રૂ.૭૦૦૦ની લાંચ સ્વીકારતા જુનિયર નગર નિયોજક અને નિવૃત આસિસ્ટન્ટ ટાઉન ડ્રાફ્ટમેટ રંગેહાથ એ.સી.બી.ના હાથે ઝડપાયા
સુરેન્દ્રનગર બહુમાળીભવન કચેરીમાં આવેલી નગર નિયોજક કચેરીમાં ખેતીની જમીન પર પ્લાન પાસ કરાવવા માટે જુનિયર નગર નિયોજકે રૂ .૧૨૦૦૦ની માંગણી કર્યા બાદ જે-તે વખતે રૂ .૫૦૦૦ સ્વીકારી લીધા બાદ ફરી રૂ . ૭૦૦૦ની લાંચની માંગણી કર્યા બાદ તેના વતી નિવૃત આસિસ્ટંટ ટાઉન ડ્રાફટમેન સ્વીકારવા જતા સુરેન્દ્રનગર એસીબી ટીમે બન્ને લાંચિયા આધિકારીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના અરજદારે પોતાની ખેતીની જમીનમાં મકાન બનાવવાનું હોય પ્લાન પાસ કરાવવા માટે નગર નિયોજકની કચેરી સુરેન્દ્રનગરમાં અરજી આપવા ગયા હતા. જ્યાં સુરેન્દ્રનગર બહુમાળી ભવન કચેરીમાં નગર નિયોજક કચેરીમાં ફરજ બજાવતા નિવૃત આસીસન્ટ ટાઉન ડ્રાફ્ટમેન્ટ તુલસીભાઈ ગણેશભાઈ પરમાર (ઉ.વ.૬૨)એ અરજદારને અરજી બાબતે વાતોમાં ભોળવી લઈ વર્ગ-૨ કક્ષાના જુનિયર નગર નિયોજક યશભાઈ દિલીપભાઈ દવે (ઉ.વ.૩૧) સાથે મુલાકાત કરાવી હતી. બંન્ને સરકારી કર્મચારીએ અરજદારને પ્લાન પાસ કરી આપવા માટે રૂ .૧૨૦૦૦/- ની લાંચની માંગણી કરી, જે તે વખતે રૂ .૫૦૦૦ સ્વીકરેલા હતા. જેમાં બાકી રહેતા રૂ .૭૦૦૦ની રોકડ ફરી જુનિયર નગર નિયોજક યશભાઈ દવેના કહેવાથી નિવૃત આસીસન્ટ ટાઉન ડ્રાફ્ટમેન્ટ તુલસીભાઈ પરમારે માગણી કરી હતી. જે લાંચની રકમ અરજદાર આપવા માગતા ન હોવાથી સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે પી.આઈ ઝેડ.જી.ચૌહાણે લાંચનું છટકું ગોઠવી બન્ને અધિકારીને જુનિયર નગર નિયોજક કચેરીમાં રૂ .૭૦૦૦ ની રોકડ સ્વીકારતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.