સુરેન્દ્રનગરમાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના સભ્યોનો પક્ષપ્રવેશ
સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસમુક્ત ભારતની ભાજપની ઝુંબેશ આગળ વધી રહી છે. સુરેન્દ્રનગરમાં રવિવારે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના ૫ સભ્યને ભાજપમાં પ્રવેશ અપાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસના ૪ સહીત કુલ ૫ સદસ્યો તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશમાં જ ભાજપે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી નાંખ્યા છે ત્યારે આગામી સમયમાં જિલ્લા પંચાયતમાં પણ નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
સુરેન્દ્રનગર લોકસભા માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે રવિવારે પ્રદેશ ભાજપની અધ્યક્ષતામાં લોકસભા સીટનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે વીઆઇપી કલ્ચરમાં જ જન્મેલા લોકોને દેશના ઇતિહાસ, સન્માન, સંસ્કતિ કે ધરોહર અંગે શું ખબર પડે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે આ સામાન્ય ચૂ઼ંટણી નથી પરંતુ દેશનું ભવિષ્ય નક્કી કરનાર ચૂંટણી છે. તેમજ દરેક સીટ પર કોઇ વ્યક્તિ નહીં પરંતુ ભાજપનું નિશાન કમળ ચૂંટણી લડે છે તેમ જણાવ્યું હતું. જ્યારે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે આ સરંપચની નહીં પરંતુ સાંસદની ચૂંટણી છે અને નેતૃત્વ બરોબર હોય તો જ રાષ્ટ્રનો વિકાસ શક્ય છે ત્યારે આપણને નરેન્દ્રભાઇ મોદીના રૂપમાં સબળ નેતૃત્વ મળ્યુ઼ છે જેને જાળવી રાખવા કાર્યકરોને હાકલ કરી હતી.