જીયુડીસીએ વિના કારણે પાણીની ટાંકીને તાળા મારી દેતા ચાર દિવસથી પાણી વિતરણ ઠપ
ચાર ચાર દિવસથી પાણી નહી મળતા લોકોમાં રોષ
સુરેન્દ્રનગરમાં જીયુડીસીએ વિના કારણે પાણીના ટાંકાને તાળા મારી દેતા છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ ઠપ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે પ્રજાની પરેશાની અંગે પાલિકાના સત્તાધીશો ગાંધીનગર દોડી ગયા હતા અને પાણીના ટાંકાના તાળા ખોલી પાણી વિતરણ કરાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં શહેરીજનોને ધોળીધજા ડેમ મારફતે પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે ત્યારે ઉનાળાના પ્રારંભે જ પાલિકા તંત્ર અને જીયુડીસીની બેદરકારીના કારણે પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જતાં શહેરીજનોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં જીયુડીસી દ્વારા શહેરમાં આવેલ અને પાણી વિતરણ સાથે સંકળાયેલ બે પાણીની ટાંકીને તાળા મારી દેતાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ વોર્ડમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને નિયમીત અને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાંન્ટ ફાળવવામાં આવી હતી જે અંતર્ગત જીયુડીસી દ્વારા શહેરને નિયમીત પાણી મળી રહે તે માટે શહેરના ધોળીધજા ડેમથી પાણી વિતરણ કરતી પાણીની ટાંકીઓ તેમજ લોકોના ઘેર સુધી નવી પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી હતી. જ્યારે આ પાઈપલાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
પરંતુ તેમ છતાંય અનેક વિસ્તારમાં નિયમીત પાણી ન મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં અવાર-નવાર પાણીની પાઈપલાઈન તુટી જવાના બનાવો સામે આવ્યાં હતાં. ત્યારે તાજેતરમાં શહેરી વિસ્તારમાં પાણી વિતરણ સાથે સંકળાયેલ બાલા હનુમાન રોડ પર આવેલ પાણીની મુખ્ય ટાંકી સહિત કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીમાં જીયુડીસી દ્વારા કોઈપણ જાતની જાણ વગર લોક મારી દેતાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ અંગે પાલિકા તંત્રના સત્તાધિશોને જાણ થતાં જીયુડીસીના જવાબદાર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પાલિકાની તેમજ સરકારી મિલ્કતને કોઈપણ જાતની જાણ વગર અચાનક ૫ાણીની ટાંકી અને સંપને તાળા મારી દેતાં આ અંગે પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયા સહિત ચીફ ઓફીસર સંજયભાઈ પંડયા સહિતનાઓ ગાંધીનગર જીયુડીસીની કચેરી ખાતે રજુઆત અર્થે પહોંચ્યા હતાં અને તાત્કાલીક મારેલ તાળાઓ ખોલાવી રાબેતા મુજબ પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી .
- કરોડોની ગ્રાન્ટ છતાં લોકો હજીય તરસ્યા
રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના લોકોને નિયમતી અને શુધ્ધ પાણી મળી રહે તે માટે નવી પાઈપલાઈન દ્વારા પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ પાલિકા તંત્ર અને જીયુડીસીના સંકલનના અભાવે અને બેદરકારીના કારણે નવી પાણીની પાઈપલાઈન દ્વારા પણ લોકોને નિયમીત પાણી ન મળતાં રોષ જોવા મળ્યો હતો.