પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અઢી ઈંચ ખાબક્યો: કોટડા સાંગાણીમાં દોઢ ઈંચ, થાનમાં સવા ઈંચ, ગોંડલ, સુત્રાપાડા, જેતપુર, વેરાવળમાં એક ઈંચ, ધોરાજી, વિસાવદર, ઘોઘા, હળવદ, વડીયા, કુતિયાણામાં અર્ધો ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં સવારથી વાદળછાંયુ વાતાવરણ: આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
નિસર્ગ વાવાઝોડાની અસરના કારણે બુધવારે રાજ્યના ૫૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો હતો તો દક્ષિણ ગુજરાતમાં ૩ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળ છાયુ વાતાવરણ છવાયેલું છે. વાવાઝોડુ હવે ફંટાય ગયું છે. છતાં આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદી આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં પણ સામાન્ય છાંટા પડ્યા હતા. વાદળ છાંયા વાતાવરણના કારણે લોકોને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી જતા જગતાતમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.
સ્ટેટ ક્ધટ્રોલ રૂમના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૫૭ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં ૭૮ મીમી એટલે કે ૩ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ડાંગમાં ૭૫ મીમી, તાપીના નિઝારમાં ૬૫ મીમી, સુપીરમાં ૬૦ મીમી, વધઈમાં ૪૬ મીમી વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ ઉપરાંત કચ્છ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં ૩૬ મીમી, ગોંડલમાં ૨૪ મીમી, જેતપુરમાં ૧૮ મીમી, ધોરાજીમાં ૧૫ મીમી, જસદણમાં ૬ મીમી, સુરેન્દ્રનગર જિલ્લાના, થાનમાં ૩૧ મીમી, ચોટીલામાં ૫ મીમી, ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ૧૯ મીમી, વેરાવળમાં ૧૭ મીમી, તાલાલામાં ૯ મીમી, જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧૫ મીમી, કેશોદમાં ૩ મીમી, ભાવનગરના ઘોઘામાં ૧૫ મીમી, મોરબીના હળવદમાં ૧૨ મીમી, અમરેલીના વડીયામાં ૧૧ મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૩ મીમી વરસાદ વરસ્યો હતો. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડુ ફંટાય ગયું છે છતાં આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
નિર્સગ વાવાઝોડાની અસરને લઈને પોરબંદરના બરડા પંથકના કેટલાક ગામોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો. પોરબંદરના બરડા પંથકના મોરાણા,ભોમીયાવદર, પારાવાડ, સીમર અને કુણવદર સહિતના ગામોમાં ૧ થી અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. બરડા પંથકમાં બપોરના સમયે વાતાવતરણમંા એકાએક પલટો આવ્યો હતો અને ત્યારબાદ ભારે પવન ફુકાવાનું શરૂ થઈ ગયુ હતુ અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અને અંદાજે ૧ થી અઢી ઈંચ જેટલો વરસાદ આ ગ્રામ્ય વિસ્તારોમાં વરસી ગયો હતો. જેને પગલે વાડી ખેતરોમાં પાણી ભરાયા હતા. બરડાના કેટલાક ગામડાઓમાં હજુ પણ મગ અને તલનો પાક ઉભો છે તેવા સમયે વરસાદ પડતા આ પાકને ભારે નુકશાન થયુ છે અને ખેડુતોને મોટુ આથર્કિ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ચોમાસુ નજીક હોવાથી ખેડુતો ખેતરો ખેડી અને વાવણી માટે તૈયાર કરી રહયા હતા. બે થી અઢી ઈંચ જેટલો વરસાદ પડતા હવે ખેતરો પણ તૈયાર થશે નહી અને ચોમાસુ પાક માટેની વાવણી પણ વિલંબમાં પડશે.
ગોંડલ શહેર પંથકમાં પાંચિયાવદર, મોવિયા, શ્રીનાથગઢ, શિવરાજગઢ, માંડણ કુંડલા તેમજ બીલડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદથી ખુલ્લામાં રાખેલ ઘરવખરી તો કોઇના ખુલ્લામાં પડેલા શાકભાજી , ચારો પલળી ગયો તો પ્રથમ વરસાદમાં ગરમીથી ત્રસ્ત નાના ભૂલકોથી મોટાઓ, મહિલાઓ, મન મુકીને નાહવાનો આહલાદક આનંદ માણ્યો કોરોનાનો ખોફ ભુલાય જ ગયો પણ બીજીબાજુ કોરા ધાકોડ વોકળાઓમાં બેફામ પાણી વહેવા લાગ્યા હતા.
મટીયાણા ગામે રહેણાંક મકાન અરજણભાઈ બોરખતરીયાના મકાનના સિમેન્ટના પતરા આંધી-તુફાનમાં ઉખેડીને ભાંગીને ભૂક્કો કરી નાખ્યા સદનસીબે પરિવારનો બચાવ થયો હોવાનું મટીયાણા સરપંચ રાજુભાઈ બોરખતરીયાએ જણાવ્યું કે ખેતીવાડીના ૧૦ થી ૧૫ વીજપોલ તૂટી ગયા તો કયાંક ઉખેડી ફેંકી દીધા જેથી વિજ પુરવઠો બંધ છે. મટીયાણા, મવડી, ખખાવી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી વિજપોલ ઉખેટી ફેંકી દીધા જેથી અનેક ફિડરોમાં અંધારપટ છવાયો છે તો બુરી, જીલાણા, મીતડી, નાકરા, ખખાવી, માંડોદરા, મટીયાણા સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વાયરો તૂટયાનું જીઈબી ઈજનેર રૂપારેલીયાએ જણાવ્યુ છે. આખા તાલુકામાં દક્ષિણ તરફ વિસ્તારમાં વધુ વાવાઝોડુ હતુ બાંટવા ખાતે વિજ કચેરી ઈજનેરે જણાવ્યું કે, વીજપોલ, વૃક્ષો, વીજ વાયરો તૂટયા છે.
મોરબી માળિયા- હળવદ હાઇવે પર આવેલ અણિયારી ટોલનાકાને ભારે પવનના કારણે નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ઉપરના ભાગેથી છાપરા નીચે પડી ગયા હતા. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના ન ઘટી હતી.