ગાંજો અને બ્રાઉન સ્યુગર પાવડરનો નશો કરી ઝઘડો કરતા પિતાની હત્યા કર્યાની પુત્રની કબુલાત
માતાને છરી મારે તે પહેલાં પિતા પાસેથી છરી ઝુંટવી પેટ, છાતી, પીઠ અને હાથ-પગમાં ઘા ઝીંક્યા
મૃતક રિક્ષા ચાલકની ચોરી, લૂંટ અને મારામારીના અનેક ગુનામાં સંડોવણી
શહેરના ચુનારાવાડ નજીક આવેલા શિવાજીનગરમાં રિક્ષા ચાલક પિતાની સગા પુત્રએ છરીના ૧૮ જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. ગાંજો અને બ્રાઉન સ્યુગરનો નશો કરી ઘરમાં અવાર નવાર ઝઘડા કરતા પિતાથી કંટાળી હત્યા કર્યાની પુત્રની કબુલાતથી થોરાળા પોલીસે ધરપકડ કરી છે.
આ અંગેની પોલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિવાજીનગરમાં રહેતા રાજુ ઉકાભાઇ મકવાણા નામના ૪૫ વર્ષના કોળી પ્રૌઢને તેના પુત્ર રોહિતે છરીના ૧૮ જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાનું થોરાળા પોલીસમાં નોંધાયું છે.
રાજુ મકવાણા સવારે નશો કરેલી હાલતમાં ઘરે આવી પોતાની પત્ની નિતાબેનને છરી મારવા દોડયો ત્યારે તેનો પુત્ર રોહિત ત્યાં આવી ગયો હતો અને પોતાના પિતાના હાથમાંથી છરી ઝુંટવી પોતાના પિતા પર ઝનૂનથી તૂટી પડયો હતો. પેટ, છાતી અને પીઠમાં તેમજ હાથ-પગમાં ખચાખચ ૧૮ જેટલા ઘા ઝીંકી દેતા રાજુ ઘટના સ્થળે જ ઢળી પડયો હતો.
મૃતક રાજુ મકવાણા અગાઉ લૂંટ, ચોરી અને મારામારીના અનેક ગુનામાં સંડોવાયો હોવાનું અને દસેક દિવસ પહેલાં જ નશામાં પોતાની રિક્ષા સળગાવી નાખી હતી. બ્રાઉન સ્યુગર અને ગાંજોનો નશો કરવાની ટેવના કારણે ઘરમાં બંને પુત્ર અને તેની પત્ની સાથે દરરોજ ઝઘડા કરતો હોવાથી કંટાળી ગયા હોવાનું અને રોહિતે છરી ઝુંટીને હુમલો કર્યો ન હોત તો માતા નિતાબેનની હત્યા કરી નાખી હોત તેમ અજય રાજુ મકવાણાએ જણાવ્યું હતું. થોરાળા પોલીસ મથકના પી.આઇ. જી.એમ.હડીયા સહિતના સ્ટાફે પિતાની હત્યાના ગુનામાં પુત્રની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.