- સાયલા પાસે 400 કે.વી. સબ સ્ટેશનથી સુરેન્દ્રનગર જિલ્લાના 10 હજાર લોકોને થશે લાભ
- રાજકોટ, અમરેલી, ભાવનગર પંથકમાં બનેલા 66 કે.વી.ના વિવિધ 10 સબ સ્ટેશનોનું પણ લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ પધારી રહ્યા છે અને નાગરિકોને હજ્જારો કરોડના વિકાસકામોની ભેટ આપવાના છે, ત્યારે ઊર્જા વિભાગના રૂપિયા 513 કરોડથી વધુનાં વિકાસકામોનું પણ તેમના વરદ હસ્તે લોકાર્પણ થનાર છે.
ખેતી હોય, ઘર હોય કે પછી ઉદ્યોગ, વીજળી સૌ માટે મહત્વની છે અને સૌરાષ્ટ્રમાં વીજ નેટવર્કને મજબૂત બનાવતા વિવિધ સબ સ્ટેશનો સાથેના વિકાસકામો સતત ચાલી રહ્યા છે. જે ઉપક્રમમાં સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર તથા રાજકોટ જિલ્લામાં નિર્માણ પામેલા વિવિધ ક્ષમતાના સબ સ્ટેશનોનું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે.
જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને ઉદ્યોગકારોને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પૂરવઠો મળી રહે તે માટે સાયલા તાલુકામાં શાપર ખાતે રૂ. 348.12 કરોડના ખર્ચે 400 કે.વી. સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનાથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તથા ચોટીલા તાલુકાના આશરે 10 હજારથી વધુ લોકોને લાભ થશે. મહત્વનું છે કે, 400 કે.વી.ના શાપર સબ સ્ટેશનને તેની 400 કેવી./200 કે. વી. ટ્રાન્સમિશન લાઈન સાથે ચાલુ કરવાથી એકંદર ટ્રાન્સમિશન લાઈનના નુકસાનમાં ઘટાડો થાય છે. આ સાથે 400 કે.વી. કોરિડોર દ્વારા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે મજબૂત વીજ આંતરજોડાણ ઉપલબ્ધ બનશે.
વીજળી ઉત્પાદન માટે સરકાર હવે પુન: પ્રાપ્ય ઊર્જા પર ભાર આપીને તેને પ્રોત્સાહન આપી રહી છે. આ જ ઉપક્રમમાં ભાવનગર જિલ્લાના સનેસ ખાતે સરકારી પડતર જમીન પર, આશરે રૂપિયા 87 કરોડના ખર્ચે, 21 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રીના હસ્તે થનાર છે. મહત્વનું છે કે, આ પ્રોજેક્ટ સાકાર થવાથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે. આ સાથે વીજ વિતરણના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનથી થતું નુકસાન અને ખર્ચ પણ ઘટશે. આ પ્રોજેક્ટથી બિનપરંપરાગત ઊર્જા સ્રોતથી વીજળી ઉત્પન્ન થતી હોવાથી પ્રદૂષણ પણ નહીં થાય.
અમરેલી તથા ભાવનગર પંથકના વિવિધ આંતરિયાળ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અવિરત વીજ પૂરવઠો પૂરો પાડવાના હેતુસર આશરે રૂ.38 કરોડના ખર્ચે 66 કે.વી.ના પાંચ નવા સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના તળાજાના ચોપડા ખાતે 7.92 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, મહુવા તાલુકાના તલગાજરડામાં રૂ.6.81 કરોડમાં બનેલા સબ સ્ટેશન તથા મહુવાના ભાણવડામાં બનેલા સબ સ્ટેશન જ્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં 6.94 કરોડના ખર્ચે નિર્મિત દહીંથરા (નવાગામ) સબ સ્ટેશન, સાવરકુંડલા તાલુકામાં 8.91 કરોડના ખર્ચે બનેલા ચરખડીયા (નેસડી) સબ સ્ટેશનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, રાજકોટ જિલ્લામાં રૂ.40 કરોડના ખર્ચે બનેલા 66 કે.વી.ના પાંચ સબ સ્ટેશનોનું પણ લોકાર્પણ થશે. જેમાં રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકામાં 6.56 કરોડના ખર્ચે બનેલા વિમાસણ સબ સ્ટેશન, વિંછિયા તાલુકાના લાલાવદરમાં 7.66 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, રાજકોટના પરા પિપળીયા (એઈમ્સ)માં રૂ.7.38 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, જસદણ તાલુકાના મોઢુકામાં રૂ.9.74 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન તથા ઉપલેટા તાલુકાના મુરખડામાં રૂ. 8.59 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આ સબ સ્ટેશનનો લાભ પોરબંદર પંથકના ગામોને પણ થશે.
રૂ. 68 કરોડથી વધુના ખર્ચે સુપેડી-જામદાદર અને મણાર-તરસરા રોડ ખુલ્લો મુકાશે
રર હજારથી વધુ લોકોને સીધો લાભ, આવાગમનમા રહેશે સરળતા
પ્રધાનમંત્રીના માર્ગદર્શન અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમા આંતરમાળખાકીય સુવિધાઓનુ માળખું અત્યંત સુદ્રઢ બની રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે વીજળી, રસ્તા, નેટવર્ક વગેરે જેવી સુવિધાઓ દેશના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય પ્રણાલી વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી જનતા જનાર્દનને વધુ સુવિધાસભર માળખું અર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રકલ્પો પૈકીના એક એવા રાજકોટ જિલ્લાના સુપેડી-જામદાદર રોડ અને ભાવનગર જિલ્લાના તળાજાના મણારથી તરસરા રોડના લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના સુપેડીથી જામદાદર વચ્ચે નિર્માણ થયેલ સુપેડી – ચિત્રાવડ – માત્રાવડ અને જામદાદર રોડ અંદાજે રૂ. 41.66 કરોડના ખર્ચે 7 મીટરની ડબલ લેન, ન્યુ સી.ડી. વર્ક અને સાઈડ સોલ્ડર્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
આ માર્ગ ખુલ્લો મુકાતા 22 હજાર 34 લોકોને સીધો લાભ થશે.આસપાસના ગામો કે જેઓ સંપૂર્ણ ખેતીવાડી સાથે સંકળાયેલ છે, તેઓને નજીકના માર્કેટિંગ યાર્ડ જેવા કે ધોરાજી, કાલાવડ,જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ વગેરે ખાતે આવાગમન કરવામાં ખૂબ સરળતા રહેશે અને કૃષિ પેદાશોનું વહન ઝડપી અને સમયસર થઈ શકશે. તો આસપાસના ગ્રામ વિસ્તારોના નાગરિકોને તબીબી સારવાર સમયસર મળી શકશે અને અન્ય કામગીરી માટે નજીકના તાલુકા મથકે જવા માટે પણ આ માર્ગથી સરળતા રહેશે લોકોના સમય અને ઇંધણનો બચાવ થશે.
જયારે તળાજા-ભાવનગર ખાતેના મણારથી ભારપરા અને ભારપરાથી પાદરી અને પાદરીથી તરસરા એમ કુલ ત્રણ તબક્કામાં બનાવવામાં આવેલો મણાર-તરસરા રોડ અંદાજે રૂ. 27.03 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. 5.50 મીટર પહોળાઈ સાથે 33 પાઈપ ડ્રેઈન, 7 સ્લેબ ડ્રેઈન, સી. સી રોડ અને રોડ ફર્નિસિંગ સાથે તૈયાર કરવામાં આવેલ આ માર્ગ ગ્રામીણ વિસ્તારોને શહેરી વિસ્તારો સાથે જોડવા માટે ખૂબ ઉપયોગી બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું છે. દેશમા 9 વર્ષમાં 3 લાખ 28 હજારથી વધુ કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના 37 કી. મી. હાઈવેનું નિર્માણ થઇ રહ્યું છે. હાઇવે સાથે મોટા શહેરો અને ગ્રામ વિસ્તારોમાં પણ ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે.
ગ્રામીણ વિસ્તારમાં લોકો માટે આરોગ્ય સંભાળ, શિક્ષણ અને રોજગારની તકો જેવી આવશ્યક સેવાઓ મેળવવા સારા રસ્તાઓ પ્રાથમિકતા છે અને પ્રધાનમંત્રીના આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે.
આણંદમાં રૂ. 163.90 કરોડના ખર્ચે નિર્માણ પામનારી હોસ્પિટલોનું થશે વર્ચ્યુઅલી ખાતમુહુર્ત
રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે તા. 25ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે. જે અન્વયે આણંદમાં રૂ. 163.90 કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની આધુનિક હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહુર્ત કરવામાં આવશે.
200 બેડ ધરાવતી જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, ઈમરજન્સી, રેડીયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓ.પી.ડી. જેવી કે ઓર્થોપેડીક, પીડીયાટ્રીક, ગાયનેક, જનરલ, ડેન્ટલ, ડાયેટીશીયન, ફીઝીયોથેરાપી, સ્કીન, એન.આર.સી., 4 ઓટી કોમ્પેક્ષ, એડવાન્સ લેબોરેટરી સર્વિસ, ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ બનશે. વધુમાં, મેલ અને ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશીયલ રૂમ, એન.આઈ.સી.યુ., પી.આઈ.સી.યુ., બર્ન, આઈ.સી.સી.યુ. અને એસ.આઈ.સી.યુ., પ્રીઝનર વોર્ડ તેમજ બ્લડ બેન્ક, કીચન અને ડાઇનીંગ, એડમીન ઓફીસ, ઇલેક્ટ્રીકલ અને પાવર બેક અપ સિસ્ટમ, મોચ્ર્યુરી, લોન્ડ્રી, મેડીકલ ગેસ પાઇપ લાઇન, ફાયર ફાઇટીંગ સીસ્ટમ, વોટર સપ્લાય, સુએજ સીસ્ટમ, બાયો મેડીકલ વેસ્ટ સીસ્ટમ ઉપલબ્ધ કરાવાશે.
એટલું જ નહીં, હોસ્પિટલની આગળની બાજુએ લેન્ડ સ્કેપીંગ, ગાર્ડનીંગ તથા ઓપન એરિયામાં દર્દીઓના સગા-વ્હાલા માટે વેઇટીંગ એરિયા શેડ સાથે પાછળની બાજુએ ટુ વ્હીલર/ફોર વ્હીલર પાર્કિંગ શેડ તથા ઓવર હેડ વોટર ટેન્ક, પંપ રૂમ, સબમર્સિબલ બોર સહિતની સુવિધા અપાશે.
આ ઉપરાંત, 50 બેડ ધરાવતી આયુર્વેદિક હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, ફિઝીયોથેરાપી, યોગા હોલ હોમિયોપેથી, ઓ.પી.ડી, મેલ અને ફીમેલ વોર્ડ, મેલ અને ફિમેલ પંચકર્મ, કોન્ફરન્સ હોલ, વહીવટી કચેરી, 2 સ્પેશીઅલ રૂમ, ઓટી, એડમીન ઓફીસનું નિર્માણ કરાશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આણંદ જિલ્લાના આશરે 24 લાખ લોકોને અત્યાધુનિક તબીબી સેવાઓ પહોંચાડવાનો અને દર્દીઓની આરોગ્ય સુખાકારીને પ્રાથમિકતા આપવાનો છે. આ હોસ્પિટલનો ઉમરેઠ, સોજિત્રા, પેટલાદ, બોરસદ, તારાપુર અને ખંભાત સહીત સમગ્ર આણંદ જિલ્લાના રહેવાસીઓને લાભ મળી શકશે.
રોડ શોના રૂટનું નીરીક્ષણ કરતા પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશ્નર
તા.25/02/2024ના રોજ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતર્મુહુત પ્રસંગે રાજકોટ ખાતે દેશના માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહેવાના છે જે અંતર્ગત પ્રધાનમંત્રીને ઉષ્માભેર આવકારવા અને સ્વાગત કરવા જુના ઍરપોર્ટથી સભા સ્થળ રેસકોર્ષ સુધીના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે જુના એરપોર્ટ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી સમગ્ર આયોજન અંગે પરામર્શ કર્યો હતો.
આ તકે મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓએ રોડ શોના રૂટમાં બનાવવામાં આવનાર સ્ટેજ સહિતના આયોજન અંગે ચર્ચા કરી હતી તેમજ રૂટ પર જરૂરિયાત મુજબ જરૂરી સમારકામ, રૂટની સંપૂર્ણ સફાઈ, બેરીકેટિંગ, જુદી જુદી સંસ્થાઓના નાના-મોટા સ્ટેજ, ડેકોરેશન, સાઉન્ડ અન્ય લગત વ્યવસ્થા અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ સંબંધિત અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિને સૂચના આપવામાં આવી હતી.