વાવાઝોડાના નુકશાનને પહોંચી વળવા વન વિભાગે 9 કંટ્ર્રોલરૂમ કાર્યરત કર્યા
તાઉ તે વાવાઝોડાથી સુરેન્દ્રનગર જિલ્લો હાઈ-એલર્ટ પર હોવાથી જિલ્લાનું સરકારી તંત્ર સજ્જ બન્યું હતું. જે અન્વયે જિલ્લામાં વાવાઝોડાની અસરથી ક્યાંય વૃક્ષો ધરાશાયી થાય કે કોઈ પશુ-પક્ષી આપાતકાલીન પરિસ્થિતિમાં ફસાય તો તેને રેસ્ક્યુ કરવા માટે સુરેન્દ્રનગરના ક્ષેત્રિય તેમજ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અગમચેતીના પગલાં રૂપે તેમની હેઠળ આવતા તમામ વિસ્તારોમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ તેમજ વન વિભાગની રેસ્ક્યુ ટીમ કાર્યરત કરવામાં આવી હતી, જેથી આપાતકાલીન પરિસ્થિતિમાં તુરંત જ વન વિભાગનો સંપર્ક કરી શકાય અને રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમ સમયસર પહોંચી સંભવિત હાની ખાળી શકે.
વાવાઝોડાની અસરથી જિલ્લામાં વરસાદ સાથે પવન ફૂંકાતા 166 જેટલા વિશાલ વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની હતી. જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને વન વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 9 કંટ્રોલ રૂમ કાર્યરત કરી, તમામ કંટ્રોલ રૂમ ખાતે એક નોડલ ઓફિસર સાથે રેસ્ક્યુ ટીમને તેમની જરૂરી સાધન સામગ્રી સાથે તૈનાત રાખવામાં આવી હતી.
જે અન્વયે વઢવાણ કંટ્રોલ રૂમ ખાતે 12 વ્યક્તિઓની ટીમ દ્વારા રસ્તા પર ધરાશાયી થયેલા 14 અને જંગલ વિસ્તારમાં ધરાશાયી થયેલા 12 વૃક્ષો, પાટડી કંટ્રોલ રૂમ ખાતે 4 વ્યક્તિઓની ટીમ દ્વારા રસ્તા પર ધરાશાયી થયેલા 8 અને જંગલ વિસ્તારમાં ધરાશાયી થયેલા 10 વૃક્ષો, ધ્રાંગધ્રા કંટ્રોલ રૂમ ખાતે 20 વ્યક્તિઓની ટીમ દ્વારા રસ્તા પર ધરાશાયી થયેલા 7 અને જંગલ વિસ્તારમાં ધરાશાયી થયેલા 15 વૃક્ષો, મુળી કંટ્રોલ રૂમ ખાતે 18 વ્યક્તિઓની ટીમ દ્વારા રસ્તા પર ધરાશાયી થયેલા 2 અને જંગલ વિસ્તારમાં ધરાશાયી થયેલા 17 વૃક્ષો, ચોટીલા કંટ્રોલ રૂમ ખાતે 12 વ્યક્તિઓની ટીમ દ્વારા રસ્તા પર ધરાશાયી થયેલા 3 અને જંગલ વિસ્તારમાં ધરાશાયી થયેલા 18 વૃક્ષો, થાનગઢ કંટ્રોલ રૂમ ખાતે 4 વ્યક્તિઓની ટીમ દ્વારા જંગલ વિસ્તારમાં ધરાશાયી થયેલા 22 વૃક્ષો, સાયલા કંટ્રોલ રૂમ ખાતેની ટીમ દ્વારા ધરાશાયી થયેલા 2 વૃક્ષો, ચુડા કંટ્રોલ રૂમ ખાતેની ટીમ દ્વારા ધરાશાયી થયેલા 25 વૃક્ષો અને લીંબડી કંટ્રોલ રૂમ ખાતેની ટીમ દ્વારા ધરાશાયી થયેલા 11 વૃક્ષોને મળી કુલ 166 વૃક્ષો હટાવી રોડ-રસ્તાઓને તુરંત જ કાર્યરત કર્યા હતા.ક્ષેત્રીય વન વિભગના નાયબ વન સંરક્ષક હરેશ મકવાણાના જણાવ્યા અનુસાર જિલ્લામાં વાવાઝોડાના લીધે ધરાશાયી થયેલા વિશાળ વૃક્ષોના થડ અને ડાળીઓને વિવિધ યંત્રો દ્વારા કાપી અને સલામત રીતે હટાવી, ગણતરીના સમયમાં જ રસ્તાઓને ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા.
વધુમાં સામાજિક વાણીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકએ જણાવ્યું હતું કે, અમારી ટીમોએ શક્ય હોય તેટલી ઝડપથી રસ્તો ખુલ્લો કરવો અને વૃક્ષના લીલા કાટમાળના અવરોધોને લીધે વાહન અકસ્માતની શક્યતા નિવારવાના ધ્યેય સાથે આવા તોફાની વાતાવરણમાં પણ દિવસ રાત સતત સેવાઓ આપી હતી.
અમારી ટીમો દ્વારા ડીઝલ સંચાલિત યાંત્રિક કટર, કુહાડા જેવા સાધનોનો, તેમજ જરૂર હોય ત્યાં વિશાળ થડને ખસેડવા જેસીબી અથવા ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, તાઉ તે વાવાઝોડા જેવી વિકટ પરિસ્થિતિમાં પણ દિવસ રાત જોયા વગર સુરેન્દ્રનગર વન વિભાગના કર્મચારીઓ દ્વારા ગણતરીના સમયમાં જ ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવી રસ્તાઓને પૂર્વવત કરવાની વિશેષ કામગીરી કરવામાં આવી હતી.