મામલતદાર આર.એસ. લાવડીયાનું માનવતા વાદી કાર્ય માતા-પિતાની છત્રછાયા ગુમાવેલા બાળકોને કચેરીએ બોલાવી અધિકારી બનવાની ઇચ્છા પુરી કરાવી
થાન મામલતદાર આર.એસ. લાવડીયા જે સરકારી ફરજ સાથે માનવતા વાદી કાર્યો કરવા માટે જાણીતા છે તેઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલા 19 બાળકોને એક દિવસ માટે મામલતદાર બનાવી તેઓની ઇચ્છા પુરી કરી હતી.
થાનગઢ શહેરમાં એવા બાળકો-બાળકીઓ કે જેને માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તેવા તમામ બાળકો માટે ‘વન મિનિટ મામલતદાર’ કોન્સેપ્ટ રાખવામાં આવ્યો.
આવા બાળકોના વાલીઓએ પણ હોંધભેર ભાગ લીધો અને તેઓ બાળકોની ખુબ જ સારી સંભાળ સાથે સાથે અભ્યાસની પણ જવાબદારી ઉઠાવે છે તે માટે તેઓને અભિનંદન આપવામાં આવ્યા.
નાના ભૂલકાઓને ચોકલેટ, આઇસ્કીમ આપી તાદાત્મ્ય કેળવી, આવકારવામાં આવ્યા. અને તેઓ ભવિષ્યમાં શું બનવા ઇચ્છે છે? તે બાબતે વિચારો જાણ્યા. આવા બાળકોમાં આત્મ વિશ્ર્વાસ વધે તે માટે ગરીબીમાં જન્મીને આગળ વધેલ તેવા અબ્રાહિમ લિંકન, નેલ્સન મંડેલા, માર્ટીન લ્યુથર, હેલન કેલર વિગેરે મહાનુભાવોના જીવન સંઘર્ષ વિષે ટુંકમાં વિગતો આપી.
સાથો સાથ રાજય સરકારની ગરીબો-છેવાડેના માનવીઓ માટે ઓફીસમાંથી થતી જુદી જુદી કલ્યાણકારી યોજના વિશે જાણકારી આપી અને તાલુકામાં મામલતદાર કચેરી- મામલતદાર શી ભૂમિકા ફરજો થતી વહીવટી કામગીરીઓથી અવગત કરવામાં આવ્યા.
બાળકોને શું બનવું ગમે ? તેવા સવાલના સમાજમાં મોટા ભાગે બાળકોનો મત પોલીસ બનવાનો રહ્યો, તો કોઇ ડોકટર, એન્જીનીયરીંગ એમ અલગ અલગ મત પણ હતો, અત્યારે જ એક મીનીટ માટે મામલતદાર કોને બનવું છે? તો બધા બાળકોએ આંગળી ઉંચી કરી તે સાથે ‘વન મિનિટ મામલતદાર’ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. વારાફરતી બાળકોને મામલતદારની ચેર (ખુરશી) માં બેસાડવામાં આવ્યા. નાના નાના ભૂલકા બાળકીઓના ચહેરા ઉપરનું સ્મિત ખુશી જે જોવા મળી તે અકલ્પનીય હતી. ત્યારબાદ દરેકને શૈક્ષણિક કીટ આપી. ઉજજવળ ભવિકામના પાઠવવામાં આવી.
ત્યારબાદ કચેરીમાં કલાર્ક, નાયબ મામલતદાર, મહેસુલી તલાટીના રૂમની બેઠક વ્યવસ્થા તેની કામગીરી ટુંકમાં જણાવી. અને છેલ્લે મામલતદારની લાલ લાઇટ વાળી ગાડીમાં બેસી, 1 કીમીમાં ચકકર મરાવી બાળકો વાલીઓ સાથે સામુહિક ફોટોગ્રાફ લઇ છુટા પડયા.
આ કાર્યક્રમનો હેતુ એવો હતો કે માતા-પિતાની છત્રછાયા ગુમાવતા બાળકો પોતાને એકલા મહેસુસ કરે છે. અને લધુતાગ્રંથીનો શિકાર બને છે. આવા બાળકોમાં પોતાની સાથે રાજય સરકાર અને તેના અધિકારીઓ પણ પડખે ઉભા છે તેવી હકારાત્મક છબી મેસેજ જાય તેવો હેતુ હતો.