સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પડેલ ભારે વરસાદના લીધે શહેરની પરિસ્થિતિ વણસી છે. શહેરની સોસાયટીઓમાં ઠેરઠેર વરસાદી પાણી અને કાદવ કીચડનું સામ્રાજય છવાયુ છે. ત્યારે કલેકટર કચેરીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં વોર્ડ વાઇઝ અધિકારીઓનું નિમણૂંક કરી યુધ્ધના ધોરણે કામગીરી કરવા આદેશો થયા છે.

સુરેન્દ્રનગર શહેરમાં એક તરફ લોકો ખાડારાજના લીધે પરેશાન હતા. તેમાં પણ શુક્રવારની રાત્રે પડેલા ૧૦ ઇંચથી વધુના વરસાદથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ અનેક સ્થળે તૂટી ગયા છે. જયારે સોસાયટી વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થયો નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રવિવારે કલેકટર કચેરીમાં બેઠકનું આયોજન કરાયુ હતુ. બેઠકમાં કલેકટર ઉદીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, અધિક કલેકટર ચંદ્રકાંત પંડ્યા, પ્રોબેશન આઇએએસ રાજેન્દ્રકુમાર, ડીવાયએસપી બકુલ જાની સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં વરસાદને લીધે લોકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં કલેકટરે મામલતદાર અને નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપી છે. સુરેન્દ્રનગર શહેરના ૧૪ અને વઢવાણના ૯ વોર્ડમાં અધિકારીની દેખરેખ નીચે વરસાદી પાણીનો નિકાલ, કાદવ અને કીચડનો નિકાલ કરવામાં આવશે. ઉપરાંત વરસાદના લીધે તૂટી ગયેલા રસ્તાઓની મરામત પણ કરાશે. જયારે વરસાદના લીધે લોકોનું સ્વાસ્થય જોખમાય નહી તે માટે આરોગ્યની ટીમો બનાવી આરોગ્યની સંભાળ, પીવાનુ કલોરીનેશન વાળુ પાણી મળી રહે તે અંગે પણ તકેદારી રાખવા આદેશો કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.