તંત્રે રૂ.૭.૮૮ લાખથી વધુ દંડ વસુલ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં માસ્ક ન પહેરનારા ૩ હજારથી વધુ લોકો પાસેથી તંત્ર ૭.૮૮ લાખથી વધુ રકમનો દંડ વસૂલ્યો હતો. નોવેલ કોરોના વાયરસ કોવિડ – ૧૯ ના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા, વાહન/મુસાફરી સમયે તથા આવશ્યક પુછપરછના સમયે અને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવા સમયે ચહેરા પર માસ્ક/કપડું પહેરવાના નિયમનું ચૂસ્તપણે અમલ થાય તેની તકેદારી રાખવા માટેની સૂચનાઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવિડ – ૧૯ના સંક્રમણને વધતું અટકાવવા માટે જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગ્રામ્ય વિસ્તારમાં સરકારની સૂચના અન્વયે માસ્ક પહેરવાના નિયમનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે પણ જણાવાયું હતુ. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં માસ્ક પહેરવાના નિયમના ઉલ્લંઘન બદલ અત્યાર સુધીમાં કૂલ ૩૯૪૨ લોકો પાસે ૭.૮૮ લાખથી વધુની રકમ દંડ પેટે વસૂલવામાં આવી તેમ જિલ્લા તંત્રે જણાવાયું છે.