હવે એકાદ સપ્તાહ રહેશે મેઘ વિરામ જેવો માહોલ
હાલ કોઇ સિસ્ટમ સક્રિય નથી, લોકલ ફોર્મેશનના કારણે છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે: રાજ્યમાં સિઝનનો સરેરાશ 69.86 ટકા વરસાદ
રાજ્યમાં ભારેકે સાર્વત્રિક વરસાદ આપે તેવી એકપણ સિસ્ટમ હાલ સક્રિય નથી, જેના કારણે એકાદ સપ્તાહ સુધી મેઘ વિરામ જેવો માહોલ રહેશે. લોકલ ફોર્મેશનના કારણે છૂટા છવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. રાજ્યમાં મેઘનું જોર ઘટી ગયું છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં માત્ર 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 133.29 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં માત્ર 27.20 ટકા પડ્યો છે.
સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લામાં જુલાઇ માસમાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે. લીંબડી, વિંછીયા, લાલપુર, જાફરાબાદ અને સિંહોર તાલુકામાં હજી મેઘાની ઘટ વર્તાય રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 46.47 ટકા, રાજકોટ જિલ્લામાં 57.70 ટકા, મોરબી જિલ્લામાં 59.14 ટકા, જામનગર જિલ્લામાં 68.09 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 81.34 ટકા, પોરબંદર જિલ્લામાં 84.52 ટકા, જૂનાગઢ જિલ્લામાં 72.65 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 82.60 ટકા, અમરેલી જિલ્લામાં 55.13 ટકા, ભાવનગર જિલ્લામાં 46.31 ટકા અને બોટાદ જિલ્લામાં 43.37 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર રિજીયનમાં સરેરાશ 61.94 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
જ્યારે કચ્છ રિજીયનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.71 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 61.19 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.28 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશ 69.86 ટકા વરસાદ વરસી ગયો છે.
નર્મદા ડેમની સપાટી 131.18 મીટરે પહોંચી
એમપીમાં પણ વરસાદનું જોર ઘટતા પાણીની આવકમાં ઘટાડો
મધ્યપ્રદેશમાં વરસાદનું જોર ઘટતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમમાં પણ પાણીની આવક ઘટી જવા પામી છે. સરદાર સરોવર ડેમની સપાટી 131.18 મીટરે પહોચી જવા પામી છે. ડેમ ઓવરફલો થવામાં હજી આઠ મીટર બાકી છે. જોકે હજી ચોમાસાની સીઝન પુરી થવાના આડે બે મહિનાથી પણ વધુ સમય બાકી હોય આ વર્ષ નર્મદા ડેમ ઓવર ફલો થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. એમપીમાં અનરાધાર વરસાદ પડતા ચાલુ સપ્તાહે નર્મદા ડેમની જળ સપાટીમાં તોતીંગ વધારો થતા વીજ ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે હવે વરસાદનું જોર ઘટતા પાણીની આવક પણ ઘટી જવા પામી છે.છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 32 સેન્ટીમીટરનો વધારો થયો છે.