117 દિવ્યાંગોએ ટપાલ મતપત્રકની સુવિધાનો લીધો લાભ
“મતદાન તો દરેકે કરવું જ જોઈએ. આપણા નેતા આપણે જ પસંદ કરવાનાં છે, તો જ સારૂ કામ થશે…” સુરેન્દ્રનગરનાં અલકાપુરી, 60 ફૂટ રોડ ખાતે રહેતા 103 વર્ષીય તારાબહેન મહેતાએ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરતા આમ જણાવ્યું હતું. તારાબહેન મહેતાને ચૂંટણી પ્રક્રિયાનાં ભારેખમ શબ્દો કદાચ ખબર નથી. પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં મતદાનનું મહત્વ તેઓ સુપેરે સમજે છે. જો મત નહીં આપીએ, તો પછી આપણા વિસ્તારની સમસ્યાઓ માટે રજૂઆતો કેવી રીતે કરીશુંનો તર્ક કરતા તેઓ કહે છે કે દરેક વ્યક્તિએ ચૂંટણીમાં પોતાને યોગ્ય લાગતા ઉમેદવારને મત આપીને ઉમેદવારને પસંદ કરવા જોઈએ.
ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષથી વધુ વયનાં નાગરિકો અને દિવ્યાંગોને ઘરેબેઠા પોસ્ટલ બેલેટથી મતદાનની ઉભી કરેલી સુવિધા માટે આનંદ વ્યક્ત કરતા તારા બહેન જણાવે છે કે આ સુવિધાનાં કારણે તેમનાં માટે મતદાન કરવું સરળ બન્યું છે. તારા બહેનનાં પૌત્ર શૈલેષભાઈ આનંદ સાથે જણાવે છે કે મારા દાદીમા 103 વર્ષનાં છે પરંતુ તેમને મતદાનનો ખૂબ ઉત્સાહ છે. તેઓ દરેક ચૂંટણીમાં અચૂકપણે મતદાન કરે છે. સામાન્ય રીતે અમે તેમને રીક્ષામાં મતદાન કરવા લઈ જતા હોઈએ છીએ. આજે એમને મતદાન કરાવવા માટે ચૂંટણી કર્મચારીઓની ટીમ ઘરે આવી હતી અને ગાઈડલાઈન અનુસાર સંપૂર્ણ ગુપ્તતા સાથે મતદાન કરાવ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા આ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો, દિવ્યાંગ મતદારો તેમજ કોવિડ સંક્રમિત દર્દીઓ માટે પોસ્ટલ બેલેટથી મત આપવાની સુવિધા વિધાનસભા ચૂંટણી -2022 અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ મતદારો માટે ફોર્મ 12-ઉ ભરાવી પોસ્ટલ બેલેટ ઈશ્યુ કરી મત અપાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ મહાપર્વમાં કોઈપણ મતદાતા પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તેવી પ્રતિબદ્ધતા સાથે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને સમાહર્તાશ્રી કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થા અંતર્ગત 80 વર્ષથી વધુ વયનાં 1135 મતદારો અને 117 દિવ્યાંગ મતદારોએ અત્યાર સુધી પોસ્ટલ બેલેટનાં માધ્યમથી મતદાન કર્યું છે. બીએલઓ સહિતનાં ચૂંટણી કર્મચારીઓ આ મતદારોનાં ઘરે જઈને તેમને ઘરઆંગણે ટપાલ મતદાન કરવાનો લાભ અપાવી રહ્યા છે.