પ્રથમ તબકકામાં અમદાવાદ, ગાંધીનગર, મોરબી, જામનગર સહિતના રૂટ ચાલુ

રાજકોટના ૫૦ વર્ષ જુના બસ સ્ટેશનને અદ્યતન એરપોર્ટ જેવું બનાવવાની પ્રક્રિયા સોમવારથી હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટવાસીઓને કોઈ અસગવડતા ન પડે તે માટે શાસ્ત્રીમેદાન ખાતે હંગામી બસ સ્ટેન્ડમાં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાત્રે ૧૨:૦૦ કલાકથી જ પ્રથમ તબકકાના કુલ ૮ પ્લેટફોર્મના રૂટની બસો આજથી ધમધમતી થઈ ગઈ છે. આગામી રવિવાર સુધીમાં સ્થળાંતરની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ શાસ્ત્રીમેદાન ખાતે હંગામી બસ સ્ટેન્ડ ધમધમતું થશે.

રાજકોટ એસ.ટી. ડિવીઝનના વિભાગીયા નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાત્રીના ૧૨ વાગ્યાથી જ પ્રથમ તબકકામાં આવતા રૂટો જેવા કે વોલ્વો સર્વિસ, અમદાવાદ (ઈન્ટરસીટી), ગાંધીનગર, મોરબી, જામનગર, ચોટીલા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, મહેસાણા, અંબાજી સહિતના રૂટની બસ શાસ્ત્રીમેદાનથી ચાલુ થઈ ગઈ છે અને આવતીકાલે વાંકાનેર, કુવાડવા, જસદણ, સાવરકુંડલા, રાજુલા, ટંકારા વગેરેના રૂટ ચાલુ થશે.

આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રવિવાર દરમિયાન જુનાગઢ, ગોંડલ, વીરપુર, ઉપલેટા, ઉના, ધોરાજી સહિતના સૌરાષ્ટ્રના રૂટ શરૂ કરવામાં આવશે અને સોમરવાથી સંપૂર્ણ એસ.ટી. બસોનો વ્યવહાર શાસ્ત્રીમેદાન ખાતેથી કરવામાં આવશે. હાલમાં તમામ પ્રકારની સુવિધા મુસાફરોને મળી રહે તે માટે કરવામાં આવી છે. ખાસ તો વોલ્વો પેસેન્જર માટે એસી વેઈટીંગ રૂમ તેમજ ત્રણ શૌચાલય અને ૯ સ્ટોલની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, ૧૫મી નવેમ્બર સુધી જુના એસ.ટી. સ્ટેન્ડ ખાતે બે મીની બસ રાખવામાં આવી છે. જો કોઈ મુસાફર ત્યાં જતો રહે તો તેને ફ્રીમાં શાસ્ત્રીમેદાન સુધી પહોંચાડવામાં આવશે અને ૬ નવેમ્બર સોમવારથી જુના બસ સ્ટેન્ડને અદ્યતન કરવાની કામગીરી ચાલુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.