સુરતમાં સતત વરસાદના કારણે ખાડી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
હવામાન વિભાગની આગાહી છે કે 4 દિવસ સુધી વરસાદ ગુજરાતને ધમરોળશે જેના ભાગ રૂપે સુરતમાં સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત રહ્યું છે. ગત રોજ સવારે 6થી આજના 10 વાગ્યા સુધીમાં ઉધનામાં 8 અને વરાછામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન તરબતર થઈ ગયું છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવફ્લો થવાના આરે છે. જો હજું વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયનજક સપાટી વટાવી શકે તેવી પૂરેપુરી શકયતા છે. જેના આગમચેતીના પગલે પાલિકા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને કામગીરી શરૂ કરી છે.
સુરત સવારના સમયે રસ્તા પર પાણી ભરાતા લોકો અટવાયા અને ટ્રાફિક જામ સર્જાયો
વરસાદના કારણે સુરતમાં સવારના સમયે પણ રોડ પર પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી પડી હતી. તેના કારણે સવારના સમયે કામકાજ પર નીકળેલા લોકોને વરસતા વરસાદમાં જવાની ફરજ પડી હતી. લોકોએ વરસાદથી બચવા માટે ઓવરબ્રિજ નીચે સહારો લીધો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં તથા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકો અટકી અટકીને કાર્યસ્થળે પહોચ્યાં હતા