રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ અને જામ કંડોરણાના બાલાપર ગામે મહિલા અને શ્રમજીવીની હત્યા થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘર કંકાસના કારણે ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની હત્યા કરી  મકાનને તાળુ લગાવી ભાગી ગયાની અને બાલાપર ગામે કૂંવો ગાળવાની મજુરી કામ કરતા શ્રમજીવી કામના સમયે મોબાઇલમાં વીડિયો જોતો હોવાથી કોન્ટ્રાક્ટર સહિત ત્રણ શખ્સોએ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

જામકંડોરણાના બાલાપર ગામે કામના સમયે મોબાઇલમાં વીડિયો જોવાના પ્રશ્ર્ને શ્રમજીવીની ત્રણ શખ્સોએ હત્યા કરી

જામકંડોરણા નજીક આવેલા બાલાપર ગામે વાડી વિસ્તારમાં કૂંવા ગાળવાની મજૂરી કામ કરતા રાજસ્થાનના યુવકનું તેના જ કોન્ટ્રાક્ટર સહિત ત્રણે વીડિયો જોવા બાબતે માથાકૂટ થતા ઢીમ ઢાળી દીધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને ફોરેન્સીક પોસમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત થતી માહિતી મુજબ, પ્રતાપસિંહ ભોજાસિંહ રાવત મુળ રાજસ્થાનનો વતની હતો. અહીં જામકંડોરણાનાં બાલાપર ખાતે કૂંવો ગાળવાનું કામ કરતા કોન્ટ્રાકટર પ્રેમસિંહના કોન્ટ્રાકટમાં તે કામ કરતો હતો. એક મહિના પહેલા તે રાજસ્થાનથી અહીં આવ્યો હતો અને પ્રેમસિંહ સાથે કામ કરતો હતો. ગઇકાલે બપોરે બાલાપરના ખેડૂત મહાદેવભાઇ પટેલની વાડીમાં કૂંવા ગાળવાનું કામ ચાલુ હતું. ત્યારે મૃતક પ્રતાપસિંહ અને તેની સાથે મજુરી કરતો શાપરનો રઘુ બંને મોબાઇલ ફોનમાં વીડિયો જોઈ રહ્યા હતાં.

ત્યારે જ કોન્ટ્રાકટર પ્રેમસિંહ ત્યાં આવી જતા બંનેને ઠપકો આપ્યો હતો અને મોબાઇલમાં વીડિયો જોવાનું બંધ કરી કામ પર લાગી જવાનું કહ્યું હતું. આથી શાબ્દીક રકઝક થઇ હતી. જેથી પ્રેમસિંહે મોબાઇલ લઇને પોતાની પાસે રાખી લીધો હતો. આ પછી કૂંવો ગાળવાનું કામ ચાલુ થયું હતું અને સાંજ સુધી કામ ચાલ્યું હતું. પછી રાત્રે જમવા બેસતી વખતે મોબાઇલ પરત આપવા બાબતે ફરી માથાકુટ થઇ હતી. પ્રેમસિંહે મોબાઇલ પરત ન આપતા ભારે ઝઘડો થયો હતો. તે પછી સવારે ફરી કુવા ગાળવાનું કામ ચાલુ હતું, તે સમયે ફરી એકવાર માથાકૂટ થઇ હતી. જેમાં પ્રતાપસિંહ અને પ્રેમસિંહ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. દરમિયાન પ્રેમસિંહે તેના ભાઇ અને અહીં કામ કરતા અન્ય એક મજૂરે મળી હુમલો કરતા પ્રતાપસિંહને બોથડ પદાર્થ કે અન્ય હથિયાર વડે માર મારતા ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ પ્રતાપસિંહે દમ તોડી દીધો હતો.

આ અંગે વાડી માલિકે પોલીસમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસની સાથે રૂરલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી હતી. પોલીસે હત્યાના ગુનામાં ત્રણેયની અટકાયત કરી છે.

શાપરની સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં રહેતી કમળાબેન (ઉ.વ. 55)ની તેના પતિ પ્રેમજી ગોવિંદ પરમારે ગૃહકલેશને કારણે નાના રોડના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો બનાવ જાહેર થયો છે. હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો. શાપર પોલીસે તેને ઝડપી લેવા તજવીજ શરૃ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભદ્રેશી ગામના કમળાબેન છેલ્લા 6 વર્ષથી પરિવાર સાથે શાપર રહેતાં હતા. તેનો પતિ કારખાનામાં નોકરી કરે છે. સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાંથી મોટો પુત્ર બાબુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. બાકીના બંને પુત્રો મજુરી કરે છે. કમળાબેન અને તેના પતિ પ્રેમજી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જેને કારણે આજે બંને વચ્ચે ફરીથી ઝઘડો થતાં ઉશ્કેરાઈ જઈ પ્રેમજીએ રોડના ઘા ઝીંકી પત્ની કમળાબેનની હત્યા ભાગી ગયાનું પોલીસમાં નોંધાયું છે.

પ્રેમજીએ તેના મોટા પુત્ર બાબુને કોલ કરી કહ્યું કે મે તારી માને મારી નાખી છે, જે થાય તે કરી લેજે. આ પછી કોલ કટ કરી નાખ્યો હતો. આ વાત સાંભળી ચોંકી ગયેલા બાબુએ તત્કાળ તેના બે નાના ભાઈઓને જાણ કરતાં તેઓ ઘરે દોડી ગયા હતા. તે વખતે મકાનને તાળુ હતું. તાળુ તોડીને જોતાં તેમની માતા કમળાબેન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. જેથી તત્કાળ તેને રાજકોટની સિવીલમાં લઈ આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં જ શાપર પોલીસ સ્થળ પર અને સિવીલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધી પ્રેમજીની પણ શોધખોળ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.