બાગબગીચાની હરિયાળી અને ગૌમાતાના સાનિધ્યમાં ફિલ્મીગીત સંગીત, હસાયરો અને કૃષ્ણજન્મ સહિતના કાર્યક્રમોની હારમાળા સર્જાશે
શ્રાવણીયા તહેવારોની શ્રૃંખલા શરૂ થવા જઈ રહી છે. ત્યારે પાંચ દિવસની રજાના આ માહોલમાં પ્રત્યેક શહેરી પરિવાર ધાંધલ ધમાલથી પર એવા નૈસર્ગીક અને નજીકના સ્થળની તલાશ કરતો હોય છે.
શહેરથી તદન નજીક રાજકોટ જામનગર હાઈવે, નવા ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલી શ્રીજી ગૌશાળા એના વિશાળ બાગબગીચાની હરિયાળી સાથે ગૌમાતાના દિવ્ય સાનિધ્ય સહિતનીછટા માટે સૌનુ માનીતું સ્થળ બની રહે છે. આ ગૌતિર્થમાં આગામી જન્માષ્ટમી તહેવારોમાં તા.૨ ને રવિવાર સાતમથી તા.૬ ને ગુરૂવાર અગ્યારસ સુધીનાં સળંગ ૫ દિવસના રંગારંગ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા.૨ને રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યાથી એચ.પી. પટેલ મ્યુંઝીક સ્ટુડીયો સ્વરસાધના દ્વારા જૂની યાદગાર ફિલ્મોનાં ગીતોની કરાઓકે પ્રસ્તુતી માણવાનો અવસર મળશે જયારે તા.૩ને સોમવાર જન્માષ્ટમી પ્રસંગે સાંજે ૬.૩૦ વાગ્યાથી રાત્રે ૧૨.૩૦ સુધી સળંગ ૬કલાકના મેરાથોન કાર્યક્રમોની હારમાળા યોજાશે.
જેમાં જૂનાગઢના પ્રસિધ્ધ લોકગાયક રાજુ ભટ્ટ અને ની દવે તેમજ સાથી વૃંદના સથવારે શ્રીનાથજીની આઠે સમાની ઝાંખી કરાવતી ભકિત સંગીત સંધ્યા આજ ગાવત મન મેરો શ્રીનાથજી સહિત રાસની રમઝટ સાથે રાત્રે ૧૨ વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદોત્સવ અને મટકી ફોડ જેવા દિવ્ય કાર્યક્રમો યોજાશે.
તા.૪ને મંગળવાર નોમ નવમીના રોજ સાંજે ૬.૩૦ થી સૌરાષ્ટ્રમાં સુવિખ્યાત ચારણી લોકસાહિત્ય સાથે પારિવારીક હાસ્યરસ પીરસતા પીઢ કલાકાર ગુલાબદાન બારોટ અને વૃંદ દ્વારા હસાયરો લોક ડાયરો આયોજીત કરવામાં આવ્યો છે.
તા.૫ને બુધવારે સાંજે ૬.૩૦ થી રાજકોટના પીઢ અને અનુભવી કલાકારોથી સજજ સીઝન્સ કલબના ગાયકો દ્વારા હિન્દી સીનેમા જગતના લીજેન્ડરી ગાયકો રફી મુકેશ, મન્ના ડે, કિશોરકુમાર, હેમંતકુમાર, તલત મહેમુદ સહિત લતા, આશા, સુરૈયા, નુરજહા, શમશાદ બેગમની કર્ણપ્રિય અને મધુર ગીતોની પ્રસ્તુતી થશે.
આમ પાંચ દિવસના રંગારંગ કાર્યક્રમો સાથે આ વર્ષે એક નવી સુવિધા સાથે શ્રાવણીયા વ્યંજનોના વિવિધ ખાણીપીણીના સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા પ્રભુદાસ તન્ના, વિનુભાઈ ડેલાવાળા, રમેશભાઈ ઠકકર, ભુપેન્દ્રભાઈ છાંટબાર, ચંદુભાઈ રાયચૂરા, દિનેશભાઈ ધામેચા, રમેશભાઈ દત્તા અને બીપીનભાઈ સેજપાલે કહ્યું હતુ.