સુરતમાં હાલ પડી રહેલા વરસાદના કારણે રખડતા ઢોરની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે.
તબેલાઓમાં ભારે ગંદકી થતાં પશુપાલકો ઢોરને જાહેર રસ્તા પર છોડી દેતાં ઢોર રસ્તા પર જ અડીંગો જમાવી રહ્યા છે.
શહેરના અનેક વિસ્તારના રોડ હાલ વરસાદમાં ઢોરના તબેલા બની ગયાં છે. જાહેર રસ્તા પર વચ્ચે બેઠેલા ઢોર વાહન ચાલકો માટે યમદુત બનતાં હોવા છતાં મ્યુનિ. તંત્ર કોઈ નક્કર કામગીરી કરતી ન હોવાથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાના પાલ, પાલનપોર, ડભોલી, ભટાર, વરાછા, કાપોદ્રાના કેટલાક રોડ હાલ ચોમાસમાં વાહન ચાલકો માટે જોખમી બન્યા છે. કેટલીક જગ્યાએ રોડ તુટયા હોવા ઉપરાંત જાહેર રસ્તા પર વચ્ચે ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે.
હાલ ચોમાસાના કારણે ઢોરને રાખવામા આવતા તબેલામાં ગંદકી હોવાથી પશુપાલકો ઢોરને રસ્તા પર છોડી મુકે છે. સુરતના જાહેર રસ્તાને ઢોર તબેલો સમજીને બરોબર વચ્ચે આરામ ફરમાવે છે જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. રસ્તાની વચ્ચો વચ વરસતા વરસાદમા ઢોર હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભુલથી કોઈ વાહન ચાલકની ટક્કર ઢોરને લાગે તો પશુપાલકો વાહન ચાલકને માર પણ મારે છે. તો બીજી તરફ રસ્તા પર બેઠેલા ઢોર વાહન ચાલકો માટે યમદુત પણ બની શકે છે.
ભુતકાળમાં કાપોદ્રા બ્રિજ પર રખડતા ઢોરના કારણે એક યુવાનનો જીવ ગયો હતો તેમ છતાં મ્યુનિ. તંત્ર રખડતા ઢોર સામે કોઈ નક્કર કામગીરી કરતી નથી.
હાલ સુરતના અનેક રોડ રખડતા ઢોર બેસાડવામાં આવતાં હોવા છતાં તંત્ર કોઈ કામગીરી ન કરતાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે.
મ્યુનિ.ના માર્કેટ વિભાગની બેદકારીના કારણે શહેરના અનેક રસ્તા ઢોરવાડા જેવા બની ગયાં છે. મ્યુનિ. તંત્ર કોઈ તકેદારી ન રાખે તો મ્યુનિ.ના પાપે કોઈનો જીવ પણ જઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.