૧૦ વર્ષિય બાળકીના શરીર પર ઈજાના ૮૬ નિશાનો મળી આવ્યા; ઘટનાની તપાસ ડીસીબીને સોંપાઈ: આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુરતવાસીઓનાં દેખાવો: રેલી યોજી પિડીત બાળકીને ન્યાય આપવા કરી માંગ
કઠુઆમાં આઠ વર્ષિય બાળકી સાથે સામુહિક બળાત્કાર અને મર્ડર તેમજ ઉનાવમાં ૧૭ વર્ષિય યુવતી સાથે ભાજપના નેતાનાં બળાત્કારની ઘટનાથી દેશભરમાં ચકચાર મચી ગઈ છે. દેશભરનાં લોકોમાં આરોપીઓ વિરૂધ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાઓ હજુ સમી નથી ત્યાં સુરતમાં બીજી બળાત્કારની ઘટના સામે આવી છે.જેમાં ૧૦ વર્ષની બાળકી ઉપર નરાધમોએ બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ૧૦ વર્ષની બાળકીના શરીર પર ઈજાઓનાં ૮૬ જેટલા નિશાનો મળી આવ્યા છે.
૧૦ વર્ષિય બાળકીને મોતને ઘાટ ઉતારી દેતા પહેલા તેની સાથે દુષ્કૃત્ય આચરાયું હોવાનું ઓટોપ્સી રીપોર્ટમાં ખુલ્યું છે. પીડીતાના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ ૯ દિવસ પહેલા બન્યો હતો. સુરતનાં પાંડેસરા વિસ્તારમાં ક્રિકેટ સ્ટેડિયમ નજીકથી બાળકીની લાશ મળી આવી હતી. આ ઘટનાથી સુરતના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
પિડીતાને ન્યાય અપાવવા લોકો દેખાવો કરી રહ્યા છે. લોકરોષની વાત સરકાર સુધી અને ડીજીપી સુધી પહોચતા તપાસ પાંડેસરા પોલીસ પાસેથી લઈ ૯ દિવસ પછી ક્રાઈમ બ્રાંચને સોંપાઈ છે. રવિવારે સાંજે લોકોએ ન્યાયની માંગણી સાથે અઠવાગેટથી પાર્લે પોઈન્ટ સુધી કેન્ડલ માર્ચ યોજી પિડીતાને ન્યાય અપાવવાની માંગણી કરી હતી. જોકે, હજુ સુધી આ બાળકી કયાંની અને કોણ છે? તેની પોલીસ ઓળખ કરી શકી નથી.
બાળકીની ઓળખ માટે સુરતભરમાં ૧૨૦૦થી વધુ પોસ્ટર લગાવાયા છે. તેમ પોલીસ કમિશ્નરે જણાવ્યું છે. આ ઉપરાંત, બાળકીની ઓળખ આપનાર વ્યકિતને રૂ. પાંચ લાખનું ઈનામઅપાશે તેમ સુરતનાં એક બિલ્ડરે જાહેરાત કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,