બંને ભાણી નીતિ અને નિયમ અનુસાર સૌથી નાની ઉંમરમાં ચંદ્ર પર જમીનની માલકીન બની
રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવે છે. આ અભીયાનને લઈ લોકોમાં ઘણી જાગૃતતા આવી છે. ત્યારે હવે લોકો દીકરીના જન્મના વધામણા કરતા થયા છે અને મોટાભાગના લોકો પોતાના ઘરે લક્ષ્મી સ્વરૂપે દીકરી અવતરે તેવી પણ ઈચ્છા રાખે છે. ત્યારે સુરતમાં બે દીકરીઓની જન્મની ખુશીમાં બંને દીકરીઓના મામાએ ભાણી માટે અનોખી ગિફ્ટ ખરીદી છે. આ ગિફ્ટ એવી છે કે, દોઢ મહિનાની બે જુડવા ભાણી માટે મામા દ્વારા ચંદ્ર પર એક એકર જમીનની ખરીદી કરવામાં આવી છે. તમે ઘણી વખત માતાને બાળકને એવું સમજાવતા સાંભળ્યા હશે કે, આકાશમાં ચાંદા મામા દેખાય છે. ત્યારે સુરતમાં એક મામાએ પોતાની બે ભાણી માટે ચંદ્ર પર જમીન લીધી અને તેના જ કારણે આ મામા બંને ભાણિ માટે ચંદામામા બની ગયા.
આ વાત છે સુરતમાં રહેતા વેકરીયા પરિવારની. સુરતના સરથાણા વિસ્તારમાં બ્રિજેશભાઈ વેકરીયા તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત સામાજિક સેવા માટે બનેલા સંવેદના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. ત્યારે બ્રિજેશભાઈની બહેન દયાના ઘરે એક સાથે લક્ષ્મીસ્વરૂપે બે દીકરીઓનો જન્મ થયો અને બ્રિજેશભાઈ માટે આ ખૂબ ખુશીની વાત હતી કારણ કે, પરિવાર લક્ષ્મીની ઈચ્છા રાખતો હતો અને એક સાથે બે લક્ષ્મીનું અવતરણ થતાં પરિવારની ખુશી ડબલ થઈ ગઈ અને મામા એ પણ પોતાની બંને ભાણી માટે ખૂબ જ સરસ ગિફ્ટ લીધી. આ ગિફ્ટ એવી છે કે બ્રિજેશભાઈએ બહેનની બંને દીકરીઓ માટે ચંદ્ર પર એક એકર જમીનની ખરીદી કરી.
બ્રિજેશભાઈ તેમની બહેન દયાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા અને એટલા માટે કંઈ પણ કહ્યા વગર બહેન પાસેથી બંને દીકરીના ડોક્યુમેન્ટ લીધા અને આ ડોક્યુમેન્ટ્સને અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપનીને મોકલ્યા. આ કંપની ચંદ્ર પર જમીનનું બુકિંગ કરે છે અને ઓનલાઇન ચંદ્ર પર જમીન ખરીદવા માટેની એક એપ્લિકેશન બંને ભાણીના નામ પર કરી દીધી અને આ એપ્લિકેશન માન્ય રહેતા બ્રિજેશભાઈની બંને ભાણી નીતિ અને નિયમ અનુસાર સૌથી નાની ઉંમરમાં ચંદ્ર પર જમીનની માલિક બની છે. મામાએ આપેલી આ ગિફ્ટ જ્યારે બંને ભાણી સમજદાર થશે ત્યારે તેમને ખૂબ મોટી લાગશે.
બ્રિજેશભાઈ વેકરીયાનું કહેવું છે કે, લોકો ચંદ્ર ને ચંદામામા કહે છે અને જ્યારે હું પોતે બે જુડવા ભાણીનો મામા બન્યો છું ત્યારે તેને કંઈક ખાસ આપવાની મારી ઈચ્છા હતી અને મને એવી જાણકારી મળી કે ચંદ્ર પર જમીન લઈ શકાય છે. તેથી નાની ઉંમરમાં ચંદ્ર પર જમીનના માલિક અમારી ભાણી બને એટલા માટે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી અને એક મહિનામાં જમીનનું રજીસ્ટ્રેશન થયું અને મારી બંને ભાણી સૌથી નાની ઉંમરમાં ચંદ્રની જમીન પરની માલિક બની છે. કંપની દ્વારા જ્યારે વિકલ્પ આપવામાં આવ્યું ત્યારે ચંદ્ર પર લેક ઓફ હેપીનેસ વિસ્તાર છે તે વિસ્તારમાં એક એકર જમીનનું બુકિંગ બ્રિજેશભાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
મહત્વની વાત છે કે, ચંદ્ર પર જમીન વેચવાનો દાવો અનેક વેબસાઈટ દ્વારા કરવામાં આવે છે ત્યારે ચંદ્ર પર જમીન લેવા માટે બ્રિજેશભાઈએ પણ એક ખાસ પ્રકારે રિસર્ચ કર્યું અને અમેરિકાની લુનાર લેન્ડર્સ કંપનીનો સંપર્ક કર્યો. આ કંપનીના માધ્યમથી ચંદ્ર પર એક એકર જમીન ખરીદી બ્રિજેશભાઈ દ્વારા ચંદ્ર પર જમીન ખરીદવા માટે ત્રણ મહિના સુધી કંપની સાથે મેઇલ પર વાતચીત કરવામાં આવી.