રાજ્યના ઇન સર્વિસ તબીબોએ એનપીએ, સળંગ સર્વિસ સહિતના પડતર પ્રશ્નોને લઈને ગઈકાલથી હડતાલનો પ્રારંભ કર્યો હતો.ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા આ ડોકટરોની હડતાલ સમેટાઈ ગઈ છે.
ગુજરાતના ઇન સર્વિસ ડોક્ટરો ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા હતા. જો કે હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ ઇન સર્વિસ ડોકટર એસોસિએશનના પ્રતિનિધિ અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ગાંધીનગર ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી એનપીએ, સળંગ સર્વિસ સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે ખાતરી આપવામાં આવી હતી. આ ખાતરી બાદ ડોકટર એસોસિએશનના સેક્રેટરી ડો.ડી.કે. હેલૈયાએ જાહેર કર્યું હતું કે ઇન સર્વિસ ડોક્ટરો આજે શનિવારથી રાબેતા મુજબ ફરજ બજાવશે.
ડોક્ટર એસો.એ ગત મેં મહિનામાં પણ ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પ્રશ્નોનો નિવેડો લાવવાની બાહેંધરી આપવામાં આવી હતી. જો કે બાદમાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા એસો.એ હડતાલનું એલાન કર્યું હતું. હવે નાયબ મુખ્યમંત્રીએ પ્રશ્નોનો ઉકેલ લઈ આવવાની બાહેંધરી આપતા ફરી આંદોલન સમેટાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે ઇન સર્વિસ તબીબોની એક દિવસ રહેલી હડતાલને કારણે સૌરાષ્ટ્રભરમાં આરોગ્ય સેવાને ભારે અસર પહોંચી હતી. પણ અંતે ઘીના ઠામમાં ઘી પડી જતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.