પ્રથમ તબકકામાં 57 પૈકીના 16 ઉમેદવારોએ સમયસર હિસાબ રજુ કર્યા નથી
સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકો પર મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સમસયર ખર્ચના હિસાબો રજુ કરવામાં જિલ્લાના 57માંથી 16 ઉમેદવારો ઉણા ઉતર્યા છે.
વઢવાણ બેઠક પર સૌથી વધુ 6 ઉમેદવારોએ હિસાબો રજૂ નથી કર્યા સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ઉપર ધારાસભ્ય બનવા 57 ઉમેદવારો મેદાને છે. ત્યારે ચૂંટણી વિભાગના નિયમ મુજબ ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ આ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં કરેલા ખર્ચની વિગતો ચૂંટણી ખર્ચમાં ત્રણ તબક્કામાં રજૂ કરવાની હોય છે. જેમાં જિલ્લાની પમાંથી 4 બેઠક પર તા. 21મી અને 1 બેઠક પર તા. 22મીના રોજ ખર્ચના હિસાબો રજૂ કરવાના હતા. પરંતુ જિલ્લાના કુલ 57માંથી 16 ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના પ્રથમ તબક્કાના હિસાબો સમયસર રજૂ ન કરતા ચૂંટણી વિભાગે 16 ઉમેદવારોને નોટીસ પાઠવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકો પર મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે હાલ ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી વિભાગના નીયમ મુજબ ચૂંટણી જંગમાં ઝંપલાવનાર દરેક ઉમેદવારે કરેલા ખર્ચના હીસાબો રાખવાના હોય છે. અને તે સમયસર તંત્ર સમક્ષ રજુ કરવાના હોય છે. જિલ્લામાં ચૂંટણી ખર્ચના નોડલ ઓફીસર અને જિલ્લા વિકાસ અધીકારી પી.એન.મકવાણાએ અગાઉ આ માટેની તારીખો જાહેર કરી હતી. જેમાં જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ અને ચોટીલામાં તા. 21 અને ધ્રાંગધ્રામાં તા. 22ના રોજ ઉમેદવારોએ પ્રથમ તબક્કાના ખર્ચના હીસાબો રજુ કરવાના હતા.
ચૂંટણી જંગમાં ઝંપલાવનાર દરેક ઉમેદવાર રૂપિયા 45 લાખ સુધીની મર્યાદામાં ખર્ચ કરી શકે તેવો ચૂંટણી વિભાગનો નીયમ છે. ત્યારે સમસયર ખર્ચના હીસાબો રજુ કરવામાં જિલ્લાના 57માંથી 16 ઉમેદવારો ઉણા ઉતર્યા છે. આથી પાંચેય બેઠકના આર.ઓ. દ્વારા પ્રથમ તબક્કાનો ચૂંટણી ખર્ચ સમયસર રજુ ન કરનાર 16 ઉમેદવારોને નોટીસ પાઠવવામાં આવી છે. અને બીજા તબક્કાના સમયે ખર્ચના હીસાબો રજુ કરવા તાકીદ કરાઈ છે. જિલ્લાની 5 બેઠકોમાંથી દસાડા, લીંબડી, વઢવાણ અને ચોટીલાના ઉમેદવારોએ તા.25 અને ધ્રાંગધ્રાના ઉમેદવારોએ તા. 26મીના રોજ બીજા તબક્કાના ખર્ચના હીસાબો રજૂ કરવાના છે.
જિલ્લાની 5 બેઠક પર 57માંથી 41 ઉમેદવારોએ જે ખર્ચના હીસાબો પ્રથમ તબક્કામાં રજુ કર્યા છે તેમાં સૌથી વધુ ખર્ચ લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કીરીટસીંહ રાણાએ કર્યો છે. તેઓએ ચૂંટણી ખર્ચમાં પ્રથમ તબક્કાના હીસાબોમાં રૂપિયા 3,51,289 રૂપિયાનો ખર્ચ ચૂંટણી વિભાગ સમક્ષ રજૂ કર્યો છે.
વડાપ્રધાનની સભાનો ખર્ચ પાંચેય બેઠકમાં સરખા ભાગે ઉમેદવારો વચ્ચે વહેંચાય તેવી શકયતા
સામાન્ય રીતે વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક દ્વારા કરાયેલ જાહેર સભાનો ખર્ચો પક્ષના ખર્ચામાં પડતો હોય છે. પરંતુ આ સભા દરમીયાન ઉમેદવારનું નામ પણ લેવાતુ નથી કે તેમનું ભાષણ પણ યોજાતુ નથી. ત્યારે તા. 21ના રોજ સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની જંગી જાહેરસભા યોજાઈ હતી. આ જાહેરસભામાં જિલ્લાની પાંચેય બેઠકના ભાજપના ઉમેદવારોએ વારાફરતી ભાષણ કર્યુ હતુ.
આથી જાહેર સભાનો ખર્ચ જિલ્લાની 5 બેઠક પર ચૂંટણી લડતા ભાજપના 5 ઉમેદવારો વચ્ચે સરખે ભાગે વહેંચાય તેવી શકયતા હાલ અધીકારી વર્ગમાં ચર્ચાઈ રહી છે.ઝાલાવાડની 5 બેઠકોમાંથી વઢવાણ બેઠક પર સૌથી વધુ ઉમેદવારોએ ખર્ચના હીસાબો રજુ કર્યા નથી.
જિલ્લાની 5 બેઠકમાં કુલ 16 ઉમેદવારોએ ખર્ચના પ્રથમ તબક્કાના હીસાબો ચૂંટણી વિભાગને આપ્યા નથી. જેમાંથી 6 ઉમેદવારો વઢવાણ બેઠકના છે. વઢવાણ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉપરાંત 3 અપક્ષ ઉમેદવારોએ પણ ખર્ચના હીસાબો રજુ કર્યા નથી.