સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ પાછળના વિસ્તારમાં રહેતા ત્રણ ભાઈઓ  ઉપર ઉછીના આપેલ પૈસાની ઉઘરાણી કરવા બાબતે ચાર શખ્સોએ છરી, તલવાર પાઈપથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા ત્રણેય ભાઈઓને ઈજાગ્રસ્ત હાલતમાં સી.યુ.શાહ હોસ્પીટલમાં લઈ જવામાં આવેલ હતા.

આ બનાવની જાણવા મળતી વિગત એવી છેકે, સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ પાછળ રહેતા દિનેશભાઈ જેસીંગભાઈ કુંતીયાએ મોરબીના પુલના છેડે મિયાણાવાડમાં રહેતા આસિફ મિયાણાને ઉછીના પૈસા  આપેલ હતા. આ રકમની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા આસિફ મિયાણાએ, તેના સાગરીતો રમઝાન રહિમ,અલીભાઈ હબીબભાઈ તથા આસિફના ભાઈ સાથે દિનેશભાઈના ઘેર જઈને છરીથી હુમલો કરતા દિનેશભાઈને પડખામાં ઈજા થઈ હતી.

તેમના ભાઈ મેહુલ અને લાલજી વચ્ચે પડતા તેમને પણ તલવાર અને પાઈપથી ઈજા કરવામાં આવતા ત્રણેયને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પીટલમાં લઈ જવાયા હતા. બનાવ અંગે દિનેશભાઈ એ એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધીને તપાચસ હાથ ધરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.