ વગેરે વીશાળ સંખ્યા માં જગન્નાથજી ના દર્શન અર્ચન માટે ઉપસ્થિત રહ્યા હતાં.