શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ ગત 2 વર્ષમાં 31 વિદ્યાર્થીઓના વાલીઓને રૂ. 31 લાખની સહાય ચૂકવાઇ: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા
વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર “શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ રૂ. 1,00,000 નું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. વર્ષ 2022-23માં રાજ્યભરમાં મૃત્યુ પામેલા 14 વિદ્યાર્થીના વાલીઓને કુલ રૂ. 14,00,000 તેમજ વર્ષ 2023-24માં 17 વિદ્યાર્થીઓના વાલીઓને કુલ રૂ. 17,00,000 ની સહાય ચૂકવવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓ ના અકસ્માત મૃત્યુ બાદ વાલીને અપાતી સહાયમાં રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખી નથી. અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત બે આંખ, બે હાથ અને બે પગ ગુમાવવાના કિસ્સામાં રૂ. 1,00,000 જ્યારે, એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. 50,000 ની સહાય ચૂકવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અમલમાં આવી ત્યારે વિદ્યાર્થીના વાલીઓને રૂ. 50,000ની સહાય આપવામાં આવતી હતી, ત્યારબાદ રાજ્ય સરકારે તેમાં વધારો કરીને રકમ રૂ. 1,00,000 કરવામાં આવી હતી.