- એક મહિલા સહીતના 6 પાડોશીઓ દ્વારા યુવાન પર હુમલો કરી હત્યા નિપજાવાઈ: અન્ય બે ભાઈઓને પણ ઇજા
જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે બાળકોના ઝઘડામાં બપોરના સુમારે સર્જાયેલી તકરારમાં યુવાન પર પાઇપ-ઘોકા વડે હુમલો કરાતા ગંભીર રીતે ઘવાયેલા યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવના પગલે નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
જાણવા મળતી વિગત અનુસાર જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે રહેતા રમેશભાઇ ભાણજીભાઇ વિરમગામા નામના યુવાનને સોમવારે બપોરના સુમારે બાળકોના ઝગડા મામલે બોલાચાલી કરીને બેફામ માર મારવામાં આવ્યો હતો. બોલાચાલીથી ઉદભવેલા મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પાઇપ અને ઘોકા વડે હુમલાખોરો તુટી પડયા હતા. જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવા માટે તજવિજ હાથ ધરાઇ હતી.જો કે ઈજાગ્રસ્ત યુવાને દમ તોડી દેતા જીવલેણ હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ થતા શેઠ વડાળા પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે ખસેડી હત્યાના બનાવ મામલે ગુનો નોંધવા તજવિજ હાથ ધરી છે. બાળકોના સામાન્ય ઝઘડામાં આ ખૂની ખેલ ખેલાતા ગામમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.પોલીસે હુમલાખોરોને સકંજામા લેવા માટે કવાયત સાથે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં બે પાડોશીઓ વચ્ચે બાળકો અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા પછી એક યુવાનની હત્યા નિપજાવાઈ હતી, જ્યારે તેના અન્ય બે ભાઈઓ પર હુમલો કરાયો છે. પાડોશમાં રહેતા એક મહિલા સહિતના છ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામ નામના 45 વર્ષના યુવાન પર બાળકો અંગેની તકરારમાં તેના પાડોશમાં જ રહેતા પ્રકાશ બાબુભાઈ મકવાણા, બાબુભાઈ બચુભાઈ મકવાણા, કાનજીભાઈ બચુભાઈ મકવાણા, રણછોડભાઈ બચુભાઈ મકવાણા, દયાબેન બાબુભાઈ મકવાણા અને રવિભાઈ બાબુભાઈ મકવાણા વગેરે દ્વારા લાકડી- ધોકા વડે જીવલેણ હુમલો કરાયો હતો. જેના કારણે લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જામજોધપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેણે દમ તોડી દીધો હોવાથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ ઉપરાંત રમેશભાઈના અન્ય બે ભાઈઓ શૈલેષભાઈ તથા પ્રકાશભાઈ ને પણ માર મારવામાં આવ્યો હોવાથી તે બંનેને જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.
શેઠ વડાળા ગામમાં બે પાડોશીઓના બાળકો ઝઘડયા હતા, જેના ઝઘડામાં બાળકોના વાલીઓ એકત્ર થઈ ગયા હતા અને બાળકો બાદ મોટેરાઓ વચ્ચે ઝઘડો થઈ જતાં ધીંગાણું થયું હતું અને પાડોશીના હુમલામાં રમેશભાઈ વિરમગામા ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. જેનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશન નો સ્ટાફ બનાવના સ્થળે તેમ જ હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.
શેઠ વડાળા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો : આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન
જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે જે રીતે બાળકોના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવાનની હત્યા નીપજાવી દેવામાં આવી છે ત્યારે આખા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી બાજુ મહિલા સહીત 6 હત્યારાઓ હજુ પોલીસ પકડથી દૂર હોવાથી તમામને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મહિલા સહીત 6 આરોપીઓ વિરુદ્ધ હત્યા, રાયોટિંગ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો
મૃતક રમેશભાઈના ભાઈ શૈલેષ વિરમગામાની ફરિયાદના આધારે ઉપરોક્ત મહિલા સહિતના તમામ છ આરોપીઓ સામે હત્યા તેમજ રાયોટિંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે અને શેઠ વડાળા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બનાવને લઈને નાના એવા શેઠવડાળા ગામમાં ભારે ચકચાર જાગી છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.