તમિલ નૂતન વર્ષ ‘પુથાંડૂ વઝથુકલ’ નિમિતે
પોતાના બાંધવોને આવકારવા સોમનાથ તમિલ સમાજ ઉત્સુક
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ બહેનોને પોતાની માતૃભૂમિ સાથેનું સંગમ કરાવવાના હેતુથી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો ઉત્સાહ દિનપ્રતિદિન વધી રહ્યો છે. તમિલનાડુથી પધારનાર મહેમાનોનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથની ધરતી પર સ્વાગત કરવા માટે સોમનાથ તમિલ સમાજ ઉત્સુક છે. સદીઓ પહેલાં સૌરાષ્ટ્રથી તમિલનાડુમાં સ્થાયી થયેલા તમિલ ભાઈ-બહેનો છેલ્લા અનેક દાયકાથી પરત સોમનાથમાં આવ્યાં હતા. સોમનાથમાં જ સ્થાયી થઈને તમામ સ્વરૂપે ગુજરાતી થઈ ગયેલા આ તમિલ સમાજમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો અનેરો ઉત્સાહ છે.
સોમનાથના ભીડિયા વિસ્તારમાં આવેલા આરાધ્ય દેવ કાર્તિક સ્વામીના મંદિરે શુક્રવારના રોજ તમિલ નૂતન વર્ષ નિમિત્તે સોમનાથ તમિલ સમાજના ભાઈઓ-બહેનોએ પૂજનવિધિ કરી અને સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં પધારી રહેલા તમિલનાડુનાં પોતાના ભાઈઓ-બહેનોને આમંત્રણ આપ્યું હતું. ગીર સોમનાથ તમિલ સમાજના પ્રમુખ શ્રી દેવરાજભાઈ પીલ્લાઈની અધ્યક્ષતામાં આજે સોમનાથમાં વસતા તમિલ ભાઈઓ-બહેનોએ ખુલ્લા દિલે આ કાર્યક્રમમાં પધારી રહેલા મહેમાનોને આવકાર્યા હતા.
સોમનાથ તમિલ સમાજના પ્રમુખ શ્રીદેવરાજભાઈ પીલ્લાઈએ જણાવ્યું કે, હું તમિલ સમાજ ગીર સોમનાથનો પ્રમુખ છું. મારો જન્મ પણ સોમનાથની ધરતીમાં થયો છે. આમ હું સંપૂર્ણપણે ગુજરાતી છું પરંતુ તમિલનાડુની સંસ્કૃતિ અને સંસ્કારો મારા રગ રગમાં વસે છે. હું આ કાર્યક્રમના આયોજન બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું અને તમિલનાડુથી પધારી રહેલા સૌરાષ્ટ્ર તમિલ સમાજના તમામ ભાઈઓ-બહેનોનું સ્વાગત કરવા આતુર છું.
સોમનાથમાં વસતો તમિલ સમાજ રોજબરોજની વાતચીતમાં પણ ગુજરાતી ભાષાનો જ મહત્તમ ઉપયોગ કરે છે. કાર્યક્રમમાં પધારી રહેલાં તમિલનાડુના મહેમાનોને હર્ષપૂર્વક આવકારતા શ્રી હર્ષદભાઈ નાયડુએ જણાવ્યું કે, મારા પિતાનો જન્મ પણ સોમનાથમાં જ થયો છે અને સોમનાથ મારી પણ જન્મભૂમિ છે. અમે ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે ઉત્સુક છીએ. જ્યારે સોમનાથની પવિત્ર ધરા પર અમારા તમિલ ભાઈઓ બહેનોનું સ્વાગત છે. તમિલ નૂતન વર્ષે સોમનાથના તમિલ સમાજ દ્વારા પારંપારિક તમિલ પોષાક પહેરી અને કાર્તિક સ્વામીના મંદિરે ખાસ પૂજન કરવામાં આવ્યું હતું. સોમનાથ તમિલ સમાજે પોતાના આરાધ્ય દેવનો જયનાદ કરી અને મંદિરના પટાંગણમાંથી સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમના ઉત્તમ આયોજન બદલ કેન્દ્ર સરકાર સહિત ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.