વરસાદ લાવવા અને ખેંચવામાં ભેજ મહત્વનો ભાગ ભજવે છે: હવામાં ભેજનું પ્રમાણ વધે તો વરસાદ આવે: વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે: દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે
ભારતમાં વર્ષાઋતુ દરમિયાન વરસાદ લાવનારા ભેજવાળા પવનો આફ્રિકામાંથી નિર્માણ પામે છે, તે અરબી સમુદ્ર પર થઈને આવતા હોવાથી ભેજ ગ્રહણ કરે છે અને વરસાદ આપે છે. ભારતમાં સર્વપ્રથમ વરસાદનો પ્રારંભ આંદામાન-નિકોબારમાં મે માસમાં થાય છે, તે પછી કેરળમાં પડે છે એટલે જૂનની પહેલી તારીખથી ભારતમાં ચોમાસું બેસે છે. જો કે હાલ તો બિપરજોય નામનું ચક્રવાત ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જો કે તેની અસર સૌરાષ્ટ્ર પર વધુ નહિ થાય તેવું લાગી રહ્યું છે. જો કે આ ચક્રવાતથી ચોમાસુ પાછું ઠેલાઇ તેવી શક્યતા છે. જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો વરસાદ આવે છે.
ભેજ વરસાદને ખેંચી લાવે છે પરંતુ આ ચક્રવાતથી ભેજનું પ્રમાણ ઘટશે પરિણામે વરસાદમાં વિલંબ આવી શકે તેમ છે.બિપરજોય નામનું ચક્રવાત મંગળવારે પૂર્વ મધ્ય અને નજીકના દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર સક્રીય થયું હતું અને ગુરુવાર સુધીમાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તન થવાની ધારણા છે. તે ભારતના પશ્ચિમ કિનારાને મોટાભાગે અસર કરે તેવી શક્યતા નથી, પરંતુ ભેજને દૂર કરીને કેરળમાં ચોમાસાની શરુઆતને વધુ વિલંબિત કરી શકે છે. બિપરજોય 170kmphની ઝડપે પવન ફૂંકાવાની સાથે પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધે એવી શક્યતા છે. સિસ્ટમ ચોમાસાની શરુઆતને પ્રભાવિત કરે એવી શક્યતા છે. જે સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે.
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન ઉત્તર તરફ આગળ વધ્યું છે અને આગાહીમાં જણાવાયું છે કે તે આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે. આ સિસ્ટમને બિપરજોય નામ આપવામાં આવ્યું છે. જે બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવેલું એક બાંગ્લા શબ્દ છે, જેનો અર્થ થાય છે આપત્તિ. આ સિસ્ટમ મંગળવારની સાંજે પાંચ વાગ્યાની આસપાસ તીવ્ર બન્યું અને ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું હતું. જે બાદ તેને સરળ ટ્રેકિંગ અને પ્રારંભિક ચેતવણી માટે નામ આપવામાં આવ્યું હતું.
દક્ષિણ-પૂર્વ અને તેને અડીને આવેલાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ઊંડુ ડિપ્રેશન છેલ્લાં છ કલાકો દરમિયાન 4kmphની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું. જે ચક્રવાત વાવાઝોડું બિપરજોયમાં તીવ્ર બન્યું હતું અને આજે જૂનના IST 5.30 કલાકે કેન્દ્રીત થયું હતું. 6 જૂનના રોજ પૂર્વ-મધ્ય અને નજીકના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર ગોવાના લગભગ 920 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1050 કિમી દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 1130 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને કરાચીથી 1430 કિમી દક્ષિણમાં હોવાનું જણાવ્યું છે.
માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
માછીમારોને માટે આજથી મધ્ય અરબ સાગરમાં ન જવા માટે ચેતવણી જારી કરી હતી. ખુલ્લા સમુદ્રમાં માછીમારોને દરિયા કિનારે પાછા જવાની સલાહ આપવામાં આવી હતી. એટલું જ નહીં તમામ બંદરોને દૂરના ચેતવણી સંકેત II ફરકાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનનો હાલનો માર્ગ ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલનો સંકેત આપતો નથી. જો કે, આગામી બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલનો માર્ગ ઉત્તર દિશામાં પ્રગતિ દર્શાવે છે. કોઈ પણ સંજોગોમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનને લીધે રાજ્યમાં સંભવત વાવાઝોડાનો ખતરો હોય ત્યારે તેની અસર અત્યારથી જ દરિયાકાંઠે જોવા મળી રહી છે. હાલમાં જાફરાબાદ, પોરબંદર, માંદરોળનાં દરિયા કિનારે પણ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માંગરોળનાં દરિયામાં કરંટ વધતા 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે માંગરોળમાં માછીમારોને પોતાની બોટ બહાર લઈ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.
દ્વારકાના સમુદ્રમાં કરન્ટ: 8 થી 10 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડીપ્રેશનને લીધે રાજ્યમાં સંભવત: વાવાઝોડાનો ખતરો હોય ત્યારે જેની અસર અત્યારથી જ દરીયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. યાત્રાધામ દ્વારકામાં સમુદ્રના પાણીમાં કરન્ટ જોવા મળી રહ્યો છે અને હાલમાં સમુદ્રમાં આઠથી દસ ફૂટ જેટલાં ઊંચા મોજાં ઉછળી રહયા છે. આ સાથે જ ઓખા બંદર પર એક નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવાયું છે અને માચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ અપાઈ છે.